Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા બર્થડે, યોગ તથા મનોરંજન કાર્યક્રમની ઉજવણી કરાઈ : ઝૂમ વિડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી મળેલી મિટિંગમાં અંદાજે ૧૫૦ સભ્યોએ ભાગ લીધો

શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો ની જનરલ મીટીંગ ડિસેમ્બર 12,2020 ને શનિવારના રોજ સવારે ૧૧:30થી બપોરે 1:30 દરમિયાન જુમ વિડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી મળી હતી. જેમાં અંદાજે ૧૫૦ સભ્યોએ ભાગ લીધો હતો. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી હીરાભાઈ પટેલે સફળતાપૂર્વક કર્યું હતું. પ્રારંભમાં પ્રેસિડેન્ટ ડોક્ટર નરસિંહભાઈ પટેલ તથા કો-ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈ પટેલે મીટીંગ સંચાલન સંબંધી જરૂરી સૂચનો અને મીટીંગ ની રૂપરેખા આપી હતી.

શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ સર્વ ધર્મ પ્રાર્થના અને શ્રી ભુપેન્દ્રભાઈ સુથાર અને શ્રીમતી ગીતાબેન સુથારે શ્રી હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. શ્રી દિલીપભાઈ પટેલે નાના બાળકોના કૌશલ્ય દર્શાવતો વિડીયો પ્રસ્તુત કર્યો હતો. શ્રી અશ્વિનભાઈ શેઠે ગીતા જયંતીના પર્વને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. ૨૫મી ડિસેમ્બરના રોજ ગીતા જયંતી છે તે દર્શાવતાં તેઓએ જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગવાયેલ ગીતા જીવનના મૂલ્યોનો ગ્રંથ છે. ગીતા, એ ભગવાન હર હંમેશ મારી સાથે છે તેવી ભાવના પેદા કરે છે, સમાજના તમામ વર્ગો માટે ઉદ્દાત પ્રેરણા આપે છે, સંસ્કૃતિ રાષ્ટ્રધર્મ અને ઈશ્વર સાથે જોડાઇ રહેવા નું જ્ઞાન આપે છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ પણ તારો અધિકાર છે ફળ પર નહીં, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આજની વિવિધ સમસ્યાઓનો ઉકેલ ગીતામાં અવશ્ય મળી રહે છે .

શ્રીમતી ભાનુમતીબેન મહેતાએ હઠ યોગ નો અર્થ સમજાવ્યો. ‘હ’ એટલે સૂર્ય, ગરમી આપે છે. ‘ઠ’ એટલે ચંદ્ર, જે શીતળતા આપે છે. આમ શરીરમાં જરૂરી ગરમી અને શીતળતા પ્રાપ્ત કરવા યોગ જરૂરી છે .જ્યારે શરીરમાં બેચેની લાગતી હોય, ડિપ્રેશન લાગતું હોય, તેવા સંજોગોમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી શરીરમાં શક્તિ પ્રસરે છે. ખાસ કરીને સિનિયર ભાઈ-બહેનોને શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા, લોહીના પરિભ્રમણ માટે અને શરીરની સ્વસ્થતા માટે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, બ્રાહ્મણી ત્રાટક, સ્ટ્રેચિંગ વગેરે યોગના આસનોનું નિદર્શન કર્યું હતું અને સિનિયર ભાઈ-બહેનોને નિયમિત યોગ કરવા અપીલ કરી હતી.

શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે ડિસેમ્બર મહિનામાં જે સભ્યોનો જન્મદિવસ આવેછે તેઓના નામ જાહેર કર્યા હતા. શ્રી અરવિંદભાઇ કોટકે જન્મદિવસ શુભેચ્છા માટે હેપ્પી બર્થ ડે ટુ યુ સિનિયર્સ ગાયું હતું અને રમુજી ટુચકાઓ કહી સભ્યોનું મનોરંજન કર્યું હતું.

શ્રી શીવાભાઇ પટેલે ‘જાણવા જેવું’ શ્રેણી હેઠળ કુદરતની અનેક કરામતોનું વર્ણન કર્યું હતું. તેઓશ્રીએ શરીરના હાડકાની મજબૂતાઈ માટે સિનિયર ભાઈ-બહેનોએ શું સાવચેતી રાખવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન ડી, પૌષ્ટિક આહાર, પૂરતી ઉંઘ લેવાથી શરીરના હાડકા માં મજબૂતાઈ આવે છે. તેઓએ જણાવ્યું કે બ્લડપ્રેશર અને સુગર નિયમિત માપવા જોઈએ અને દાદર ચઢતાં કે ઉતરતાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ.

શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે ડિસેમ્બર મહિનામાં જે સભ્યોનો જન્મદિવસ આવેછે તેઓના નામ જાહેર કર્યા હતા. શ્રી અરવિંદભાઇ કોટકે જન્મદિવસ શુભેચ્છા માટે હેપ્પી બર્થ ડે ટુ યુ સિનિયર્સ ગાયું હતું અને રમુજી ટુચકાઓ કહી સભ્યોનું મનોરંજન કર્યું હતું.

ત્યારબાદ શ્રી દિલીપભાઈ એ જુદા જુદા પ્રાણીઓ વચ્ચે મિત્રતા દર્શાવતો વિડિયો બતાવ્યો હતો  જે ખૂબ જ રોમાંચક હતો.

સિનિયર ભાઈ-બહેનો દ્વારા મનોરંજન કાર્યક્રમ શરૂ કરવા કારોબારી સભ્યશ્રી નરેશભાઈ દેખતાવાળાએ કલાકારોને આમંત્રિત કર્યા હતા. શ્રી હીરાભાઇ પટેલે ‘જરા સામને તો આવો’,  શ્રી રણજીતભાઇ ભરૂચાએ ‘આંસુ ભરી હે જિંદગી કી રાહે’, શ્રી શાંતિલાલ ટોપીવાળાએ ‘તારોમે સજકે અપને સુરજસે દેખો ધરતી ચલી મિલને’, શ્રી અરવિંદભાઇ કોટક ‘મેરા નામ રાજુ’,    શ્રીમતી ભદ્રાબેન શાહે ‘તુમહી મેરી મંજિલ’ શ્રી નરેશભાઈ અને શ્રીમતી રોહીણીબેન દેખતાવાળાએ ‘મિલતે હી આંખે મિલ ગયા દીવાના કિસી કા’, શ્રી અનિલભાઈ દેસાઈએ ‘આયેના બાલમ ક્યા કરું સજની’ જેવા વિવિધ હિન્દી ફિલ્મ ના ગીતો ગાયા હતા.  

શ્રી સી.વી. દેસાઈએ સભ્યોને કોરોના વાયરસ માટે અમેરિકામાં ફાઈઝર કંપનીની વેક્સિન ને મંજૂરી મળી ગઈ છે અને વેક્સિન આપવાની શરૂઆત થોડાક સમયમાં થઈ જશે. શરૂઆતમાં હેલ્થ કેર વર્કર્સ, નર્સિંગ હોમ રહેતા સિનિયર્સ એવા ક્રમમાં વેક્સિન આપવામાં આવશે. તેઓએ ડિસેમ્બર 13 ના રોજ 10:00 કલાકે ધૂમ પર પ્રસારિત થનાર ગીત સંગીત કાર્યક્રમનો લાભ લેવા સભ્યોને વિનંતી કરી હતી.

શ્રી અરવિંદભાઈ  પટેલે શિયાળામાં જુદા જુદા પ્લાન્ટ ની જાળવણી કેવી રીતે કરી શકાય તે અંગે જરૂરી માહિતી આપી હતી.

પ્રેસિડેન્ટ નરસિંહભાઈ પટેલે માનવ સેવા મંદિરના પૂર્વ પ્રેસિડેન્ટ અને વર્તમાન ટ્રસ્ટી શ્રી નટુભાઈ  પટેલ ના અવસાન જાણ કરી સદગતના આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે સભ્યોને બે મિનિટ મૌન પાડવા જણાવ્યું હતું.  

શ્રી નરેશભાઈ દેખતાવાલાએ મનોરંજન કાર્યક્રમમા ભાગ લેનાર સર્વે સભ્યોને હાર્દિક આભાર માન્યો હતો. અંતમાં શ્રી નરસિંહભાઈ પટેલે સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને પ્રોગ્રામ અંગે સૂચનો કરવા અપીલ કરી હતી અને સર્વેની સેફ રહેવા, ઘરમાં રહેવા, કોરોના સમયમાં ધ્યાન રાખવાનું  કહી આજની મીટીંગ ની પૂર્ણાહુતિ કરી હતી.

ફોટો અને માહિતી : જયંતી ઓઝા (શિકાગો, અકિલા પ્રતિનિધિ)

(2:07 pm IST)