Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ભારતમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢતા અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટ સેનેટ મેમ્બર્સ : મુસ્લિમ સેનેટર શ્રી શેખ રહેમાને સેનેટ સભાગૃહમાં આતંકવાદી હુમલાને વખોડી કાઢતું નિવેદન કર્યું : તમામ સેનેટર્સએ એક મિનિટનું મૌન પાળી ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપી : FIA પ્રેસિડન્ટ શ્રી વાસુદેવ પટેલ તથા એક્ઝિક્યુટિવ ટીમએ પણ હાજરી આપી

જ્યોર્જિયા : ભારતના કાશ્મીરમાં આવેલા પુલવામામાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢવા  અમેરિકાના જ્યોર્જિયા સેનેટ સભાગ્રહમાં સેનેટર્સ ભેગા થયા હતા.જે અંતર્ગત સ્ટેટ સેનેટર શ્રી શેખ રહેમાને હુમલાને વખોડી કાઢતું નિવેદન કર્યું હતું તથા આવા આતંકી કૃત્યને વખોડી કાઢવા માટે તેઓને તમામ સેનેટર્સએ ટેકો આપ્યો  હતો તથા  પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈસ મહમ્મદના આતંકીઓએ ગયા સપ્તાહમાં પુલવામામાં કરેલા હુમલાથી શાહિદ થયેલા  ભારતના  CRPF જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સહુએ  એક મિનિટનું મૌન પાળ્યું હતું

સેનેટર શ્રી શેખ રેહમાન સવારે  વૉશિન્ગટન ડીસીથી પરત આવ્યા હતા તથા આતંકી હુમલાનો ભોગ બનેલા ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સભામાં જોડાઈને આતંકવાદનો સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો .તેમણે આતંકી હુમલાને વખોડી કાઢવા સેનેટ સભાગૃહમાં હાજરી આપવાનું વચન આપ્યું હતું , શ્રી શેખ બાંગ્લાદેશના ઇમિગ્રન્ટ છે.તથા જ્યોર્જિયા એસેમ્બલીમાં ચૂંટાઈ આવનાર સૌપ્રથમ મુસ્લિમ છે.

ઉપરોક્ત તકે FIA પ્રેસિડન્ટ શ્રી વાસુદેવ પટેલ ,એક્ઝિક્યુટિવ ટિમ મેમ્બર્સ શ્રી સંજય પ્રકાશ ,શ્રી અમિત શાહ ,તથા શ્રી અમિતકુમાર તિવારી પણ હાજર રહ્યા હતા.જેઓના નામ સેનેટ સભાગ્રહમાં હાજરી આપવા આવેલા મહાનુભાવો તરીકે  બોલાયા હતા. તેઓને  સહુએ ઉભા થઇ આવકાર્યા હતા.બાદમાં તેઓ ગવર્નર બ્રાયન કેમ્પને પણ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે એટલાન્ટાના ગ્લોબલ મોલ  ખાતે FIA ના નેજા હેઠળ  ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા 500 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ભેગા થયા હતા.તથા શ્રદ્ધાંજલિ આપી હતી.તેમજ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું તેવું FIA ની યાદી જણાવે છે.

(12:39 pm IST)