Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરને 'ગ્લોબલ ટેરીસ્ટ' જાહેર કરોઃ યુ.એન.ને OFBJP યુ.એસ.એ.ની અપીલ : જૈસ એ મહમ્મદના આત્મઘાતી હુમલાથી માર્યા ગયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપી

ભારતના કાશ્મીરમાં આવેલા પુલવાલા ખાતે આતંકવાદીઓએ CRPF  જવાનો ઉપર કરેલા આત્મઘાતી હુમલાથી માર્યા ગયેલા ૩૭ જવાનોને યુ.એસ. સ્થિત OFBJP  પ્રેસિડન્ટ ક્રિષ્ના રેકી અનુગૂલાએ શ્રધ્ધાંજલી પાઠવી શહીદોના પરિવારોને આશ્વાસન પાઠવ્યું છે.

તેમણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈસ-એ-મહમમ્દના આ હિચકારા કૃત્યથી ઘાયલ થયેલા જવાનો જલ્દીથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે.

આ તકે OFBJP વાઇસ  પ્રેસિડન્ટ ડો. અહાયા પ્રસાદ તથા ઓર્ગેનાઇઝેશન સેક્રેટરીશ્રી વાસુદેવ પટેલે મોદી સરકારે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની વ્યકત કરેલી કટિબધ્ધતાને સમર્થન આપ્યું છે. તથા વિદેશોમાં વસતો ભારતીય સમાજ તમામ દેશવાસીઓ સાથે હોવાનું જણાવ્યું છે.

OFBJP યુ.એસ.એ. વતી આ આગેવાનોએ જણાવ્યૂ છે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ર્ગેનાઇઝેશનએ આ હુમલાના કાવતરાખોર પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરીસ્ટ ગણવો જોઇએ. તથા યુ.એન.મા તેના પ્રવેશ ઉપર બાન મુકવાની થયેલ માંગણીને  રોકવા બદલ ચીનએ શરમાવું જોઇએ.

તેમણે ઉમેર્યુ હતુ કે પાકિસ્તાન જો શાંતિ ઇચ્છતુ હોય તો તેણે આ મસૂદ અઝહર તથા તેના કાયર  સાથીદારોને પકડી તેઓનું સંગઠન વિખેરી નાખવું જોઇએ. નહી તો તેણે વિશ્વમાંથી ફેંકાઇ જવાની તૈયારી રાખવી જોઇએ. મેલી રાજ રમત રમવાનું બંધ  કરવું જોઇએ, તથા પૃથ્વી ઉપરથી આતંકવાદનો સફાયો કરવામાં સાથ આપવો જોઇએ. તેવુ OFBJP યુ.એસ.એ.ઓર્ગેનાઇઝેશન સેક્રેટરીશ્રી વાસુદેવ પટેલ (404) 401-4404  ની યાદીમાં જણાવાયું છે.

 

 

(9:11 pm IST)