Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અમેરિકામાં ન્‍યુજર્સીના આર્થિક, સામાજીક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં ભારતીયોનું મહત્‍વનું યોગદાનઃ નવરાત્રિ ઉત્‍સવ પ્રસંગે હાજર રહેલા સેનેટર બોબ મેનેડેઝએ ભારતીયોને બિરદાવ્‍યાઃ વિવિધતામાં એકતાનું દર્શન કરાવતા નવરાત્રિ પર્વની શુભેચ્‍છા પાઠવી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકાના ન્‍યુજર્સીમાં ઉજવાઇ રહેલા ભારતના લોકપ્રિય તહેવાર નવરાત્રિ પ્રસંગે સેનેટર બોબ મેનેડેઝએ સ્‍થળ ઉપર મુલાકાત લઇ પ્રસન્‍નતા વ્‍યક્‍ત કરી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે ન્‍યુજર્સીમાં વસતા ભારતીયોએ યુ.એસ. તથા ભારત વચ્‍ચેના સંબંધો વધુ દૃઢ કરવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. સમૃધ્‍ધ તથા વૈવિધ્‍ય સભર ભારતની વતની આ પ્રજાએ પોતાની સંસ્‍કૃતિ જીવંત રાખવાની સાથોસાથ ન્‍યુજર્સીના આર્થિક, સામાજીક તથા સાંસ્‍કૃતિક વિકાસમાં મહત્‍વનો ફાળો આપ્‍યો છે.

તેમણે ઉમેર્યુ હતું કે આસુરી તત્‍વો ઉપર દૈવી શક્‍તિના વિજય સમા આ નવરાત્રિ તહેવારમાં વિવિધ વસ્‍ત્ર ભૂષામાં સજ્જ થઇ આવતા ભારતીયો ઉમંગભેર તહેવારનો આનંદ માણવાની સાથે વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. હું આ પ્રજાની સાથે કાયમ માટે છું. તથા મારા કાર્યકાળ દરમિયાન આ ભારતીયો ઉપર થતા હુમલાઓને મેં હેટ ક્રાઇમ હુમલા તરીકે માન્‍યતા આપી કડક હાથે કામ લેવાની હિમાયત કરેલી છે. તથા કોંગ્રેસમાં પણ ભારત સાથેના શાંતિ,સમૃધ્‍ધિ, તથા સ્‍વંતત્રતાના પ્રસ્‍તાવને કો-સ્‍પોન્‍સર તરીકે ટેકોનો આપ્‍યો છે.

નવરાત્રિના શુભ પ્રસંગે હું તમને સહુને શુભેચ્‍છા પાઠવું છું. તથા તમારૂ જીવન ધોરણ વધુ સમૃધ્‍ધ બનાવવા કટિબધ્‍ધ હોવાની ખાત્રી આપુ છુઃ તેમજ આ રજાના દિવસોમાં સહુ શાંતિ તથા આનંદ પૂર્વક તહેવાર ઉજવો તેવી કામના કરૂ છું.

તેવું એશિઅન અમેરિકન એન્‍ડ પેસિફીક આઇલેન્‍ડર (AAPI) આઉટરીચ ડીરેકટર શ્રી અમિત જાની (૫૫૧)૯૯૮-૪૨૯૯ ઇમેલ ajani@menendezfornj.com ની યાદીમાં જણાવાયું છે.

(9:41 pm IST)