Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદ માટેના નામોમાં હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડ હોટ ફેવરિટ : ઇન્ડિયન અમેરિકન ડો.સંપત શિવાંગીએ એક કાર્યક્રમમાં સુશ્રી તુલસીને પ્રેસિડન્ટ પદના દાવેદાર ગણાવતા તાળીઓનો ગડગડાટ

લોસ એંજલ્સ : છેલ્લી ચાર ટર્મથી અમેરિકામાં હિન્દૂ સાંસદ તરીકે ચૂંટાઈ આવતા સુશ્રી તુલસી ગબ્બાર્ડનું નામ 2020 ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે હોટ ફેવરિટ ગણાય રહ્યું છે.લોસ એનજલ્સમાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના અમેરિકી ડોકટર સંપત શિવાંગીએ તુલસીનો પરિચય જણાવતાં તેઓને 2020માં રાષ્ટ્રપતિ પદના દાવેદાર ગણાવ્યાં. આ અંગે દર્શકોએ ઘણાં સમય સુધી તાળીઓ વગાડી. જો કે તુલસીએ પોતે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

માનવામાં આવે છે કે તેમની દાવેદારી પર ક્રિસમસ પછી નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે સ્થિતિઓને જોતાં તુલસી આ અંગેની સત્તાવાર જાહેરાતમાં એક વર્ષ સુધીનો સમય લઈ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ  તુલસી અને તેની ટીમે પહેલાંથી જ વોટર્સ અને દાનકર્તાઓ વચ્ચે રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે પહોંચવાનું શરૂ કરી દીધું છે. તેમના અભિયાનમાં ભારતીય-અમેરિકીઓને પ્રમુખ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

 તુલસી ગબાર્ડ પહેલાંથી ભારતીય મૂળના અમેરિકી નાગિરકો વચ્ચે લોકપ્રિય છે. ભારતીય-અમેરિકીઓનો સમૂહ, યહૂદી અમેરિકીઓ પછી દેશના સૌથી વધુ પ્રભાવશાળી અને અમીર ગ્રુપ માનવામાં આવે છે. આ કારણે જ અમેરિકાના 50માં રાજ્ય હવાઈથી સતત જીત મેળવી રહ્યાં છે.ચાર વખતની સાંસદ તુલસી ભારત અમેરિકાના સંબંધો માટે મહત્વના સમર્થક છે.  તેઓ હાલ હાઉસની તાકાતવર આર્મ્ડ સર્વિસ કમિટી અને વિદેશી બાબતોની કમિટીની સભ્ય છે.

ગબાર્ડ મૂળરૂપથી ભારતના નથી. તેમનો જન્મ અમેરિકાના સમોઆમાં એક કેથેલિક પરિવારમાં થયો છે. તેમના માતા કોકશિય (એશિયાઈ મહાદ્વીપથી સંબંધિત) હિંદુ છે. જે અંતર્ગત તુલસી ગબાર્ડ શરૂઆતથી જ હિંદુ ધર્મના અનુયાયી રહ્યા  છે. જો ગબાર્ડ પ્રેસિડન્ટ  પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરે તો કોઈ મોટાં રાજકીય પક્ષ તરફથી વ્હાઈટ હાઉસ માટે ઉભા રહેનારા સૌપ્રથમ  હિંદુ ઉમેદવાર હશે. સાથે જ જો તેઓ ચૂંટાઈ આવે તો   અમેરિકાના પ્રથમ મહિલા અને સૌથી યુવા પ્રેસિડન્ટનું  બહુમાન  મેળવી શકે છે.

(10:28 pm IST)