Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમેરિકામાં મિચીગન સ્ટેટ સેનેટની ચૂંટણી દરમિયાન ખોટા નિવેદનો કરી મતદારોને ભરમાવ્યાઃ ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી અનુજા રાજેન્દ્ર ઉપર કોર્ટમાં દાવો દાખલઃ અમેરિકન સિવીલ લિબર્ટીઝ યુનિયન બચાવ કરશે

મિચીગનઃ અમેરિકામાં મિચિગન સ્ટેટ સેનેટ સીટ માટેની ચૂંટણીના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન બિઝનેસ વુમન સુશ્રી અનુજા રાજેન્દ્ર ઉપર ચૂંટણી કમ્પેન દરમિયાન ખોટા નિવેદનો કરી મતદારોને ભરમાવવાના આરોપસર દાવો દાખલ કરાયો છે. તેમણે પોતાનો હોદો ખોટો દર્શાવ્યાનો તથા મતદારોને ગેરમાર્ગે દોર્યાનો આરોપ મુકાયો છે. જો આરોપ પૂરવાર થાય તો વધુમાં વધુ ૯૦ દિવસની જેલ તથા ૫૦૦ ડોલરનો દંડ  થઇ શકે છે.

જો કે અમેરિકન સિવીલ લિબર્ટીઝ યુનિયન તેઓના બચાવમાં છે જેણે કોર્ટમાં રજુઆત કર્યા મુજબ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ અનેકવાર હિંસાત્મક તથા વંશીય નિવેદનો કર્યા હોવા છતાં તેમના ઉપર દાવો દાખલ કરાયો નથી. જયારે અનુજા પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હોવા છતાં તેમના નિવેદનોનું ખોટુ અર્થઘટન કરી તેમને ફસાવી દેવાયા છે. તેમણે સ્પષ્ટપણે પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે તેઓ બિનરાજકિય વ્યકિત છે. તેમનો હેતુ લઘુમતિ કોમોને અન્યો જેટલી સગવડો મળે તેવો છે. ઉલ્લેખનીય છે કે સુશ્રી અનુજા પ્રાયમરી ચૂંટણીમાં પરાજીત થયા હતા.

દાવાની સુનાવણી આગામી ૧૦ જાન્યુ.ના રોજ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)