Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સાવરણી ઘરનો કચરો સાફ કરે છે, હદયમાં દોષરૂપે રહેલ કચરાને સેવા સાફ કરે છે

અમેરિકાના ડલાસમાં ઉજવાયો ૧૧મો ભાવાંજલિ મહોત્સવ

અમેરિકા ખાતે ટેકસાસ રાજયના ડલાસ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિતના સંતો તથા હરિભકતોની હાજરીમાં ભાવાંજલિ મહોત્સવ ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૨૧: ભારતની આઝાદી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહુ પ્રથમ  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી બાળકોને વિદ્યા સાથે સુસંસ્કારી બનાવવાની પ્રવૃતિ શરૂ કરનાર શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએગુરુકુલની સ્થાપ્ના કરી. આજે સંપ્રદાય એમના પગલે ચાલીને ૧૫૦ ઉપરાંત ગુરુકુલો દ્વારા ગુજરાત ઉપરાંત ભારત અને વિદેશમાં એક લાખ ઉપરાંત બાળકો વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરી રહયા છે.

ગુરૂદેવનું પ્રથમ પુજન અમેરિકામાં ગુરુકુલ પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ કેન્દ્રો શરૂ કરવામાં તન,મન ધનથી સેવારત રહેલા શ્રી ધીરૂભાઇ બાબરીયા તથા શ્રી મનુભાઇ પટોળીયાએ ગુરુવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સાથે કરેલ ક્રમશઃ દેશ વિદેશથી પધારેલ સંતોશ્રી લક્ષ્મીનારાયણદાસજી, શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, વગેરે પાંત્રીસ સંતો સાથે શ્રી ચતુરભાઇ વઘાસીયા, શ્રી ગોરધનભાઇ પાઘડાળ, શ્રી ધીરૂભાઇ કોટડીયા, શ્રી રાકેશભાઇ દુધાત આફ્રિકા, શ્રી જસમતભાઇ સુતરીયા, શ્રી અશ્વિનભાઇ બાબરીયા વગેરેએ તેમજ કેનેડા, ભારત, દુબઇ, આફ્રિકા, યુ.કે., ઓસ્ટ્રેલીયા તેમજ અમેરિકાના ડલાસ ઉપરાંત ન્યુજર્સી, શિકાંગો, વોશિંગ્ટન, કેલીફોર્નિયા, બોસ્ટન,, આપ્લાન્સ, ફિનિકસ, પેન્સવિનીયા, હયુસ્ટન વગેરે શહેરોમાંથી મોટા પ્રમાણમાં ભાવિકો પધારેલા. રાજકોટ ગુરુકુલ અને તેની શાખાઓમાં ભણીને અમેરિકા આદિ દેશોમાં વસેલા ભકતોએ ગુરૂપુજનનો લાભ લઇ ધન્યતા અનુભવેલ.

ગુરૂદેવતા ભાવાંજલિ અવસરને વધાવતું નૃતય અમેરિકા ડલાસ ગુરુકુલનાં અહીં જ જન્મેલા બાળકોએ કરી સંતો અને ભકતોના હદયનો રાજીપો મેળવ્યો. બાળકોને નૃત્ય રૂપક આદિ કલા શિખવવા ભારતથી પધારેલ શ્રી વિશ્વસ્વરૂપદાસજીને ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપેલ.

આ પ્રસંગે ડલાસમાં રહીને છેલ્લા ૫૦ દિવસથી પોતાના જોબ છોડીને રાત્રિ-દિવસ સંતોની મરજી મુજબ દાસ બનીને તન,મન,ધનથી સેવા કરેલ એકસો પચ્ચાસ ઉપરાંત યુવાનોને સંતોએ મોમેન્ટો સાથે રૂડા રૂડા આશીર્વાદ પાઠવેલ. તેમજ અહીંના શ્રી ભકિત મહિલા મંડળના પચ્ચાસ ઉપરાંત બહેનોએ મહોત્સવમાં ભાગ લેનારા ૨૫૦૦ ઉપરાંત ભાવિક ભકતોને નિત્ય બે સમય રોટલી, થેપલા બનાવવાની સેવા રાત્રી દિવસ કરલ તેઓને વડિલ મહિલાઓએ બિરદાવેલ અને એમની સેવાને ભગવત ચરણે સમર્પિત કરેલ.

શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સેવારત સ્વયંસેવકોને આશીર્વાદ આપતા કહેલ કે સાવરણી ઘરનો કચરો સાફ કરે છે જયારે સેવા હદયમાં પડેલ દોષરૂપ કચરાને સાફ કરે છે. દાસ ભાવે સેવા કરનારની સેવાને ભગવાન અંગીકાર કરે જ છે. શાસ્ત્રીજી મહારાજ એમની યુવાની અવસ્થામાં એ સમયે છાણા થાપવા, પાણી સીંચી સંતોને નવરાવતા, રોજ ૩૦ કિલો લોટની રોટલી વણી સંતોને-હરિભકતોને જમાડતા. કથા પારાયણ કરતા તથા બપોર વચ્ચે વિરામના સમયે ભગવાનના મંદિરમાં પડદા પાછળ બેસી ૧૮ દિવસમાં ગીતાજીના ૧૮ અધ્યાય ૭૦૦ શ્લોક કંઠસ્થ કરેલા. ૮૦૦ કિર્તનો કંઠસ્થ હતા. અહીં બાળકો, યુવાનોને વડિલોએ સમય અને શરીરની પરવા કર્યા વિના સેવા કરી તે જોઇ અમે ખુબ-ખુબ રાજી થયા છીએ. ભગવાન તમોને શરીરે ને ધંધા-જોબમાં વિશેષ પ્રગતિવાન બનાવે તેવી પ્રાર્થના છે.

અહીં સેવારત સંતોને નીલકંઠ ધામ- પોઇચાથી મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનની પ્રસાદીની તુલસીની કંઠી મોકલેલ તે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પહેરાવી રાજીપો વ્યકત કરેલ. તેમ શ્રી પ્રભુ સ્વામી જણાવે છે.

(3:54 pm IST)