Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં આવેલ પાકિસ્‍તાન અને ચીન દેશની કોન્‍સ્‍યુલેટ ઓફિસ સામે ઇન્‍ડીયન અમેરીકન કલ્‍ચરલ સેન્‍ટર શિકાગોના નેજા હેઠળ વિરોધ પ્રદર્શીત કરવા રેલીનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજનઃ શિકાગોના જાણીતા સમાજ સેવક ડો. ભરત બારાઇની આગેવાની હેઠળ યોજવામાં આવેલ આ વિરોધી રેલીમાં ૪૦૦ જેટલા ભારતીય સમાજના ભાઇ-બહેનોએ કડકડતી ઠંડીમાં આપેલી હાજરીઃ બન્‍ને કોન્‍સ્‍યુલેટને આવેદનપત્ર પહોંચતુ કરાયું: ચીનની કોન્‍સ્‍યુલેટ ઓફિસ સામે સૌ પ્રથમ વખત જ વિરોધ પ્રદર્શન યોજાયું: આવા શિસ્‍તબદ્ધ કાર્યક્રમ યોજવા બદલ નેતાગીરી અભિનંદનને પાત્ર છે

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : તાજેતરમાં ભારતના જમ્‍મુ શહેરથી થોડે દુર આવેલા પુલવામા શહેર નજીક પાકિસ્‍તાન પ્રેરીત આતંકવાદી હુમલાખોરોએ CRPFના ૪૪ જેટલા નવજુવાનો પર આત્‍મઘાતી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા તે સમાચારો ભારત તથા વિશ્વના અન્‍ય દેશોમાં પ્રસરી જતા સર્વત્ર જગ્‍યાએ રોષની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. અમેરીકામાં વસવાટ કરતા ભાઇ-બહેનો અને તેમાં પણ શિકાગોમાં વસવાટ કરતા ઇન્‍ડીયન અમેરીકનોએ ઇન્‍ડીયન અમેરીકન કલ્‍ચરલ સેન્‍ટર શિકાગોના નેજા હેઠળ શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં આવેલ પાકિસ્‍તાન તેમજ ચીનની કોન્‍સ્‍યુલેટ સામે આવી તેમની નાપાક પ્રવૃત્તિઓ અંગે વિરોધ પ્રદર્શીત કરવા માટે એક વિશાળ પ્રમાણમાં પ્રદર્શનનું આયોજન ૨૧મી ફેબ્રુઆરીને ગુરૂવારે કરવામાં આવ્‍યું હતું અને તેમાં ભારતીય સમાજના ૪૦૦ જેટલા ભાઇ-બહેનોએ હાજરી આપી હતી.

શિકાગો નજીક જુદા-જુદા પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભાઇ-બહેનો બસ દ્વારા પાકિસ્‍તાન કોન્‍સ્‍યુલેટ સમક્ષ આવી પહોંચ્‍યા હતા તો કેટલાક લોકો પોતાની કારમાં પણ નિયત કરેલા સમયે એકત્રિત થયા હતા. પાકિસ્‍તાન દેશની આવી નાપાક હરકતથી વ્‍યથીત થયેલા ભાઇ-બહેનો આ વિરોધ પ્રદર્શનમાં નજીકના રાજ્‍યોમાંથી શિકાગો આવ્‍યા હતા અને બપોરે ૧૧.૩૦ કલાકે વિરોધ પ્રદર્શીત કરવામાં આવી રહ્યો હતો તે વેળા તમામ ભાઇ-બહેનોએ શિસ્‍તતાપૂર્વક આ વિરોધમાં ભાગ લીધો હતો.

શિકાગોના ડાઉન ટાઉન વિસ્‍તારમાં આવેલ પાકિસ્‍તાન તથા ચીનની કોન્‍સ્‍ગુલેટની ઓફિસ સામે દેખાવો યોજવા માટે જે કાર્યવાહી થનાર હતી તેની આગેવાની શિકાગોના જાણીતા ડોક્‍ટર ભરત બારાઇ તથા ડો. શામ શેઠ અને જાણીતા નવયુવાન કાર્યકર નિરવ પટેલે લીધી હતી અને તેમણે તમામ લોકોને શિસ્‍તબદ્ધ વર્તન કરવા માટે જરૂરી સૂચના આપી હતી.

પ્રથમ પાકિસ્‍તાનની કોન્‍સ્‍યુલેટ ઓફિસ સામે બરાબર ૧૧.૩૦ વાગ્‍યે દેખાવો યોજાયા હતા અને તેમાં મોટા પ્રમાણમાં સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતાં. જેમાં ભારત માતા કી જય, પાકિસ્‍તાન આતંકવાદીઓનો અડ્ડો છે, પાકિસ્‍તાનના સત્તાવાળાઓ આતંકવાદીઓને આશરો આપે છે, પાકિસ્‍તાન માટે આવી પ્રવૃત્તિઓ શરમજનક છે નો સમાવેશ થતો હતો.

૨૧મી ફેબ્રુઆરીના રોજ જે વિરોધ યોજાનાર છે તે અંગેન જરૂરી જાણ બન્‍ને કોન્‍સ્‍યુલ જનરલને કરવામાંઆવી હતી અને તેમાં એક મેમોરેન્‍ડમ આપવામાં આવશે તેનો સ્‍વીકાર કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. પરંતુ બન્‍ને ઓફિસ તરફથી કોઇપણ પ્રકારનો પ્રત્‍યુત્તર મળ્‍યો ન હતો. પાકિસ્‍તાનની કોન્‍સ્‍યુલેટ ઓફિસ સામે એકાદ કલાક જેટલા સમય માટે વિરોધ પ્રદર્શીત કરાયા બાદ તે કોન્‍સ્‍યુલેટના સત્તાવાળાઓને આવેદનપત્ર આપવા માટે જ્‍યારે પ્રયાસ કરવામાં આવ્‍યો ત્‍યારે ખાનગી સીક્‍યોરીટીના સત્તાવાળાઓએ ડો. ભરત બારાઇ, ડો. શામ શેઠ તથા નિરવ પટેલને જણાવ્‍યું હતું કે તમો આવેદનપત્ર અમોને આપી દો અને તે સત્તાવાળાઓને પહોંચતુ કરીશું. આથી તેમને આવેદનપત્ર આપીને એક માઇલ દૂર ચીનની કોન્‍સ્‍યુલેટ ઓફિસે પહોંચ્‍યા હતા. ત્‍યાં આગળ પણ વિરોધી પ્રદર્શન કરી સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. આ વેળા સ્‍થાનિક પોલીસ અધીકારીઓનો ચુસ્‍ત બંદોબસ્‍ત હતો અને ચીનની કોન્‍સ્‍યુલેટ ઓફિસના સ્‍ટાફના માણસો ઓફિસની અંદરથી કાચમાંથી વીડિયો ઉતારી રહ્યા હતા. આ વેળા ડો. ભરત બારાઇ અને સાથી મિત્રો વીડિયો ઉતારનાર ભાઇઓની સામે જતા તેઓ ઓફિસમાં ભાગી છૂટયા હતા અને કોન્‍સ્‍યુલેટની બહાર મેઇલ બોક્‍સમાં આવેદનપત્ર મુકી સૂત્રોચ્‍ચાર કરતા સૌ વિખુટા પડયા હતા.

ચીનની કોન્‍સ્‍યુલેટ ઓફિસ સામે શા માટે વિરોધી પ્રદર્શન કરવામાં આવ્‍યુ એવા સવાલના પ્રત્‍યુત્તરમાં નિરવ પટેલ તેમજ ડો. શામ શેઠે જણાવ્‍યું હતું કે જ્‍યારે જ્‍યારે યુનોમાં પાકિસ્‍તાન વિરોધી આતંકવાદ અંગે ઠરાવો લાવવામાં આવે છે અને પાકિસ્‍તાનને આતંકવાદી દેશ જાહેર કરવા વિનંતી કરવામાં આવે છે ત્‍યારે ચીન દેશના પ્રતિનિધિ વીટોનો ઉપયોગ કરીને તેનો વિરોધ કરે છે તે બરાબર ન હોવાથી અમોએ આજે તે અંગે વિરોધ પ્રદર્શન કર્યુ હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

જેમની આગેવાનીમાં આ બન્‍ને કોન્‍સ્‍યુલેટ ઓફિસ સામે જે વિરોધના પ્રદર્શનો યોજવામાં આવ્‍યા એવા શિકાગોના સામાજીક કાર્યકર અને ઇન્‍ડીયન અમેરીકન કલ્‍ચરલ સેન્‍ટરના બોર્ડ ટ્રસ્‍ટી ચેરમેન ડો. ભરત બારાઇએ અમોને જણાવ્‍યું હતું કે પાકિસ્‍તાને આતંકવાદનો આશરો લીધેલ છે અને તેની પ્રવૃત્તિ અંગે આગળ વધેલ છે. તેથી અમેરીકામાં વસવાટ કરતા તમામ ઇન્‍ડીયન અમેરીકન ભાઇ-બહેનોમાં તીવ્ર રોષની લાગણી પ્રસરેલ છે. તેમણે જણાવ્‍યું હતું કે, તાજેતરમાં ભારતના લશ્‍કરના સૈનિકો કે જેઓ સીપીઆરએફમાં ફરજ બજાવે છે તેના પસાર થતા કાફલા પર આતંકવાદી હૂમલો થતા તેમાં ૪૪ જેટલા સૈનિકોએ પોતાના પ્રાર્ણની આહૂતિ આપેલ છે. આ હૂમલાને વિશ્વના દેશો જેમાં અમેરીકા, ફ્રાન્‍સ, જર્મની, રશિયા, યુકે તેમજ મીડલ ઇસ્‍ટ અને ઇસ્‍લામીક દેશોનો સમાવેશ થાય છે. તેમણે વિરોધ પણ કરેલ છે. અમો પાકિસ્‍તાન દેશોના રહીશોને વિનંતી કરવા માંગીએ છીએ કે તેઓ તેમની સરકાર પર દબાણ લાવે અને આવી પ્રવૃત્તિઓ બંધ કરાવે, તેમને મળતી તમામ સહાય તેઓ આતંકવાદને દૂર કરવામાં વાપરે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

આ પ્રસંગે જે વિરોધ પ્રદર્શીત કરવા માટે રેલીનું જે આયોજન કરવામાં આવેલ તેની વધારાની આગેવાની હેમંત પટેલ, જીતેન્‍દ્ર દિગવાનકર, શામકાથ શેઠ, પ્રસાદ યેલમંયી, અમર ઉપાધ્‍યાય, નિતિન ગર્ગ, પરષોત્તમ પંડયા, ચિરાયુ પરીખને સોંપવામાં આવી હતી.

રેલી દરમ્‍યાન હરીશ કોલસણી, ડો. સુનીતા અગ્નિહોત્રી, કિર્તિ રવુરી, ઇફતેકાર શરીફ તેમજ અન્‍ય વ્‍યકિતઓએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ વિરોધી પ્રદર્શનમાં શિકાગોના સીનીયરોના હિતાર્થે કાર્ય કરી રહેલ સંસ્‍થાઓમાં (૧) યુનાઇટેડ સીનીયર પરિવાર, શિકાગો (૨) સીનીયર સીટીઝન ઓફ શિકાગો (૩) ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો તેમજ અન્‍ય સંસ્‍થાના પ્રમુખો તથા સભ્‍યોએ પણ લાભ લીધો હતો. આ વખતે ભારતે એકતાના જે દર્શન કરાવ્‍યા તે બદલ સંચાલકો અભિનંદનના અધીકારી છે.

(6:26 pm IST)