Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમેરિકાના એટલાન્ટામાં આવેલી ગોકુલધામ હવેલીમાં આમ્ર મહોત્સવ ઉજવાયોઃ વડોદરાની શ્રી કલ્યાણરાયજી હવેલીના યુવા વૈશ્નવાચાર્ય પૂ.શરણમ કુમારજીના વચનામૃતનું આયોજન કરાયું

એટલાન્ટાઃ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં બિરાજમાન શ્રી શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુ સન્મુખ શનિવાર તા.૧૫ જૂને આમ્રકુંજ-આમ્ર મહોત્સવ ભકિતભાવથી ઉજવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વડોદરાની શ્રી કલ્યાણરાયજી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમ કુમારજી મહોદયે તેમના વચનામૃતમાં કેરીમાં રહેલા નરમ અને કઠોર જેવા ગુણોના ઉલ્લેખ કર્યો હતો. પૂ.શ્રીએ કેરીમાં રહેલા દીનતા, વિવેક અને ક્ષમાપણા જેવા ગુણો ધારણ કરનાર પ્રભુને પ્યારા બને છે તેમ સમજાવ્યું હતું.

ગોકુલધામ હવેલીમાં વિવિધ ઉત્સવો અને મનોરથો ઉજવાયે છે. જે અંતર્ગત શનિવારે શ્રી ઠાકોરજીના સુખાર્થે આમ્રકુંજ-આમ્ર મહોત્સવ ઉજવાયો હતો. આમ્ર મહોત્સવ અંતર્ગત વૈષ્ણવ શ્રધ્ધાળઓ દ્વારા શ્રી ઠાકોરજીને વિવિધ જાતની વિદેશી અને ભારતીય કેરીઓ અર્પણ કરાઇ હતી. આ કેરીઓની અનોખી સજાવટ સાથે શ્રી શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુ સન્મુખ કેરીના મનોરથનું આયોજન કરાયું હતું. શ્રી ઠાકોરજીની પીઠિકાની ફરતે આંબાવાડિયામાં આંબાના વૃક્ષોની જાળખીઓ પર ઝુલતી ઝુલતી રસદાર કેરીઓની યાદ તાજી કરાવતું દ્રશ્ય સજાવટરૃપે જોઇ વૈષ્ણવ ભકતો આનંદવિભોર બન્યા હતા.

આમ્ર મહોત્સવ અંતર્ગત ગોકુલધામના શ્રી જગદગુરૃ હોલમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમ કુમારજી તેમજ વૈષ્ણવાચાર્ય પૂ.પરેશ બાવાશ્રીના વચનામૃતનો લ્હાવો વૈષ્ણવસૃષ્ટિને મળ્યો હતો. પૂ.શરણમ કુમારજીએ આમ્ર મહોત્સવ સંદર્ભે જણાવ્યું હતું કે, જે ઋતુ આવે તે ઋતુ પ્રમાણે સર્વોત્તમ વસ્તુ પ્રભુ અર્પણ કરાય છે. કેરીની સિઝનમાં પ્રભુને અર્પણ થતી કેરી બહારથી નરમ અને અંદરથી કઠોર હોય છે. આ કેરી વૈષ્ણવાને અન્ય વ્યકિત સાથે કેવી રીતે વર્તવું તે શીખવે છે. નરમ ભાગ દીનતા, વિવેક અને ક્ષમાપણું જ્યારે કઠોર ભાગ ગમે તેવી મુસીબતો કે મુશ્કેલીઓ આવે ત્યારે દ્રઢ સંકલ્પ અને પ્રભુમાં રહેલા દ્રઢ વિશ્વાસથી તેનો સામનો કરવાનું શીખવે છે. આ ગુણો ધારણ કરી પ્રભુના પ્યારા બની જવાય છે તેમ શ્રી શરણમ કુમારે સમજાવ્યુ હતું. તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટની યાદી જણાવે છે.

(7:51 pm IST)