Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

' મેમ્બર ઓફ ધ બ્રિટિશ અમ્પાયર (MBE) ' : બ્રિટનની સરકારી સ્કૂલોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપતી ભારતીય મૂળની મહિલા સુશ્રી અમિકા જ્યોર્જને MBE એવોર્ડ

લંડન : બ્રિટનની સરકારી સ્કૂલોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપતી ભારતીય મૂળની મહિલા સુશ્રી અમિકા જ્યોર્જને  મેમ્બર ઓફ ધ બ્રિટિશ અમ્પાયર  (MBE) એવોર્ડ એનાયત કરાયો છે. જે દેશનો ત્રીજા નંબરનો સર્વોચ્ચ રેન્કિંગ અવોર્ડ છે. અન્ય લોકો માટે પ્રેરણા બનતા લોકોને આ અવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે.

કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં હિસ્ટ્રીની સ્ટુડન્ટ અમિકાનાં માતા-પિતા કેરળના રહેવાસી છે. અમિકા ઘણા વર્ષોથી બ્રિટનની સ્કૂલો અને કોલેજોમાં ફ્રી પીરિયડ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે છે. અમિકા 17 વર્ષની હતી ત્યારે તેણે આ અભિયાનની શરુઆત કરી હતી.

એવોર્ડથી હર્ષિત થયેલી અમિકાએ કહ્યું હતું કે આ અભિયાનનો રસ્તો મારા માટે સરળ રહ્યો નથી. આ અવોર્ડ એ મારા માટે લાઈફનું સૌથી મોટું સન્માન છે. યુવાનોનાં અવાજમાં કેટલો દમ છે તે સોસાયટીને દેખાડવું ઘણું જરૂરી છે. તમે વિચારો છો તેના અનેક ગણી શક્તિ યુવાનોનાં અવાજમાં હોય છે. તેઓ મનમાં કોઈ વાત નક્કી કરી લે તો કોઈ પણ તેને એ કામ કરવાથી રોકી ના શકે.

અમિકાએ જોયું કે, બ્રિટનમાં ઘણી છોકરીઓ પાસે સેનેટરી પેડ ખરીદવાના રૂપિયા ના હોવાથી તેઓ સ્કૂલે જઈ શકતી નહોતી. આ જાણ્યા પછી અમિકાનાં ફ્રી સેનેટરી પેડ્સ આપવાના પ્રયત્નો ચાલુ છે. ઘણા સેલેબ્સ અને મિનિસ્ટર પણ અમિકાનાં વખાણ કરી ચૂક્યા છે.

અમિકા અને તેના ભાઈનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો અને તેમનો ઉછેર પણ ત્યાં જ થયો છે. અમિકાની માતા નિશાએ કહ્યું, અમે અમિકાનું હાર્ડ વર્ક જોયું છે. છેલ્લા ચાર વર્ષથી તે પોતાના અભ્યાસની સાથે કેમ્પેન કરી રહી છે. તે જે રસ્તે જઈ રહી છે તે જોઇને અમને ઘણી ખુશી થઇ છે અમને અમિકા પર ગર્વ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:45 pm IST)