Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યુ.એસ.માં IGFF ના ઉપક્રમે એડિસન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલો મીટ એન્ડ ગ્રીટ ડીનર ગાલા પ્રોગ્રામઃ ગુજરાતી અભિનેતા મલ્હાર તથા અભિનેત્રી મોનલ ગજજર, ઉપરાંત દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ કોમ્યુનીટી અગ્રણીઓ સહિત ૧પ૦ ઉપરાંત આમંત્રિતોએ હાજરી આપી

(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજર્સીઃ યુ.એસ. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ (IGFF) ઉપક્રમે ૧૪ જૂન ર૦૧૯ શુક્રવારના રોજ ટી.વી. એશિયા ઓડીટોરીયમ એડિસન ન્યુજર્સી મુકામે મીટ એન્ડ ગ્રીટ ગાલા બેન્કવેટ પ્રોગ્રામ યોજાઇ ગયો હતો.  જેમાં ૧પ૦ ઉપરાંત આમંત્રિતોએ હાજરી આપી હતી.

આ અગાઉ ઓગસ્ટ-ર૦૧૮ માં ન્યુજર્સીમાં પ્રથમવાર યોજાયેલ IGFF ના ઉપક્રમે યોજાઇ ગયેલ ફિલ્મ ફેસ્ટીવલને  મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાને લઇ આ વર્ષે લોસ એન્જલસ કેલિફોર્નિયામાં ૭ થી ૯ જૂન તથા એડિસન ન્યુજર્સીમાં ૧પ થી ૧૬ જૂન ર૦૧૯ દરમિયાન ફેસ્ટીવલનું આયોજન કરાયું હતુ.

 ૧૪ જૂન ર૦૧૯ ના રોજ યોજાયેલા મીટ એન્ડ ગ્રીટ ડીનર ગાલા બેન્કવેટ પ્રોગ્રામમાં ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર યુવા કલાકારો મલ્હાર ઠાકર તથા મોનલ ગજજર ઉપરાંત દિગ્દર્શકો, નિર્માતાઓ, સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામની શરૂઆતમાં ઓમકારા તથા OHM  ચેરીટીજીના ડો. તુષાર પટેલએ સહુનુ સ્વાગત કરી IGFF ની કામગીરી તથા હેતુઓની જાણકારી આપી હતી. તથા શ્રી પિનાકીન પાઠકના નેતૃત્વ હેઠળ ગુજરાતી ભાષા, આર્ટ તથા મ્યુઝીકને પ્રોત્સાહિત કરવા લેવાઇ રહેલ જહેમત વિશે જાણકારી આપી હતી.

આ તકે TV Asia ચેરમેન તથા CEO  પદ્મશ્રી એચ.આર. શાહએ ગુજરાતી ફિલ્મમોના ઇતિહાસ વિશે જાણકારી આપી કવોલીટી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા ભલામણ કરી હતી. ૧૩ ફિચર ફિલ્મની ઝલક દર્શાવાઇ હતી. શ્રી કુનાલ વઢવાણીએ ગુજરાતી ફિલ્મોની યુ.એસ.ના માર્કેટ ઉપર અસર દર્શાવતુ ઉદબોધન કર્યુ હતુ. શ્રી ચેતન ચૌહાણએ ઉપસ્થિત અભિનેતા મલ્હાર તથા અભિનેત્રી મોનલ સહિતનાએાનો પરિચય આપ્યો હતો.  તથા પ્રશ્નોતરી સેશનનું સંચાલન કર્યુ હતુ.

મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામમાં પદ્મશ્રી ડો. સુધીર પરીખ, શ્રી પિયુષ પટેલ, શ્રી સૃજલ પરીખ, શ્રી કનુભાઇ ચૌહાણ, શ્રી રાવિન મહેતા, શ્રી આશિષ દેસાઇ શ્રી કૌશિક વ્યાસ, શ્રી સુધીર વૈષ્નવ, શ્રી કૌશિક અમીન, શ્રી વિજય ઠકકર શ્રી સુભાષ શાહ, શ્રી પ્રદીપ કોઠારી, શ્રી ધીરજ પારેખ, શ્રી બાબુભાઇ પટેલ, શ્રી પોપટ પટેલ, શ્રી કિરીટ ઉદેશી તથા શ્રી બીજલ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાતી ડિનર રાજભોગના શ્રી અરવિંદ પટેલ દ્વારા તથા ચાપાણી શ્રી દિલીપ ભટ્ટ દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા.  મીટ એન્ડ ગ્રીટ ડીનર ગાલા બેન્કવેટ TV Asia, OHM Kara, તથા OHM  ચેરીટીઝ સમર્પિત હતા. તેવું શ્રી તુષાર પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:46 pm IST)