Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમેરિકામાં ડલાસ ગુરુકુલના આંગણે ચતુર્થ બ્રહ્મસત્ર અને ચોથા પાટોત્સવની ભવ્ય ઉજવણી : જુલાઈ 30, 2022 થી ઓગષ્ટ 6, 2022 સુધી આયોજિત સેમિનારમાં 500 થી વધુ હરિભક્ત પરિવારો જોડાયા : ષોડોપચાર પૂજન, ધૂન-કીર્તન, પ્રભાતફેરી,પ્રાણાયામ-ધ્યાન ,કથાવાર્તા ,હિંડોળા ઉત્સવ, તથા રાસની રમઝટથી ભાવિકો ભાવવિભોર

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : બ્રહ્મસત્ર એટલે બ્રહ્મરૂપ થઈ ભગવાનમાં જોડાવાના પાઠ શીખવાની પાઠશાળા. ‘મારાથી મહારાજ રાજી થાય તેવું જ કાર્ય થાય અને મહારાજ કુરાજી થાય તેવું કાર્ય ક્યારેય ન થાય.’ તેવા બ્રહ્મરૂપપણાનો વિચાર દ્રઢ કરવાનો સેમિનાર. શ્રીજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ ગુરુ મહારાજની આજ્ઞાથી અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન - ડલાસ આંગણે તા. જુલાઈ 30, 2022 થી તા. ઓગષ્ટ 6, 2022 સુધી ચતુર્થ બ્રહ્મસત્ર અને ચોથા પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આ બ્રહ્મસત્રનો કાર્યક્રમ પૂજ્ય બ્રહ્માનંદ સ્વામીના જીવનને કેન્દ્રમાં રાખી તૈયાર કર્યો હતો. 500 થી વધુ સમગ્ર યુ.એસ.એ.થી હરિભક્ત પરિવારોએ આ સમગ્ર મહોત્સવનો ભરપૂર લાભ લીધો હતો.

દરરોજ સવારના કાર્યક્રમની શરૂઆત મહારાજના ષોડોપચાર પૂજનથી થતી અને ત્યારબાદ હરિભક્તો ધૂન-કીર્તન સાથે મહારાજની પ્રભાતફેરીનો લાભ લેતા. ત્યારબાદ ગુરુકુળ મંદિરના પ્રાંગણમાં પ્રાણાયામ-ધ્યાનના સેશન માધ્યમે, સર્વે સુખનું મૂળ શ્રીજીમહારાજનું ધ્યાન છે તેવું અનુસંધાન રાખી, સહુ હરિભક્તો અંતરમાં મહારાજની મૂર્તિ ધરવાનો અભ્યાસ કરતા. ત્યારબાદ સંતો દ્વારા કથાવાર્તાનું સર્વે હરિભક્તોને રસપાનનું પીરસાણ થતું હતું.

બપોર પછીના કાર્યક્રમમાં, હિંડોળા ઉત્સવમાં હરિભક્તો ભક્તિભાવપૂર્વક મહારાજને વિધવિધ શણગારેલ હિંડોળામાં કીર્તન-ભક્તિ સાથે ઝુલાવી ખુબ ખુબ લાડ લડાવતા અને સંતો સાથે રાસની રમઝટ માણતા. સહજાનંદી સ્વર મંડળના બાળકોએ જાણે કે એક શ્વાસે બ્રહ્માનંદ સ્વામીના 108 પદોનું ગાન કરીને શ્રોત્રજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત, ગાયક કલાકાર વિનોદભાઈ પટેલે પણ બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તનોનું સહુને રસપાન કરાવ્યું હતું. ત્યારબાદ ‘સત્સંગનો રંગ’ કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વડીલ હરિભક્તો પોતાના સત્સંગના રંગને શ્રી ઘનશ્યામ મહારાજ અને સંતો-હરિભક્તોને રાજી કરવા પ્રસ્તુત કરતા હતા. જેમાં બ્રહ્મરસ ચક્ર, સંત નામાવલી, પ્રશ્નાવલી મનન, શ્રીજી-ચરિત્રો જેવા આયોજનો થતા.

સાંજના બ્રહ્મસત્ર કાર્યક્રમમાં પૂજ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી વચનામૃતમાં શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી વચ્ચે થયેલા જ્ઞાન-મંથનના વચનામૃતોનું સુંદર જીણવટ ભરી છણાવટથી રસપાન કરાવતા હતા. ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીના જીવન-કવન વિષે પુરાણી સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના સુમધુર કંઠે સહુ હરિભક્તોને કથાનું અદ્ભૂત રસપાન થતું. બ્રહ્મસત્રના હૃદય સમા એવા આ સેશનનો સહુ હરિભક્તો અતિ ઉત્સાહથી લાભ લેતા હતા. રાત્રે મહાપ્રસાદ બાદ “સંતો-ભક્તોની ગોષ્ઠી” કાર્યક્રમ નિમિત્તે સહુ હરિભક્તો પોતાને આધ્યાત્મિક જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનું સંતો સાથે ગોષ્ટિ દ્વારા સમાધાન કરતા હતા. ઉપરાંત, સર્વે હરિભક્તો સંત્સંગનો રંગ વધારવાની પોતાની વ્યક્તિગત કળાની સંતગોષ્ટિમાં એકબીજા સાથે આપલે કરતા હતા. સહજાનંદ આરોગ્ય ટીમ દ્વારા હેલ્થફેર, કોવિડ બુસ્ટર શોટ અને રક્તદાન કેમ્પનું પણ બ્રહ્મસત્ર દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ભક્તિ મહિલા મંડળનો ‘મહિલા મંચ’, તેમજ સ્વયંસેવક સેમિનાર જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

તા. ઓગષ્ટ 6, 2022 ના શનિવારે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના ચતુર્થ પાટોત્સવની ઉજવણી થઈ હતી. સવારે 8 વાગ્યાથી શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી આદિ સર્વે દેવોની પૂજનવિધિ, ન્યાસવિધિ અને મહાભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક પછી વિધવિધ વાનગીઓથી શ્રીજી મહારાજને સુંદર અન્નકૂટ ધરાવ્યો હતો. સાંજે પાટોત્સવ નિમિતે વિશેષ સત્સંગ સભાનું આયોજન રાખવામાં આવેલ. 1000 થી વધુ હરિભક્ત પરિવારોએ અન્નકૂટ દર્શનનો અને પાટોત્સવ સભાનો લાભ લીધો હતો.તેવું શ્રી અલ્પેશ પટેલના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(11:30 am IST)