Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ શરૃ કરેલ ડાકાના પ્રોગ્રામ અંગે વડી અદાલતમાં હાલમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે નહી અને જે કોઇપણ કાર્યવાહી થશે તે બીજી ટર્મ ઓકટોબર ૨૦૧૯ પછી થશે અને તેનો ચુકાદો ૨૦૨૦ના વર્ષમાં આવશે એવી સંભાવનાઃ આ વર્ષ પ્રમુખશ્રીની ચૂંટણીનું વર્ષ હોવાથી ઉમેદવારે પોતાની નીતિ પ્રજા સમક્ષ રજુ કરવી પડશે અને પ્રજા ત્યારબાદ આખરી નિર્ણય કરે તો નવાઇની વાત નથી

 શિકાગોઃ જે નવયુવાન ભાઇ-બહેનો કે જેઓ ગેરકાયદેસર રીતે અત્રે સ્થાયી થયેલા છે અને જેમણે ડાકા પ્રોગ્રામનો લાભ લીધેલો છે. તેઓએ હાલમાં કોઇપણ જાતનો ભય રાખવાની જરૃરત નથી. કારણ કે સુપ્રીમ કોર્ટ આ ટર્મમાં તેમના કેસની સુનાવણી હાથ ધરશે નહીં એવું હાલના સંજોગો અનુસાર લાગી રહ્યું છે. અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ડાકાનો પ્રોગ્રામ ૨૦૧૨ની સાલમાં શરૃ કર્યો હતો અને જે નવયુવાન ભાઇ-બહેનો પોતાના વડીલો સાથે અમેરીકામાં ગેરકાયદેસર રીતે આવ્યા હતા અને અત્રે સ્થાયી થયેલા છે તેઓને આ પ્રોગરામ અન્વે દેશ નિકાલ કરવાની પ્રક્રિયામાંથી મુકિત આપે છે. પરંતુ હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તે પ્રોગ્રામનો અંત લાવવા માંગે છે. અત્રે આનંદદાયક સમાચાર એ છે કે સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશોએ મંગળવારે (આજે) અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રના અધીકારીઓએ ડાકાના પ્રોગ્રામનો અંત લાવવા માટે જે અરજી કરેલ તે અંગે કોઇપણ પ્રકારના પગલા ન ભરવાનો નિર્ણય કરેલ છે અને તેથી સાત લાખ ભાઇ-બહેનો કે જેમણે આ પ્રોગ્રામનો લાભ લીધેલ તેમને દેશ નિકાલની પ્રક્રિયામાંથી હાલમાં રાહત મળેલ છે.

આ અંગે કાયદાના નિષ્ણાંતો એવો મત વ્યકત કરી રહ્યા છે કે ધારો કે સુપ્રીમ કોર્ટના જજો આ કેસ હાલમાં હાથ ધરે તો તેની સુનાવણી આવતી ટર્મ જે ઓકટોબર ૨૦૧૯માં શરૃ થાય છે અને તેનો ચુકાદો ૨૦૨૦ના વર્ષમાં આવવાની શકયતાઓ વર્તાઇ રહેલ છે. આ ડાકાના પ્રોગ્રામનો પ્રશ્ન હાલમાં તાળાબંધી ચાલી રહેલ છે ત્યારે તેમાં પણ ચર્ચાયો હતો અને તે વેળા પ્રમુખે દિવાલ માટે જરૃરી નાણાં મંજુર કરવા રજુઆત કરી હતી, તેના બદલામાં ડાકાના પ્રોગ્રામને ત્રણ વર્ષ વધુની મુદ્દત મંજુર કરવામાં આવશે એવી રજુઆત કરી હતી. પરંતુ હાઉસના ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ તેને માન્ય રાખી ન હતી અને તે પ્રપોઝલનો સાફ ઇન્કાર કર્યો હતો.

અમેરીકાના પ્રમુખે સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશો સમક્ષ એક અરજી કરી તેમાં અરજી ગુજારવામાં આવી હતી કે ડાકાનો જે પ્રોગ્રામ છે તેને રદ્દ કરવાની સત્તા છે કે કેમ? અમારા વાંચક વર્ગને અત્રે એ જણાવી દેવા માંગીએ છીએ કે નીચલી કોર્ટે પોતાના ચુકાદામાં ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ડાકાનો જે પ્રોગ્રામ શરૃ કરેલ તેને ખોટા કારણો સહિત રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને વહીવટી તંત્ર તે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે.

વિશેષમાં તે વખતના એટર્ની જનરલ જેફ એસન્સે એવો મત પ્રદર્શીત કર્યો હતો કે આ કાયદો ગેરકાયદેસરનો છે માટે તેનો બચાવ ન કરવો, પરંતુ કોર્ટે તે માન્ય રાખયુ ન હતું. આ ડાકાનો પ્રોગ્રામ રદ્દ ન થાય તે માટે અનેક ન્યાયાલયોમાં કેસ કરવામાં આવેલ છે અને તેના ચુકાદાની રાહ જોવાઇ રહી છે.

પરંતુ અનેક અદાલતોમાં આ કેસ પડેલા છે એટલે તેનો ચુકાદો શું આવે તે તરફ સૌથી દ્રષ્ટિ મંડાયેલી જોવા મળે છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી નવી ટર્મમાં હાથ ધરાય તો પણ ૨૦૨૦ની સાલમાં તેનો ચુકાદો આવે ત્યાં સુધી ડ્રીમરોને રાહત રહેશે એમાં શંકાને સ્થાન નથી. વધુમાં આ વર્ષે ચુંટણીનું વર્ષ છે એટલે પ્રમુખપદના ઉમેદવારો આ અંગે પોતાની વિચારસરણી જનતા સમક્ષ રજુ કરશે અને તે શી હશે તે તો આવનારો સમય જ કહેશે ત્યાં સુધી થોભો અને રાહ જુઓ.

(5:58 pm IST)