Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કડવા પાટીદાર સમાજ શિકાગોના સભ્‍યોએ સમર પિકનીકનું કરેલું આયોજનઃ સમાજના ૮૦૦ જેટલા સભ્‍યોએ આપેલી હાજરીઃ નાની વયના કિશોરો તથા કિશોરીઓ તેમજ સીનીયરોએ આનંદ માણ્‍યો

 (કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ શિકાગોઃ શિકાગો નજીક  બસી ફોરેસ્‍ટ સાઉથ વેસ્‍ટ ડીવીઝનમા આવેલ ગ્રોવ નંબર  પાઁચના  સ્‍થળે કડવા પાટીદાર સમાજ ઓફ શિકાગોના સંચાલકોએ  તાજેતરમાં  એક સમર પીકનીકનું આયોજન કર્યુ હતુ. તેમાં સમાજના ૮૦ં૦ જેટલા કિશોર અને કિશોરીઓ તેમજ નવયુવાનો અને યુવતિઓ તેમજ સીનીયર ભાઇ બહેનોએ  હાજરી આપી હતી.

સમર પિકનીકની  શરૂઆતમાં સંસ્‍થાના પ્રમુખ મનોજ પટેલે સૌ સભ્‍યોને  આવકાર આપ્‍યો હતો અને સમર પિકનીકમાં આવવા તેમજ  ભાગ લેવા બદલ સૌની અભિનંદન આપ્‍યા હતા.  તેમણે સંસ્‍થા દ્વારા સભ્‍યોના હિતાર્થે જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં  આવેલ છે તેની આછેરી રૂપરેખા આપી હતી તેમણે સપ્‍ટેમ્‍બર માસની ૩૦ મી  તારીખે જે હેલ્‍થકેરનું આયોજન કરવામાં આવનાર છે તેની વિસ્‍તૃત માહિતી સૌ સભ્‍યોને આપી હતી. તથા આવતા ઓકટોબર માસ દરમ્‍યાન નવરાત્રી મહોત્‍સવની જે ઉજવણી  થનાર છે તેમાં સૌ સભ્‍યોને  ભાગ લેવા માટે વિનંતી કરી હતી.

તેમણે વધારામાં જણાવ્‍યું હતુ કે, નવેમ્‍બર માસમાં જે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવનાર છે તેમાં પણ તેમણે સૌ સભ્‍યોને ભાગ લેવા માટે આહવાન આપ્‍યું હતુ.

સંસ્‍થાના સેક્રેટરી વિજયભાઇ પટેલે  ર૦૧૭ ના વર્ષનો સંસ્‍થાનો રીપોર્ટ સભ્‍યો સમક્ષ રજુ કર્યો હતો. તેમજ ખજાનચી સતીષભાઇ પટેલે સંપૂર્ણ હિસાબ રજુ કર્યો હતો.

કડવા પાટીદાર સમાજ ઓફ શિકાગોના ટ્રસ્‍ટી જતીન પટેલે સાથી સભ્‍યો સાથે રમત ગમતની શરૂઆત કરી હતી જેમાં સૌ સભ્‍યો જોડાયા હતા. અને  સમયાંતરે  સભ્‍યો ત્‍યાં રાખવામાં આવેલ નાસ્‍તાને ન્‍યાય આપતા હતા.

સાંજના પાંચ વાગે ભારતીય જમણને ન્‍યાય આપી સૌ વિખુટા પડયા હતા. કારણ કે મોટા પ્રમાણમાં છુટો છવાયો વરસાદ પડતો હતો પરંતુ  સભ્‍યોએ કુનેહથી તેને સાચવી લીધો હતો.

(11:20 pm IST)