Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નોર્થ અમેરિકામાં કોરોના સંકટમાં પ્રતિસ્પર્ધા ભૂલી ભારત પાકિસ્તાની વ્યવસાયિકોની ' ફ્રી ફૂડ ડ્રાઇવ ' ની પહેલ : આર્ટેસીયા મેયરે મુક્ત મને કરી પ્રસંશા: કોરોના સંકટમાં જ્ઞાતિ -જાતિ ,ધર્મ ,અને સંપ્રદાયથી ઉપર ઉઠી માનવ ધર્મને અનુસરવાનો સમય છે : યજ્ઞેશ પટેલ

નોર્થ અમેરિકા : ગુજરાતીઓની મિતભાષિતા અને સબંધ કૌશલ્યતા દુનિયામાં અજોડ છે.ભારતીયતાના મુગટ શિરોમણી ગણાતાં ગુજરાતીઓ  આજે વિશ્વના 180 થી વધુ દેશોમાં ભારતીય સંસ્કારની સુવાસ ફેલાવી રહ્યા છે.જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ઉક્તિ સાર્થક કરતી ઘટના અમેરિકામાં બની છે.ગુજરાતી વ્યવસાયિકોની સેવાભાવનાથી પ્રેરિત અમેરિકી પાકિસ્તાનીઓ પણ ભારતીય વ્યાવસાયિકો તથા સેવાભાવી સંસ્થા સાથે સેવા કાર્યમાં જોડાયા છે.તેવી ઈતિહાસિક ઘટનાનું સાક્ષી નોર્થ અમેરિકા બન્યું છે.
કોરોનાથી અસરગ્રસ્ત નોર્થ અમેરિકામાં લોકડાઉન સમયથી સતત સેવાઓ અને માનવતાના કાર્યમાં જોતરાયેલા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન શ્રી યજ્ઞેશ પટેલ ( યોગીભાઈ ) ,જયભારત ફૂડ્સના શ્રી ભરત પટેલ ,અને પાયોનિયર રિયાલિટી ગ્રુપના શ્રી પરિમલ શાહએ ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના માધ્યમથી જરૂરિયાતમંદોને ભોજન અને અનાજ સહાયનો યજ્ઞ શરૂ કર્યો હતો.હાલ સુધી એક લાખ પેકેટ જરૂરિયાતમંદ નાગરિકોને પહોંચાડ્યા છે.
જોકે મહત્વની બાબત એ છે કે ગુજરાતીઓની આ સેવા ભાવનાએ ત્યાંના પાકિસ્તાની વ્યાવસાયિકો અને રાજકારણીઓને આ મહાન કાર્ય માટે પ્રેરિત કર્યા છે.એશિયા ખંડના બે પ્રતિસ્પર્ધી દેશની પ્રજાએ અમેરિકી દેશમાં માનવ સેવા અને સદભાવના માટે એકરૂપ થઇ પુણ્યસરિતા વહેવડાવી હતી.આ અંગે મૂળ પાકિસ્તાની નાગરિક અને આર્ટેસીયા સિટીના મેયર અલી સાજીદ તાજે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન શ્રી યોગી પટેલ અને ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના સંચાલકોની કોરોના મહામારી દરમિયાન કરવામાં આવતા સેવાકાર્યની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.આ મહાન સેવાકાર્યમાં જોડાયેલ ભારતીય અને પાકિસ્તાની મૂળના નાગરિકોની એકતા અંગે ખુશી વ્યક્ત કરી હતી.આ કારણે અમેરિકામાં નાગરિક ધર્મ વધુ જાગૃત બન્યો હોવાનું જણાઈ રહ્યું છે.
આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન શ્રી યજ્ઞેશ પટેલ ( યોગીભાઈ ) એ જણાવ્યું હતું કે આ કોરોના કાળમાં જ્ઞાતિ -જાતિ ,ધર્મ ,અને સંપ્રદાયથી ઉપર ઉઠીને માનવ ધર્મ અનુસરવાનો સમય છે.અમે ઓલ્ડ એજ હોમ ,સ્કૂલો અને કોલેજો સહીત ઘણી જગ્યાએ જોય ઓફ શેરિંગ એક્ટિવિટી અન્વયે ફૂડ ડ્રાઇવ યોજી છે.આર્ટેસીયા સિટીમાં પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી હોદેદારો સાથે ફરી ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઇવ એક ઐતિહાસિક અને યાદગાર દિવસ બની રહ્યો હતો.
આ પ્રસંગે ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના પ્રમુખ શ્રી પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમને ખુશી છે કે કોરોના લોકલડાઉન દરમિયાન લેબોન હોસ્પિલીટી ગ્રુપ ,ભારત ફુડ્સ ,તથા ઈન્ડો એશિયન કલચરલ સોસાયટી  દ્વારા શરૂ કરવામાં આવેલ જોય ઓફ શેરિંગ અન્વયે ફૂડ ડ્રાઇવ માં મેયર અલી તાજ અને પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સભ્યોએ સક્રિય ભાગ લીધો.માનવતાના આ મહાન કાર્યમાં પાકિસ્તાન અને ભારતીય વ્યાવસાયિકો ભેગા મળી અમેરિકાના ભૂખ સંકટમાં નાગરિકોને ભોજન અને ગ્રોસરી આપી નાગરિક ધર્મ અદા કરી રહ્યા છીએ.હજુ આગળ પણ સમયની માંગ મુજબ અમે સહુ સેવા ચાલુ રાખીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન શ્રી યજ્ઞેશ પટેલ મૂળ ખેડાના વસો તાલુકાના ખાંધણી ગામના વતની છે.જે સુરત થઇ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે.જયભારત ફૂડ્સના શ્રી ભરતભાઈ પટેલ નવસારી જિલ્લાના છે.તથા ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના ચેરમેન શ્રી પરિમલભાઈ શાહ વડોદરા જિલ્લાના વતની છે.

(7:55 pm IST)