Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

અમેરિકામાં કોવિદ -19 ના કારણે છેલ્લા 3 મહિનાથી વ્યવસાયો ઠપ્પ : મોલ, રેસ્ટોરન્ટ, સહીત દુકાનદારો ભાડા ચૂકવી નહીં શકતા નોટિસો આવવાનું શરૂ

રીઅલ એસ્ટેટમાં પણ મંદીના કારણે નાણાં છુટા થવા મામલે ભયનો માહોલ : નાદારી નોંધાવવા રૂપી વાવાઝોડું આવવાની બ્લુમબર્ગે શક્યતા દર્શાવી

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકારને કારણે કામધંધાઓ બંધ રહેતા અનેક વ્યાવસાયિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ખાસ કરીને નાના અને રિટેઇલ  વ્યાવસાયિકો ,મોલ ,તેમજ રેસ્ટોરન્ટ ધારકો ભાડા ચૂકવી નહીં શકતા તેમના ઉપર મકાન માલિકોની નોટિસો આવવાનું શરૂ થઇ ગયું છે.છેલ્લા 3 મહિના જેટલા સમયથી કામધંધા બંધ હોવાથી વસ્તુઓનું વેચાણ થઇ શક્યું નથી પરિણામે  રોકડ રકમની પણ અછત વર્તાઈ રહી છે.બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે.
     આ સંજોગોમાં મકાનમાલિકો તરફથી 3 મહિના જેટલા બાકી સમયનું  ભાડું  વસૂલવા માટે શરૂ થઇ ગયેલી પઠાણી ઉઘરાણીના કારણે વ્યાવસાયિકો માટે નાદારી નોંધાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી .અને આ દશા કોઈ એક વેપારીની નહીં હજારોની છે.પરિણામે અમેરિકામાં નાદારી નોંધાવવા માટેનું જાણે કે  વાવાઝોડું  આવી જાય તેવી શક્યતા બ્લૂમબર્ગ દ્વારા દર્શાવાઈ છે.

     જેના કારણમાં જણાવાયા મુજબ ચડત ભાડાની હજારો નોટિસો દુકાનોના શટર ઉપર ટીંગાતી જોવા મળે છે.તેવું રીઅલ એસ્ટેટ કંપનીઓના સંચાલકોએ જણાવ્યું હતું.કોસ્ટાર ગ્રુપના જણાવાયા મુજબ માત્ર એપ્રિલ માસમાં જ 7.4 બિલિયન ડોલર જેટલી રકમ ભાડા પેટે ચડત છે.જે મકાન માલિકોને મળવાપાત્ર ભાડાની રકમના ચોથા ભાગ જેટલી છે.જો મકાન માલિકો ભાડાની ઉઘરાણીમાં બાંધછોડ નહીં કરે તો નાદારી નોંધાવવાનું પ્રમાણ વધશે.

     એક મંતવ્ય મુજબ હાલની તકે રીઅલ એસ્ટેટ વ્યવસાયમાં મંદી હોવાથી તાત્કાલિક નાણાં છુટા થવાની શક્યતા પણ નથી.આ સંજોગોમાં મકાન માલિકો પોતાનો હક્ક અબાધિત રાખવા માટે પણ નોટિસ મોકલી રહ્યા હોવાનું અનુમાન છે.તેમછતાં મકાન માલિકો અને ભાડુતો વચ્ચેના કોન્ટ્રાક્ટ મુજબ રકમ ચૂકવી દેવા મસલતો ચાલી રહી છે.

     કોવિદ -19 ના કારણે મોલ માલિકોને તેમના સ્ટોર બંધ રાખવા ફરજ પડાઈ હતી.અમુક સ્ટોર્સ જેવા કે નાઇમાન મારકસ ગ્રુપ,જે ક્ર્યું ,તેમજ જે સી પેન્ની એ ચેપટર-11 હેઠળ નોંધ કરાવી દીધી છે.આથી ગ્રાઈસરના મંતવ્ય મુજબ લૅન્ડલૉર્ડ અને ભાડુઆત વચ્ચે મિટિંગ જરૂરી છે.અમુક જગ્યાએ આ નોટિસો સહાનુભૂતિ સાથેની જોવા મળી છે.જયારે અમુક નોટિસ કડક ઉઘરાણી માટેની છે.

     જોકે અમુક નોટિસ માત્ર પોતાનો હક્ક જાળવી રાખવા અને લોયરનો ખર્ચ બચાવી લેવા માટે મોકલાઈ હોવાનો પણ મત છે.જયારે અમુક જગ્યાએ કાયદો હાથમાં લઇ લેવા સુધી વાત પહોંચી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.તેવું ઝીરો હેજ દ્વારા જાણવા મળે છે

(12:00 am IST)