Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મુળ માંડવીના હાલ કેનેડામાં રહેતા લતીફભાઇ મેમણ માં ભોમના સંસ્‍કારો ભુલ્યા નથીઃ દર વર્ષે વતનમાં ગરીબ બાળકોને યુનિફોર્મનું વિતરણઃ પિતાની માફક દિકરો પણ તેના આ સેવાકાર્યમાં જોડાયો

માંડવીઃ મૂળ માંડવીના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા ખાતે સ્થાયી થયેલા લતીફભાઇ મેમણ છેલ્લા 4 વર્ષથી માંડવી ખાતે આવેલી કુમાર શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ દાનમાં આપે છે. પિતાની સેવાકીય પ્રવૃત્તીના લક્ષણો તેમના પુત્રમાં પણ આવ્યા છે. લતીફભાઇના 10 વર્ષીય પુત્ર અબ્દુલે કેનેડામાં ટીશર્ટનું વેચાણ કરીને તેમાંથી મળેલા રૂપિયાથી માંડવી કુમાર શાળાના 120થી વધુ જરૂરિયાતમંદ બાળકોના યુનિફોર્મ ખરીદવા મોકલ્યા છે.

મૂળ માંડવીના વતની એવા લતીફભાઈ મેમણ છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા ખાતે સ્થાયી થયા છે. જેઓ કેનેડાને પોતાની કર્મભૂમી બનાવી છે. વર્ષોથી કેનેડા ખાતે રહે છે, પરંતુ પોતાનીમાં ભોમના સંસ્કારો ભૂલ્યા નથી. તેઓ છેલ્લા 4 વર્ષથી માંડવી ખાતે આવેલ કુમારમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં બાળકોને યુનિફોર્મ માટે દાન આપે છે.

પિતાની સેવા પ્રવૃત્તીથી પ્રેરાઈને તેમના 10 વર્ષીય બાળક અબ્દુલ રહેમાને પણ સહાય કરવાનું વિચારીને પોતાની જાતે લોગો તૈયાર કરી ટીશર્ટ પર પ્રિન્ટ કરાવી તેનું વેચાણ કર્યુ હતું. અને તેમાંથી મેળવેલ રૂપિયા માંડવી ખાતે કાર્યરત કુમાર શાળામાં અભ્યાસ કરતાં ગરીબ બાળકો માટે યુનિફોર્મ ખરીદવા મોકલ્યા હતાં. તેનું ગુરૂવારેના રોજ 120થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

(5:22 pm IST)