Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમેરિકામાં H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલો વિવાદ : વિઝા નિયમોમાં ફેરફાર કરવા માટેનો પ્રસ્તાવ વ્હાઇટ હાઉસ સમક્ષ રજૂ : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી કમલા હેરિસ તથા સિલિકોન વેલીની અનેક કંપનીઓનો વિરોધ : જો પ્રસ્તાવ મંજુર થાય તો ભારતીય મૂળની 90 હજાર જેટલી મહિલાઓ બેરોજગાર બની શકે

વોશિંગટન : H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલા વિવાદ અંતર્ગત યુ.એસ.વ્હાઇટ હાઉસ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો છે.જો આ પ્રસ્તાવ મંજુર થશે તો ભારતીય મૂળના લોકોને સહુથી વધુ અસર થશે.જોકે વ્હાઇટ હાઉસ પ્રસ્તાવની સમીક્ષા કરીને અંતિમ નિર્ણય લેશે.  ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી તેને ફેડરલ કોર્ટમાં રજૂ કરશે, જ્યાં વિઝા વિવાદને લઇને મામલો વિચારણા હેઠળ છે. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં અમુક અઠવાડિયાથી લઇને કેટલાંક મહિના સુધીનો સમય લાગી શકે છે. આ પ્રસ્તાવ  ત્યાં સુધી લાગુ થયેલા નહીં ગણાય જ્યાં સુધી સમીક્ષા અને ટિપ્પણીની પ્રક્રિયા પૂર્ણ ના થઇ જાય. વ્હાઇટ હાઉસની મંજૂરી બાદ નવા નિયમોને ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવશે. અમેરિકાના હાલના કાયદા અનુસાર, નવા નિયમોને લઇને 30 દિવસ સુધી લોકો પોતાનો વિરોધ  નોંધાવી શકે છે. 30 દિવસ બાદ જ નવા નિયમોને પ્રભાવી ગણવામાં આવશે.

કમલા હેરિસ સહિત અમેરિકાના કેટલાંક સાંસદ અને સિલિકોન વેલીની અનેક કંપનીઓ વિઝા નિયમોમાં બદલાવનો વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, આ પ્રસ્તાવ મહિલા વિરોધી છે ઉપરાંત અમેરિકાને પણ આનાથી નુકસાન થશે. ઘણી પ્રભાવશાળી મહિલાઓ અહીં કામ કરવાથી વંચિત થઇ જશે. ઉલ્લેખનીય છે કે નવો પ્રસ્તાવ ભારતીય મૂળની 90 હજાર જેટલી મહિલાઓ માટે વિપરીત અસર કરનારો બની શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)