Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પ્રવૃત્તિ નહિ, આપણી વૃત્તિ જ કર્મબંધનો આધાર છે : સમણ શ્રુતપ્રજ્ઞજી : અમેરિકાના મિલપિટાસ શહેરમાં એક દિવસીય શિબિર

માણસની પ્રવૃત્તિ નહિ, પ્રવૃત્તિ પાછળની વૃત્તિ જ કર્મ બંધનો આધાર છે. આપણી પ્રવૃત્તિ બીજાને દેખાય છે પણ આપણી વૃત્તિ કેવી છે એ તો આપણે જ જોઈ શકીએ છીએ. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે વૃત્તિ શુદ્ધ રાખવી એ સારા કર્મનું બીજ વાવવા બરાબર છે. સમાજ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખે છે અને ધર્મના કેન્દ્રમાં વૃત્તિ હોય છે. વૃત્તિ એટલે તમારી ભાવના અને ભાવધારા કેવી છે તે. આ વિચાર સમણ શ્રુતપ્રજ્ઞજીએ કેલિફોર્નયાના મિલ્પીટાસ જૈન ભાવના તા. 14 જુલાઈની એક દિવસીય શિબિરમાં પ્રગટ કર્યા હતા. એમને બંધ -સત્તા -ઉદય, પ્રદેશ ઉદય અને વિપાક ઉદય તથા કર્મનો પ્રભાવ અને સંચિત કર્મોથી મુક્તિ કેમ મેળવવી  વગેરે વિષયો પર પ્રવચનો આપ્યા હતા.

ધ્યાન અને યોગનો અભ્યાસ પણ કરાવ્યો હતો. 90 જેટલા સાધકોએ શિબિરમાં ભાગ લીધો હતો. જૈન સંઘ દ્વારા રમણિક ભાઈએ સમણજીનો આભાર માન્યો હતો. આ પહેલા ત્રણ દિવસ સુધી અવનિ મુકેશ શાહના ઘરે જૈન ધર્મમાં આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન વિષય પર વ્યાખ્યાનમાળા યોજાઈ હતી. યોગેશ ભાઈ અને ઋતુ બાફનાના નિવાસ સ્થાને જીવનના ત્રણ રહસ્યો વિષય પર પ્રવચન યોજાયું હતું. સમણશ્રી બે દિવસ મૌન સાધના કરીને અહીંથી તા.20ના કેનેડાના વેનકુંવર શહેરમાં પ્રવચન આપવા જશે.

(10:27 am IST)