Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમેરિકામાં નવા વર્ષે ગુમ થયેલી ગુજરાતી મહિલાનો મૃતદેહ મળ્યો

ન્યુયોર્ક : અમેરિકાના ઇલિનોઇસ રાજયમાં ૩૪ વર્ષના ગુજરાતી મૂળની એક મહિલા રહસ્યમય રીતે લાપતા બન્યાના બે સપ્તાહ પછી તેમની જ કારમાંથી તેમનો મૃત્યદેહ મળી આવ્યો હતો.

૩૦ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ઇલિનોઇસના શોમબર્ગના પોતાના દ્યરે પરત નહીં આવતા સુરીલ ડબાવાલાના પરિવારે તેમને લાપતા જાહેર કર્યા હતા, એમ શોમબર્ગ પોલીસે કહ્યું હતું. તેઓ કસરત કરવા જીમમાં ગયા હતા અને છેલ્લે પોતાની કાર ચલાવતા દેખાયા હતા. ત્યાર પછી ડબાવાલા કયાંય દેખાયા નહતા, એમ તેમના પરિવારે કહ્યું હતું.

સોમવારે શિકાગો પોલીસે લાપતા વ્યકિતની માલીકીની કારમાંથી એક મૃત્યદેહ મળ્યાની જાણ કરતાં શોમબર્ગ પોલીસનો સંપર્ક કરાયો હતો.શિકાગો પોલીસ આને મૃત તપાસ તરીકે તેની તપાસ હાથ ધરશે.

ડબાવાલાના પરિવાર દ્વારા રોકવામાં આવેલા ખાનગી જાસુસોએ વેસ્ટ ગારફિલ્ડ પાર્ક વિસ્તારમાં સુરીલની સફેદ સિડાન કારને શોધી લીધા પછી પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા, એમ શિકાગોના પોલીસ પ્રવકતાએ કહ્યું હતું. કારની ચાવીઓ લઇને સુરીલના પિતા આવી પહોચ્યા પછી ટ્રન્કને ખોલવામાં આવી હતી.સુરીલ એક થાબળામાં લપેટાયેલી મળી આવી હતી જેને સત્ત્।ાવાળાઓએ મૃત જાહેર કરી હતી.

મંગળવારે તેમનું ઓટોપ્સી કરાવી ના શકાતા મોતનું કારણ જાણી શકાયું નહતું, પણ મેડિકલ એકેઝામિનરે તેની ઓળખાણ જાહેર કરી હતી.ટોકસીકોલોજી ટેસ્ટના પરિણામ લગભગ એક મહિના પછી જ મળી શકે છે. સુરીલ લાપતા બનતા તેમના પરિવારે તેમને શોધી લાવનારને દસ હજાર ડોલર ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી.

સુરીલના બહેને કહ્યું હતું કે સુરીલ સાથે ખરેખર શું બન્યું હતું તેની અમારા પરિવારને કંઇ જ ખબર નથી. અમે પોલીસના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. અમે કોઇ પણ નિષ્કર્ષ પર પહોંચીએ તે પહેલાં ઓટોપ્સીનું પરિણામ પણ જાણવું જરૂરી છે. સુરીલ ડબાવાલાએ શિકાગો યુનિ.માંથી એમબીએ કર્યું હતું. તેઓ તેમના ડોકટર પિતા દ્વારા સંચાલિત એક મેડિકલ સેન્ટરમાં કામ કરતા હતા. 

(11:36 am IST)