Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગુજરાત - ન્યુજર્સી વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા

ન્યુજર્સીમાં ગુજરાત સમુદાયોની વિશાળ ઉપસ્થિતી અને ત્યાની ઇકોનોમીમાં પ્રદાનને એમઓયુથી બળ મળશેઃ વિજયભાઇ રૂપાણી : ન્યુજર્સીના ગર્વનર શ્રી ફિલ મર્ફીએ વિજયભાઇને ન્યુજર્સી આવવા આમંત્રણ પાઠવ્યુ

આજે ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ન્યુજર્સીથી ગર્વનર શ્રી ફિલ મર્ફીએ સિસ્ટર સ્ટેટ એગ્રેમેન્ટ કર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા.૨૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ન્યૂજર્સીના ગવર્નર શ્રી ફિલ મર્ફી (Philip. D. Murphy)એ ન્યૂજર્સી – ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગેના એગ્રીમેન્ટ – MoU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.

આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ તહેત ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી, હાયર એજયુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્યૂજર્સીના ગવર્નરશ્રીને આવકારતાં એમ પણ કહ્યું કે ગુજરાતી સમૂદાયો ન્યૂજર્સીમાં દ્યણા લાંબા સમયથી વસેલા છે. એટલું જ નહિ, ત્યાંની આર્થિક ગતિવિધિઓમાં પણ ગુજરાતીઓનું મહત્વપૂર્ણ પ્રદાન છે.

ન્યૂજર્સી – ગુજરાત વચ્ચે...

આ સંદર્ભમાં આ MoU ગુજરાત – ન્યૂજર્સીના લાંબાગાળાથી ચાલતા ઉષ્માપૂર્ણ સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આના પરિણામે ગુજરાતમાં ન્યૂજર્સી તરફથી વધુ રોકાણો આવશે તેવી અપેક્ષા શ્રી વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી હતી.

ન્યૂજર્સીના ગવર્નર શ્રી ફિલ મર્ફીએ મુખ્યમંત્રીશ્રીને ન્યૂજર્સીની મૂલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ગુજરાતી સમૂદાયોના ન્યૂજર્સીના આર્થિક વિકાસમાં યોગદાનની પુષ્ટિ કરી હતી અને તેમના આ પ્રવાસ ડેલીગેશનમાં ગુજરાતી મૂળના વ્યકિતઓ પણ જોડાયા છે તેમ ઉમેર્યુ હતું.

શ્રી ફિલ મર્ફીએ  ગુજરાતમાં ફાયનાન્સિયલ સર્વીસીસના આર્થિક ગતિવિધિના અતિ ઝડપે વિકસી રહેલા ક્ષેત્ર સહિત ફાર્માસ્યુટિકલ્સ, આઇ.ટી., રિયલ એસ્ટેટ અને વેપાર ક્ષેત્રે રોકાણો માટે સહભાગીતા અંગે ઊંડો રસ દાખવ્યો હતો.

તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના સંગીન માળખાને પરિણામે વેપાર – રોકાણોની સરળતાની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ન્યૂજર્સીના ગવર્નરશ્રીએ ન્યૂજર્સી મૂલાકાત માટે આપેલા આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી પોલીસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને રાજય સરકાર દ્વારા રોકાણકારોને અપાતી રાહતોની ભૂમિકા આપી હતી. તેમણે કેન્દ્રીય નાણાંમંત્રીશ્રીએ કોર્પોરેટ ટેક્ષમાં દ્યટાડાની તાજેતરમાં કરેલી ઘોષણા વિશે પણ ન્યૂજર્સીના ગવર્નરને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફટ)ના માધ્યમથી વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્ષ રિલેક્ષેસન અને અન્ય તકો ગુજરાત વિદેશના રોકાણકારોને પૂરી પાડે છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં એડવાન્સ એજયુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચરના સંદર્ભમાં ન્યૂજર્સીની યુનિવર્સિટીઝ સાથે આપસી સંયોજનની જરૂરિયાત દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નવી પેઢીમાં જ્ઞાનકૌશલ્ય વૃધ્ધિ માટે ગુજરાત અને ન્યૂજર્સીની યુનિવર્સિટીઝ ફેકલ્ટી એકસચેન્જ અને સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ શરૂ કરે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું.

આ મૂલાકાત બેઠક દરમ્યાન લોજિસ્ટીકસ, ટ્રાન્સપોર્ટેશન અને પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના વિષયે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ બેઠકમાં હાથ ધરાયેલી વિવિધ વિષયોની ચર્ચા-વિચારણાની પરિણામદાયી ફલશ્રુતિ માટે સતત અને સાતત્યપૂર્ણ ફોલોઅપ માટે કોઇ ચેનલ ઓફ કોમ્યુનિકેશન ઊભી કરવા અંગે પણ બેઉ પક્ષો તરફથી ખાસ ઝોક આપવામાં આવ્યો હતો.

મુખ્ય સચિવ શ્રી ડો. જે. એન. સિંહ, નાણાંના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમરાની આ બેઠકમાં જોડાયા હતા.

(2:54 pm IST)