Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

આફ્રિકામાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતા ઉમરેઠના યુવાન નીલકંઠ પટેલનું કારની હડફેટે કરૂણમોત

છેલ્લા છ વર્ષથી પત્ની અને 8 માસના બાળક સાથે આફ્રિકા સ્થાયી થયેલ નીલકંઠના મૃત્યુથી પરિવારમાં શોક ;મૃતદેહ ઉમરેઠ લાવવા કાર્યવાહી

 

આણંદ :આફ્રિકામાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ ઉમરેઠના યુવાન નીલકંઠ પટેલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે આશાસ્પદ યુવાનન મોતની જાણ થતા તેના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે મળતી વિગત મુજબ મુળ આણંદના ઉમરેઠ ખાતે રહેતા અને છેલ્લા 6 વર્ષથી પત્ની અને 8 માસના બાળક સાથે આફ્રિકાની ફાર્મા કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવાત યુવાન નીલકંઠ પટેલનુ રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે.અકસ્માતમાં પુત્રનુ મોતની જાણ ઉમરેઠમાં તેના માતા-પિતાને મળતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

   આણંદના ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામમાં આવેલા યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલ તથા નયનાબેનનો 32 વર્ષીય પુત્ર નીલકંઠ પટેલ છેલ્લા 6 વર્ષથી તેની પત્ની સોનલબેન તથા આઠ માસના પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમાં રહેતો અને જીલનસન ફાર્મસી કંપનીમાં માર્કેર્ટિંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિલકંઠની ઓફીસ તેના ઘરથી માત્ર 5 કિલોમીટર દુર હતી

   ગત 13મી જાન્યુઆરીના રોજ નિલકંઠ પટેલ પોતાની બાઇક લઇને નોકરી જવા રવાના થયો હતો. જ્યા ઘરથી થોડેક દુર નિલકંઠ પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યાં તો પુરપાટ ઝડપે આવી રહેલી કાર ચાલકે નિલકંઠને અડફેટે લેતા તે હવામાં ફંગોળાઇ જમીન પર પટાકાયો હતો કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર નિલકંઠ ઉપર ફરી વળતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમા ખસેડાયો હતો.નિલકંઠના અકસ્માતના સમાચાર તેના પરિવારજનોને મળતા તેઓ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત નિલકંઠની સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતુ. નિલકંઠના મોતના સમાચાર પરિવારને મળતા તેમના ઉપર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હતો. જોકે નિલકંઠના અંતિમ સંસકાર ઉમરેઠ ખાતે કરવામાં આવશે અને માટે તેના મૃતદેહને ઉમરેઠ લાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

(12:22 am IST)