Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલ પાકિસ્તાન તેમજ ચીનની કોન્સ્યુલેટ સામે ઇન્ડીયન અમેરીકન કોમ્યુનીટીના નેતાઓ ૨૧મી ફેબ્રુઆરીને ગુરૂવારે બપોરે ૧૧.૩૦ વાગે શાંતિભર્યા માર્ગે વિરોધ પ્રદર્શીત કરશેઃ બન્ને કોન્સ્યુલેટના કોનસ્યુલ જનરલને પુલવામામાં થયેલ આતંકવાદી હૂમલા અંગે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપશેઃ અમેરીકામાં વસવાટ કરતા સમગ્ર ભારતીય પરિવારના સભ્યોમાં અજંપા ભરેલી પરિસ્થિતિઃ તમામ ભારતીય પરિવારના સભ્યો એક જ અવાજ ઉચ્ચારી રહ્યા છે કે પાકિસ્તાન સામે કડક હાથે કાર્યવાહી કરવાનો સમય આવી લાગેલ છેઃ નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ

 શિકાગો : ફેબ્રુઆરી માસની ૧૪મી તારીખને ગુરૂવારે કાશ્મીરના એક ભાગ પુલવામામાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સના વાહનો પર પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદી હૂમલો થતા તેમાં ૪૪ જેટલા સીઆરપીએફના લશ્કરના માણસો તેનો ભોગ બનતા સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા ભારતીય સમાજના રહીશો તથા તેમના પ્રત્યે સહાનુભુતિ ધરાવતા લોકોમાં ભારે તીવ્ર અસંતોષની લાગણી પ્રસરી જવા પામી હતી. અને વિરોધ કરવા માટે શિકાગોમાં ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલ પાકિસ્તાનની કોન્સ્યુલેટ ઓફિસ સામે શાંતિભર્યા દેખાવો યોજવામાં આવનાર છે અને તેની સાથે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ અંગેની માહિતી આપતા ભારતીય સમાજના અગ્રણી ડો. ભરત બારાઇ તથા નિરવ પટેલ તેમજ જીતેન્દ્ર દિગવાન્કરે અમોને જણાવ્યું છે કે ચાલુ ફેબ્રુઆરી માસની ૧૪મી તારીખને ગુરૂવારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ભારતના સીઆરપીએફના લશ્કરના માણસો પર અચાનક રીતે હૂમલો કરી ૪૪ જેટલા લશ્કરના માણસોને મોતને ઘાટ ઉતાર્યા હોવાથી વિદેશોમાં વસવાટ કરતા ભારતીય સમાજના રહીશોમાં તીવ્ર અસંતોષ અને આઘાતની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે.

પાકિસ્તાન દેશની આવી નાપાક પ્રવૃત્તિઓ સામે વિરોધ પ્રદર્શીત કરવા માટે ફેબ્રુઆરી માસની ૨૧મી તારીખને ગુરૂવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલી પાકિસ્તાનની કોન્સ્યુલેટ ઓફિસ સામે શાંતિભર્યા માર્ગે દેખાવો યોજવામાં આવનાર છે અને ત્યારબાદ ભારતીય સમાજના પ્રતિનિધિઓનું એક મંડળ પાકિસ્તાનના કોન્સ્યુલ જનરલને પણ રૂબરૂ મુલાકાત કરશે અને તેમને એક આવેદનપત્ર પણ આપવામાં આવશે.

ત્યારબાદ ભારતીય સમાજના તમામ લોકો શાંતિકૂચ કરીને ચીનની કોન્સ્યુલેટ ઓફિસે જશે અને ત્યાં આગળ દેખાવો યોજી ચીનના કોન્સ્યુલેટ જનરલને આવેદનપત્ર પાઠવી તેનો વિરોધ નોંધાવશે. યુનોની બેઠકમાં જ્યારે આતંકવાદ અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે અને તેમાં પાકિસ્તાન દેશનો સમાવેશ થતો હોય તો તેવા પ્રસંગે આતં કવાદને નેસ્તનાબુદ કરવા માટે જરૂરી સહયોગ આપવાના બદલે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને સીધી રીતે પાકિસ્તાનને મદદ કરતુ હોવાથી તેનો પણ વિરોધ કરવામાં આવશે. અને તેમને પણ આવેદનપત્ર આપવામાં આવશે.

શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને તેની માહિતી જીતેન્દ્ર દિગાવાનકર ૨૨૪-૫૯૫-૫૦૦૫ અથવા નિરવ પટેલ ૬૩૦-૭૦૯-૯૯૦૨ પાસેથી મળી રહેશે.

શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં જે શાંતિભર્યા દેખાવો યોજાનાર છે તેમાં ભારતીય સમાજના આગેવાનો ડો. ભરત બારાઇ, જીતેન્દ્ર દિગવાનકર, સિદ્ધેશ એવડે, ડો. શામ શેઠ, ડો. વિજય પ્રભાકર, અમીતાભ મિત્તલ, નિરવ પટેલ, હેમંત પટેલ, હરિશ કોલશાની, સુનીલ શાહ, શૈલેષ રાજપૂત, ક્રિષ્ણા બંસલ, હરેન્દ્ર માંગરોલીયા, ઇફતેકાર શરીફ, અનીતા અગ્નિહોત્રી તેમજ અન્ય બીજાઓ મોટી સંખ્યામાં હાજરી આપશે.

આ અંગે ઇટાસ્કા નજીકના ગાયત્રી મંદિરમાં ભારતીય સમાજના આગેવાનોની એક મીટીંગનું આયોજન બુધવારના રોજ રાત્રે આઠ વાગે કરવામાં આવેલ છે તો રસ ધરાવતા તમામ લોકોને હાજર રહેવા વિનંતી છે.

(5:37 pm IST)