Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

''રત્ન ઓનર્સ એવોર્ડ'': યુ.એસ.ના કેલિફોર્નિયામાં ડોનેશન, શિક્ષણ, મેડીકલ, સહિત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ઇન્ડિયન અમેરિકન મહિલાઓનું બહુમાનઃ શ્રી સુરૂ માણેક તથા શ્રી અરવિંદ જોશી આયોજીત પ્રોગ્રામમાં સુશ્રી ઉષાબેન જે.શાહ સહિત ૯ મહિલાઓને સર્ટિફિકેટ તથા પૂષ્પગૂચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું: આગામી દિવસોમાં જરૂરિયાતમંદ પ્રજાજનો માટે જલારામ સેન્ટરના નેજા હેઠળ સૂપ કિચન શરૂ કરાશે

કેલિફોર્નિયાઃ ડોનેશન, શિક્ષણ,મેડીકલ, સોશીઅલ તથા સેવા સહિત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ઇન્ડિયન અમેરિકન મહિલાઓને ''રત્ન ઓનર્સ એવોર્ડ'' આપવાનો પ્રોગ્રામ તાજેતરમાં યુ.એસ.ના રિત્ઝ ગાર્ડન બેન્કવેટ કેલિફોર્નિયા ખાતે ૨૪ ફેબ્રુ.ના રોજ યોજાઇ ગયો.

શ્રી સુરૂ માણેક તથા શ્રી અરવિંદ જોષી આયોજીત આ પ્રોગ્રામમાં ૯ નારી રત્નોનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય બાદ ભારત તથા અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. બાદમાં સુશ્રી આરતી માણેકના ડાન્સનો પ્રોગ્રામ યોજાયો હતો.

આ પ્રસંગે સન્માનિત કરાયેલ ૯ ઇન્ડિયન અમેરિકન મહિલાઓમાં સુશ્રી ઉષા જે શાહ, સુશ્રી ચંદ્રિકા શાહ સુશ્રી રેખા બજરીયા, સુશ્રી ઇલાબેન મહેતા, સુશ્રી પ્રતિમા દોશી, સુશ્રી પ્રફુલ્લા આર શાહ, સુશ્રી નલિનીબેન સોલંકી, સુશ્રી ભારતીબેન લુંગારીઆ, તથા સુશ્રી પ્રમિલાબેન ખેતાણીનો સમાવેશ થયો હતો. જે તમામને સર્ટિફિકેટ, તથા પૂષ્પગૂચ્છ સાથે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ તકે શ્રી સુરૂ માણેકએ આગામી દિવસોમાં જરૂરિયાતમંદ પ્રજાજનો માટે જલારામ સેન્ટરના નેજા હેઠળ તથા ડીવાઇન આર્ટ ઓફ યોગા સેન્ટર સાથેના સહયોગથી જલારામ સેન્ટર સૂપ કિચન શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. તથા ૧૭ મેથી મલ્ટીકલ્ચરીઝમ પ્રોજેકટ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. 

 

(7:51 pm IST)