Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

લંડનમાં 40 કરોડના ખર્ચે બનશે જગન્નાથ મંદિર: 2024 સુધી પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે

ઓરિસ્સા સોસાયટી ઓફ યુકેએ એન્યુઅલ ઉત્સવમાં કરી જાહેરાત : પુરી મંદિર જેવી જ હશે ડિઝાઇન

નવી દિલ્હી : લંડનમાં ભગવાન જગન્નાથનું એક મંદિર બની રહ્યું છે. આ મંદિર એકદમ ઓરિસ્સાના જગન્નાથ મંદિર જેવું જ હશે. જગન્નાથ પુરી સનાતન પરંપરાના ચાર ધામમાંથી એક છે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંથી એક ગોવર્ધન મઠ અહીં છે. મંદિર માટે ટ્રસ્ટ બનાવીને દુનિયાભરના જગન્નાથ ભક્તોને જોડવામાં આવી રહ્યા છે.

મંદિરનો ખર્ચો લગભગ 40 મિલિયન પાઉન્ડ (લગભગ 40 કરોડ રૂપિયા) છે, જે દાન દ્વારા એકઠા કરવામાં આવશે. હાલ ગ્રેટર લંડનમાં એના માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે. હાલમાં જ ઓરિસ્સા સોસાયટી ઓફ યુકેએ પોતાના એન્યુઅલ ઉત્સવમાં આ વાતની ઘોષણા કરી છે. મંદિરની ડિઝાઇન પુરી મંદિર જેવી જ હશે.સોસાયટી સભ્યોએ શરૂઆતના ખર્ચ માટે બ્રિટનમાં રહેતા લોકોને જ જોડ્યા છે. સોસાયટીની યોજના છે કે મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટમાં સંપૂર્ણ દુનિયાના ઓડિયા લોકો અને ભગવાન જગન્નાથના ભક્ત સામેલ થાય.

ગ્રેટર લંડનમાં સોસાયટી દ્વારા 10થી 12 એકર જમીન શોધવામાં આવી રહી છે, જેમાં મંદિરનું મૂળ સ્વરૂપ તો હશે જ, સાથે જ ઓડિયા કલ્ચર સાથે જોડાયેલી વસ્તુઓ પણ હશે. આ અંગે સોસાયટીએ પુરી શંકરાચાર્ય જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી પાસેથી પણ માર્ગદર્શન લીધું છે. વિડિયો-કોન્ફરન્સ દ્વારા યુકે સોસાયટીએ શંકરાચાર્ય સાથે ચર્ચા કરી અને મંદિર નિર્માણ અંગે તેમની પણ સલાહ લીધી છે.

સોસાયટીની યોજના છે કે મંદિરનું નિર્માણ જલદી જ શરૂ થાય અને 2024 સુધી એને કોઈપણ પ્રકારે પૂર્ણ કરવામાં આવે. જોકે લંડનમાં પહેલેથી એક જગન્નાથ મંદિર છે, પરંતુ એ નાનું છે અને હવે સોસાયટી ઓરિસ્સાની પરંપરાઓને જેને જગન્નાથ કલ્ચર કહેવામાં આવે છે તેને દુનિયાભરમાં ફેલાવવા માગે છે. એને માત્ર એક મંદિરની જેમ નહીં, ઓરિસ્સા સભ્યતાના કેન્દ્રની જેમ તૈયાર કરવામાં આવશે

(12:43 pm IST)