Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે વિશ્વના તમામ દેશો સાથ આપેઃ અમેરિકાના શિકાગોમાં ૯/૧૧ મેમોરીઅલ ખાતે પુલવામા શહીદોને શ્રધ્ધાંજલી આપવા પ્રાર્થના સભા યોજાઇઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા ક્રિશ્નામુર્થી સહિત કોમ્યુનીટી અગ્રણીઓની ઉપસ્થિતિઃ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના વિદ્યાર્થીઓના ઉપક્રમે ૨૧ ફેબ્રુ.ના રોજ મૌન કેન્ડલ માર્ચનું આયોજનઃ OFBJP, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ USA,AAPI, સહિતના ઓર્ગેનાઇઝેશન્શએ શ્રધ્ધાંજલી આપી

શિકાગોઃ આતંકવાદને નાથવા સમગ્ર વિશ્વના દેશો એક થાય તેવી લાગણી સાથે તાજેતરમાં ૧૭ ફેબ્રુ.૨૦૧૯ રવિવારના રોજ અમેરિકાના શિકાગોમાં આવેલા ૯/૧૧ મેમોરીયલ ખાતે વિશાળ સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન નાગરિકો એકત્રિત થયા હતા. તથા ભારતના કાશ્મીરમાં આવેલા પુલવામાં ખાતે ૧૪ ફેબ્રુ.ના રોજ પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકી સંગઠન જૈસ એ મહમ્મદ દ્વારા કરાયેલા હુમલાને વખોડી કાઢયો હતો તથા શહીદ થયેલા ૪૦ ભારતીય જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી. તથા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતું.

આ પ્રસંગે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જુદા જુદા અનેક શહેરોમાં શ્રધ્ધાંજલી સભા યોજાઇ હતી. મેરીલેન્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટસએ પણ આતંકી હુમલાને વખોડી કાઢી ૨૧ ફેબ્રુ.૨૦૧૯ના રોજ કેન્ડલ માર્ચ યોજવાની જાહેરાત કરી હતી. OFBJPના શ્રી અડાપા પ્રસાદ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુ.એસ.એ.ના સેક્રેટરી જનરલ હરબચન સિંઘ તથા વાઇસ ચેરમેન જયોર્જ અબ્રાહમએ આતંકીઓ વિરૂધ્ધ નક્કર પગલા ભરવાની માંગ કરી હતી. તથા અમેરિકાએ પાકિસ્તાનને તમામ પ્રકારની મદદ બંધ કરવી જોઇએ તેવું મંતવ્ય વ્યકત કર્યુ હતું.

''AAPI-અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન''ના પ્રેસિડન્ટ શ્રી નરેશ પરીખએ આતંકવાદનો સફાયો કરવામાં સમગ્ર વિશ્વ સાથ આપે તેવી માંગણી કરી હતી.

(8:26 pm IST)