Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

" વોક ગ્રીન 2019 " : અમેરિકાના ડલાસ ટેક્સાસમાં BAPS ચેરિટીઝના ઉપક્રમે 8 જૂનના રોજ યોજાઈ ગયેલ વોકથોન : આબાલ વૃધ્ધ સહીત 1100 ઉપરાંત લોકોએ ઉમંગભેર ભાગ લીધો

ડલાસ :પર્યાવરણને લગતા બધા સમાચાર ખરાબ નથી હોતા! 2019ની બીએપીએસ ચૅરિટિઝના વૉક ગ્રીન વોકેથોનમાં ભાગ લેનારાઓનો ઉત્સાહ જોઈને આ વાત ચોક્કસપણે સાચી લાગે છે!

પોતાના માતા-પિતા અને દાદા-દાદી સાથે આવેલી 17 વર્ષની નિષ્ઠા પટેલ આવી જ એક ઉત્સાહી સહયોગી છે; જે સાઉથલેક, ટેક્સાસમાં રહે છે. નિષ્ઠાએ જણાવ્યું હતું કે, પર્યાવરણ આપણા સહુના જીવનનો સહુથી મહત્વનો ભાગ છે. આજે આપણે કોઈ માઠી અસર જોતા નથી એનો અર્થ એવો નથી કે ભવિષ્યમાં પણ પરિસ્થિતિ સારી જ રહેશે!

બીએપીએસ ચૅરિટિઝનો ડલ્લાસ, ટેક્સાસ ખાતેનો "વૉક ગ્રીન 2019" પ્રસંગ રાષ્ટ્રીય કક્ષાએ "ધ નૅચર કન્ઝર્વન્સી" માટે ફાળો ભેગા કરવા માટે હતો. સ્થાનિક કક્ષાએ આ પ્રસંગના લાભાર્થી તરીકે "બ્રાઇટર ટુમોરોઝ", "અરવિંગ પોલિસ એથલેટિક લીગ" અને "કીપ અરવિંગ બ્યુટીફૂલ" જેવી સંસ્થાઓ હતી.

આ વર્ષે પણ બીએપીએસ ચૅરિટીઝ "ધ નૅચર કન્ઝર્વન્સી"ના વર્ષ 2025 સુધીમાં દશ કરોડ વૃક્ષો વાવવાના "પ્લાન્ટ અ બિલિયન ટ્રી" ધ્યેય માટે સહભાગી બન્યું હતું. આ પ્રસંગે અબાલવૃદ્ધો સહીત 1100થી વધુ લોકોએ ભાગ લઈને પરિવર્તનની જ્યોત આગળ ધપાવી હતી.

બીએપીએસ ચેરિટીઝના પ્રમુખ શ્રીનીલકંઠભાઈ પટેલે જણાવ્યું હતું કે, "મને વોકગ્રીન જેવી પ્રવૃત્તિને વર્ષોવર્ષ વધુને વધુ લોકોનો સહયોગ સાંપડતો જોઈ ઘણો હર્ષ થાય છે. આ વર્ષે સમગ્ર ઉત્તર અમેરિકાના 76 શહેરોમાં 23હજારથી વધુ લોકોએ ભાગ લઈને આપણા પર્યાવરણની રક્ષા કાજે પોતાનો ફાળો આપ્યો છે, જે આપણી આજની પેઢી માટે તો આવશ્યક છે જ પરંતુ આવનારીઓ અનેક પેઢીઓ માટે પણ આવશ્યક છે. 2019ના વર્ષે આપણા સમાજ દ્વારા "ધ નૅચર કન્ઝર્વન્સી"ને 61હજાર વધુ વૃક્ષો વાવવા માટે સહાય મળી છે. 2016થી 2019ના ચાર વર્ષો દરમ્યાન બીએપીએસ ચેરિટીઝના વૉકેથોન દ્વારા કુલ 3લાખ 61હજાર વૃક્ષોની વાવણી માટેનો સહયોગ મળ્યો છે."

ધ નૅચર કન્ઝર્વન્સીના પ્રમુખ અને મુખ્ય અધિકારી શ્રી માર્ક ટેરસેકે જણાવ્યું હતું કે, "બીએપીએસ ચૅરિટિઝના હજારો સ્વયંસેવકોનો આધાર અમારે માટે ઘણો મહત્વનો છે. અમારી જેમ આ સ્વયંસેવકો પણ માને છે કે, સ્વસ્થ વિશ્વ બનાવવા માટે સમાજને સ્વસ્થ બનાવવો આવશ્યક છે જેમાં પ્રકૃતિ અને માનવજીવનનું  સંવર્ધન થતું હોય."

વૈશ્વિક મુદ્દાને સ્પર્શતા કાર્યમાં સમગ્ર આયુવર્ગને સેવામાં જોતરવાની સાથે-સાથે બીએપીએસ ચૅરિટીઝે ઉચ્ચતર શાળા અને મહાવિદ્યાલયમાં ભણતાં કિશોરોને વ્યાપારી પ્રાયોજકો શોધવામાં સામેલ કર્યાં હતાં. કિશોરોએ સ્થાનિક વેપાર-ધંધાદારીઓને વૉકેથોનની પ્રવૃત્તિમાં ભાગીદાર બનાવવા માટે પ્રયાસ કર્યો હતો.

ધ નૅચર કન્ઝર્વન્સીના પ્રતિનિધિ શ્રી કૅથી જૅકે કહ્યું હતું કે, "મેં આજે જોયેલી સહુથી શ્રેષ્ઠ ઘટના એ હતી કે ઘણાં બધાં કુટુંબ અને મિત્રો એકસાથે મળીને આ કાર્યમાં જોડાયાં હતાં. અમે આજે અનેક પ્રસન્ન લોકો જોયા. સર્વે આયુના લોકો એકમળીને ચાલ્યાં કે દોડ્યાં. અમારે માટે તો બીએપીએસ ચૅરિટિઝના મિત્રો અને કુટુંબીજનો સાથે જોડાવું ઘણી જ સન્માનની વાત છે."

સ્થાનિક સંસ્થાઓના સહયોગ માટે બીએપીએસ ચૅરિટિઝના મહત્વ અંગે જણાવતા ઇર્વિંગ શહેરના પ્રબંધક શ્રી ક્રિસ હિલમેને જણાવ્યું હતું કે, "અરવિંગના નાગરિક તરીકે, બીએપીએસ ચૅરિટિઝના યોગદાનથી આપણા શહેરમાં જે સુંદર પ્રાકૃતિક સંપદા છે એની જાળવણી અને સંવર્ધનનું કામ પરિપૂર્ણ થાય છે."

પ્રસંગના નેતા શ્રી હેમલ પટેલે કહ્યું હતું કે, "હું સર્વે પ્રાયોજકો, વ્યક્તિગત ફાળો આપનારાઓ અને આજની સવારના સર્વે સહભાગીઓનો આભાર માનું છું. અમે તમારા યોગદાનની ઘણી પ્રશંસા કરીએ છીએ."

વાર્ષિક વૉકેથોન ઉપરાંત બીએપીએસ ચૅરિટીઝ પર્યાવરણની જાળવણી માટેના સમગ્ર વર્ષ દરમ્યાન થતાં અનેક કાર્યક્રમોને સહયોગ આપે છે, જેવા કે પુનઃઉત્પાદનની પરિયોજનાઓ, જળ સંવર્ધન, સૌરઊર્જાનો ઉપયોગ વગેરે. બીએપીએસ ચૅરિટિઝ બીજી સામાજિક સેવાઓને લગતા પ્રસંગો પણ સમગ્ર વર્ષ દરમ્યાન યોજે છે, જેમ કે સ્વાસ્થ્ય મેળા , રક્તદાન, અન્નદાન, બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી દિવસ, વગેરે. બીએપીએસ ચૅરિટિઝની પ્રવૃત્તિઓ વ્યક્તિગત અને કૌટુંબિક ઉત્કર્ષ માટે કટિબદ્ધ રહે છે. બીએપીએસ ચૅરિટિઝ અને તેની સામાજિક પ્રવૃત્તિઓ અંગેની વધુ માહિતી માટે www.bapscharities.org ની મુલાકાત લેશો. તેવું શ્રી સુભાષ શાહની યાદી દ્વારા જાણવા મળે છે.

 

 

(9:49 pm IST)