Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી માસની ૨૯મી તારીખને મંગળવારે કોંગ્રેસના સભ્યોને તેમજ રાષ્ટ્રની પ્રજાને સંબોધન કરનાર છે અને તેની જાણ હાઉસના સ્પીકર નેન્સી પલોસીને કરતા તેમણે પ્રમુખશ્રીને પત્ર પાઠવી હાલમાં સરકારી તંત્રના કેટલાક ખાતાઓમાં તાળાબંધી ચાલુ હોવાથી તેને પ્રથમ દુર કરવા વિનંતી કરી છે પરંતુ પ્રમુખશ્રીએ નક્કી કરેલી તારીખને કોંગ્રેસના પ્રતિનિધિઓ તથા રાષ્ટ્રને સંબોધન કરશે એવો નિર્ણય કરેલ હોવાથી આ સમગ્ર પ્રશ્ન હાલમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છેઃ સામાન્ય રીતે હાઉસની અનુમતિ વિના કોંગ્રેસના પ્રતિનિધિઓને પ્રમુખશ્રી સંબોધન ન કરી શકે એવો સામાન્ય શિરસ્તો છે તો પછી અમેરીકાના પ્રમુખ આ શિરસ્તાને અનુસરશે કે પછી બીજો રાહ પકડશે તે તો આવનારો સમય જ કહેશેઃ અમેરીકાના પ્રમુખ હાલના જનમતને ધ્યાનમાં લઇ રાષ્ટ્રીય હિતનું કાર્ય કરે સ્વાભાવિક રીતે ઉચીત ગણાશે

શિકાગોઃ સામાન્ય રીતે અમેરીકાના પ્રમુખ પ્રતિ વર્ષના જાન્યુઆરી માસમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને સંબોધન કરે છે અને તેમાં તેઓ શું કરવા માંગે છે તેનો ચિાર તેઓને આપે છે. અને તેની સાથે સાથે તેઓ અમેરીકન પ્રજાને પણ તેની જાણ કરે છે તેમજ રાષ્ટ્રજોગ આ સમગ્ર બીનાનું રાષ્ટ્રીય ટી.વી.ની ચેનલ દ્વારા પ્રસારણ પણ કરવામાં આવે છે કે જેથી અત્રેની જનતા તેનાથી માહીતગાર રહે. અમેરીકાના પ્રમુખના સત્તાવાળાઓએ હાઉસના સ્પીકર નેન્સી પલોસીને એક પત્ર પાઠવી જાન્યુઆરી માસની ૨૯મી તારીખને મંગળવારે કોંગ્રેસના સભ્યોને સંબોધન કરશે એવું જણાવ્યું હતું પરંતુ હાઉસમાં ડેમોક્રેટીક પાર્ટીના સભ્યો બહુમતમાં હોવાથી તેના નેતા નેન્સી પલોસી કે જેઓ કેલીફોર્નિયામાંથી હાઉસના પ્રતિનિધિ તરીકે ચુંટાયેલા છે તેમણે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક વળતો પત્ર પાઠવી કોંગ્રેસના સભ્યો તેમજ રાષ્ટ્રને સંબોધન કરવા માટે જે યોજના વિચારવામાં આવેલ છે તે હાલ તુરંત મોકુફ રાખવા વિનંતી કરી હતી. તેના કારશણમાં તેઓએ જણાવ્યુ હતું કે હાલમાં સરકારી તંત્રના કેટલાક વિભાગોમાં તાળાબંધી જાહેર કરવામાં આવેલ છે અને તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી આવુ કાર્ય ઉચીત ન ગણાય એવું જણાવ્યું હતું.

અમેરીકાના પ્રમુખને અમેરીકાની દક્ષિણ સરહદે કે જે મેકસીકોની અડીને આવેલ છે ત્યાં આગળ દિવાલ બાંધવા માટે પ.૭ બીલીયન ડોલરની માંગણી કોંગ્રેસ પાસે કરેલ છે. પરંતુ હાઉસમાં ડેમોક્રેટીક પાર્ટીની હકુમત ચાલતી હોવાથી તેના નેતા નેન્સી પલોસીએ આ માંગણી મંજુર કરી ન હતી. આથી ગયા માસની ૨૨મી તારીખથી સરકારી તંત્રના કેટલાંક અગત્યના ખાતાઓમાં તાળાબંધી જાહેર કરવામાં આવી હતી અને આ હેવાલ લખાઇ રહ્યો છે ત્યારે તેનો ૩૧મો દિવસ છે.

હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર પાઠવી જ્યાં સુધી તાળાબંધીનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોંગ્રેસના સભ્યો તથા રાષ્ટ્રને સંબોધન કરવાનું મુલત્વી રાખવા વિનંતી કરી હતી અને તેની સાથે સાથે તેમણે બીજી કોઇ તારીખે રાષ્ટ્રને તથા કોંગ્રેસના સભ્યોને સંબોધન કરવા વિનંતી કરી હતી પરંતુ હવે જાણવા મળે છે તેમ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નક્કી કરેલ તારીખ ૨૯મી જાન્યુઆરીને મંગળવારે જ પોતે પ્રવચન આપશે એવું જણાવી રહ્યા છે. સામાન્ય રીતે પ્રમુખશ્રી કોંગ્રેસના સભ્યો સમક્ષ પ્રવચન આપે છે અને અમેરીકામાં વસવાટ કરતા પ્રજાજનો તેને સાંભળે છે. પરંતુ પ્રમુખશ્રી કયાં આગળ અને કોની સમક્ષ પ્રવચન કરવા છે તેની કોઇપણ પ્રકારની માહિતી પુરી પાડી નથી.

હાઉસના સ્પીકર નેન્સી પલોસી હાઉસમાં એક ઠરાવ પસાર કરી કોંગ્રેસના બન્ને ગૃહોના પ્રતિનિધિઓને સંબોધન કરવા પ્રમુખશ્રીને વિનંતી કરી શકે પરંતુ હાલમાં એક મહિનાથી સરકારી તંત્રમાં શટડાઉન એટલે તાળાબંધી ચાલે છે અને ડેમોક્રેટીક પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ પહેલા તાળાબંધીને દૂર કરી સરકારી તંત્ર કામ કરતુ થાય એવું ઇચ્છી રહ્યા છે.

હાલમાં એક અંદાજ અનુસાર આઠ લાખ કર્મચારીઓ તાળાબંધીનો ભોગ બનેલા છે અને તેમને વેતન મળતું ન હોવાથી કેટલાક કર્મચારીઓ નોકરી છોડીને બીજી નોકરીમાં જોડાઇ ગયેલા છે અને મોટાભાગના કર્મચારીઓ વિના વેતન પોતાની ફરજ બજાવી રહેલ છે.

અમેરીકાના બહુમતી ધરાવતા પ્રજાજનો સરહદ પર દિવાલ હાલમાં ન બંધાય તેમ ઇચ્છી રહ્યા છે તેના બદલે સરકારી તંત્રમાં હાલમાં જે તાળાબંધી છે તેનો ઉકેલ જલ્દી આવે એવું ઇચ્છી રહ્યા છે. બન્ને પક્ષના નેતાઓ પોતાની મમતનો ત્યાગ કરીને રાષ્ટ્રના હીતમાં જરૃરી નિર્ણય કરે એ હાલના સમયની તાતી જરૃરત છે. શું આ શકય બનશે ?

 

(5:58 pm IST)