Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

યુ.એસ.માં ગુજરાતી સમાજ ટેમ્પા સિનિયર્સ ગૃપ દ્વારા યોજાઇ ગયેલ કાર્યક્રમઃ સાકાર ટ્રસ્ટના સંસ્થાપક હિતેન ભુટા તથા નેત્ર નિષ્ણાંત ડો.વસંત બલારની વિશેષ ઉપસ્થિતિ ધીરૂભાઇ અમીનનો હાસ્ય રસથી ભરપુર જોકસ,શેર, શાયરીનો કાર્યક્રમ

ભાવિક મોદી દ્વારા ટેમ્પા, યુ.એસ. માં ફલોરીડાના ટેમ્પા બે માં હાલમાં જ ડીસેમ્બર માસની ૨૫ તારીખે નાતાલના દિવસે ગુજરાતી સમાજ સિનિયર્સ ગૃપનો કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં મોટી સંખ્યામાં ભારતીય સિનિયર્સ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆરતમાં હાલમાં જ ૨૦-૧૨-૨૦૧૯ના રોજ સિનિયર ગૃપના સભ્ય નટવરલાલ શાહનું અવસાન થતા દિવંગતની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સાકાર ટ્રસ્ટના સંસ્થાપક હિતેન ભુટા (મુંબઇ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હિતેનભાઇએ પોતાના સંબોધનની શરૂઆત પ્રાર્થનાથી કરી હતી ત્યારબાદ ટેમ્પામાં રહેતા તેમના મોટાબહેન વૈશાલીબહેનનું ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં આકસ્મિક નિધન થતા તેઓને યાદ કરી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. હિતેનભાઇએ સાકાર ટ્રસ્ટનો ટૂંકમાં પરિચય આપી સંસ્થાના કાર્યો વિષે માહિતી આપી હતી. સાકાર ટ્રસ્ટે પોતાના કાર્યો થકી એક લાખથી વધુ લોકોના જીવનને પ્રભાવિત કર્યુ છે. સાકાર ટ્રસ્ટ વિષે વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ http://www.sakartrust.org/ જોવી.

આ પ્રસંગે વિખ્યાત નેત્ર વિશેષજ્ઞ ડો.વસંત બલારે વ્યાખ્યાન આપ્યું હતું અને આંખ વિષે ઉપયોગી અને અગત્યની માહિતી અને સમજણ આપી હતી. વધુમાં ડો.બલારે શ્રોતાઓ સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.

આ તકે ધીરૂભાઇ અમીને હાસ્યરસ અને મનોરંજનની ભરપુર જોકસ, શેર, શાયરી કાર્યક્રમ આપ્યો હતો જેના દ્વારા વાતાવરણ હળવું બની ગયું હતું. નવ વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂરો થતા ભારતના રાષ્ટ્રગીત ''જન ગન મન'' નું ગાન કરવામાં આવ્યું હતું જે બાદ સૌ છૂટા પડયા હતા.

આ પ્રસંગે સ્વાદિષ્ટ ડીનર પીરસવામાં આવ્યું હતું જે હિતેન ભુટા (મુંબઇ) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું. ગુજરાતી સમાજ સિનિયર્સ ગૃપ દ્વારા નિયમિત રીતે દર મહિનાના ચોથા બુધવારે સિનિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વધુ માહિતી માટે જીતુભાઇ વોરા (૯૪૧) ૯૬૨-૯૭૭૪ અથવા મનોજભાઇ પંડ્યા (૭૩૨)૨૦૮-૧૪૦૬ નો સંપર્ક કરવો.

(8:33 pm IST)