Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ન્યુજર્સીમાં યોજાઇ ગયેલી બેઠકઃ હાસ્ય હિલ્લોળ પુસ્તકનું લોકાર્પણ કરાયું: વ્યંગલેખોના ચૂંટેલા અંશોનું પઠન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની દ્વિતીય વર્ષની પ્રથમ બેઠકમાં ગુજરાતી સાહિત્યના શિરમોર હાસ્ય લેખક સ્વ. હરનીશ જાનીના પત્ની શ્રીમતી હંસાબહેન જાનીના હસ્તે હાસ્યલેખોનું અદ્વિતીય પુસ્તક હાસ્ય હિલ્લોળપુસ્તકનું લોકાર્પણ થયું અને બેઠકના બીજા દોરમાં જાણીતા બ્લોગર અને રેશનાલીસ્ટ તથા સર્જક શ્રી ભૂપેન્દ્રસિંહ રાઓલે એમની સર્જિત વ્યંગકથાઓમાંથી ચૂંટેલા અંશોનું વાંચન કર્યું હતું.

બેઠકના પ્રારંભે મહામંત્રી શ્રી નંદિતા ઠાકોરે ઉપસ્થીતોનું સ્વાગત કર્યું હતું અને વક્તા શ્રી ભુપેન્દ્રસિંહનો પરિચય કરાવ્યો હતો.

સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકા એ સાહિત્ય સંસદ સાંતાકૃઝનું વિસ્તારિત સ્વરૂપ છે. સાહિત્ય સંસદ સાંતાકૃઝનાં અધ્યક્ષ શ્રી કનુભાઈ સૂચક હાલ અમેરિકાના પ્રવાસે છે આથી એમની હાજરીમાં જ  સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની બેઠક ન્યૂજર્સીમાં તેમના નિવાસસ્થાને રવિવાર તા: ૭ એપ્રિલ ૨૦૧૯ના રોજ મળી હતી. હાસ્ય હિલ્લોળ પુસ્તક વિષે શ્રી કનુભાઈએ જણાવ્યું કે સાહિત્ય સંસદ સાંતાકૃઝ દ્વારા વર્ષ ૨૦૧૭માં સૌ પ્રથમવાર હાસ્ય રચના સ્પર્ધા યોજવામાં આવી. ગુજરાતી સાહિત્યમાં હાંશીયે ધકેલાઈ ગયેલા હાસ્ય સાહિત્યને ઉત્તેજન આપવા સારું હાસ્ય સાહિત્યને જ સ્પર્ધાનો વિષય બનાવ્યો. ગુજરાતી ભાષામાં અન્ય વિધાઓમાં લખતા સર્જકો પણ હાસ્યવિષયક લખતા થાય એ માટેનો આ પ્રયાસ હતો. અમારી નિઃસ્વાર્થ અપેક્ષાનો અનપેક્ષિત પડઘો પડ્યો અને દેશવિદેશમાં વસતા સિદ્ધહસ્ત હાસ્ય લેખકોએ, પ્રસ્થાપિત હાસ્ય લેખકોએ અને ઘણાબધા નવોદિતોએ સ્પર્ધામાં ઉમળકાભેર હિસ્સેદારી કરી પરિણામે ૧૨૩ જેટલી હાસ્ય સાહિત્યની રચનાઓ પ્રાપ્ત થઈ. સ્પર્ધાને અંતે જે નીપજે તે ઉત્તમોત્તમ નીપજે એવું આયોજન કરવામાં આવ્યું હતું અને એ માટે અત્યંત કડક નિયમો અને સહેજ પણ છીંડું ના રહી જાય એવું ચુસ્ત આયોજન કરાયેલું. સ્પર્ધાની વિજેતા કૃતિઓ ઉપરાંત અન્ય ૨૮ ઉત્તમ કૃતિઓને સમાવીને સુંદર પુસ્તક તૈયાર થયું હાસ્ય હિલ્લોળ”.  ગુજરાતી સાહિત્યનાં શ્રેષ્ઠતમ સર્જકો શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી ધીરૂબહેન પટેલ અને શ્રી દીપક દોશીને સ્પર્ધાના નિર્ણાયકો પસંદ કરાયાં હતાં જેઓ જ આ પુસ્તકના સંપાદકો પણ છે. આ પુસ્તક ગુજરાતી ભાષાના શિરમોર હાસ્ય લેખક સ્વ. હરનીશ જાનીને અર્પણ કરાયું છે પરંતુ કમનસીબે પુસ્તક ત્યાર થયું એના ત્રણ મહિના અગાઉ જ તેઓ અવસાન પામ્યા આથી એમના પત્ની શ્રીમતી હંસાબહેન જાનીના હસ્તે એનું વિમોચન કરાયું. આ પુસ્તક $ 15.૦૦ ની કીમતે વેચાણ માટે મુકાયું હતું. પુસ્તક વેચાણમાંથી અમેરિકા અને ભારતમાંથી પ્રાપ્ત રાશિમાંથી દર બે વર્ષે હાસ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવાની શ્રી કનુભાઈએ જાહેરાત કરી હતી.

સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાનાં પ્રમુખ શ્રી વિજય ઠક્કરે સ્વ. શ્રી હરનીશ જાનીનો પરિચય કરાવ્યો હતો અને વક્તા શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલને એમની રજૂઆત માટે આવકાર્યા હતા. બેઠકના બીજા દોરમાં ભૂપેન્દ્રસિંહ રાઓલે તેમના વ્યંગલેખોના લેખસંગ્રહ નર્કારોહણમાંથી કેટલાંક ચૂંટેલા અંશોનું પઠન કર્યું. શ્રી રાઓલે અત્યંત સબળ પરિકલ્પના આધારિત પ્રયોગાત્મક અભિવ્યક્તિમાં પૌરાણિક મહાગ્રંથો મહાભારત અને રામાયણના પાત્રોને પૌરાણિક અને આધુનિક સંદર્ભથી નોખા પ્રકારે અભિવ્યક્ત કર્યા છે. કુંતા દ્રૌપદી સીતા અને કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો સાથે વિસંવાદિત પ્રશ્નોને સંવાદના માધ્યમથી પૌરાણિક અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં ચર્ચ્યા છે અને મૂલવ્યા છે. સ્ત્રી પાત્રો પ્રત્યેના કથિત અન્યાયને તર્કની તુલામાં તોલ્યા છે. શ્રી ભૂપેન્દ્રસિંહની ખાસિયત એ છે કે તેઓ એમના લેખન કે કથનમાં ડંખ વગરના વ્યંગથી હાસ્ય નિપજાવે છે.

શ્રી રાઓલની રજૂઆત બાદ ઉપસ્થિત ભાવકોએ એમના લેખન અને કથન પરત્વે અભિપ્રાય આપ્યા હતા અને એમની વિભાવનાને વધાવી હતી.

સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની દ્વિતીય વર્ષની પ્રથમ બેઠકમાં ગુજરાત લિટરરી એકેડેમીના અધ્યક્ષ શ્રી રામ ગઢવી જાણીતા નાટ્યકાર અને વાર્તાકાર શ્રી મધુ રાય, ગુજરાત દર્પણ સામયિકના તંત્રી શ્રી સુભાષ શાહ, ગુર્જરી ડાયજેસ્ટનાં સંપાદક તંત્રી શ્રી કિશોર દેસાઈ, પ્રતિષ્ઠિત અનુવાદક શ્રી અશોક મેઘાણી, ખૂબ જાણીતા સર્જક શ્રી અશોક વિધ્વંસ, જાણીતા વાર્તાકાર શ્રી પ્રવીણ શાસ્ત્રી, સાહિત્ય સંસદના ઉપપ્રમુખ ડોક્ટર નીલેશ રાણા,પ્રતિષ્ઠિત સાઈકો થેરેપીસ્ટ શ્રી આર.ડી.પટેલ, સર્જકો સર્વ શ્રી સુબોધ શાહ, સુરેન્દ્ર ગાંધી, અમૃત હજારી, મહામંત્રી શ્રી સુચિ વ્યાસ, કોષાધ્યક્ષ શ્રી કોકિલા રાવલ ઉપરાંત ફ્રેન્ડસ ઑફ ફીલાડેલ્ફિયાના સદસ્યો અને ટ્રાય સ્ટેટનાં સાહિત્ય રસિક ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. તેવું સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી વિજય ઠક્કરની યાદી જણાવે છે.

(8:01 pm IST)
  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST