Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમેરિકાના શટડાઉનની વ્હાઇટ હાઉસના રસોડા ઉપર પણ અસર : પ્રેસિડન્ટ ટ્રમ્પ સહિતના મહેમાનોને જમાડતો રસોડાનો સ્ટાફ પગાર ન મળતા રજા ઉપર ઉતરી ગયો : આમંત્રિત મહેમાનોને ટ્રમ્પએ પોતાના પૈસે બહારથી ફાસ્ટ ફૂડ મંગાવી જમાડ્યા

વોશિંગટન : અમેરિકાના અત્યાર સુધીના સૌથી લાંબા શટડાઉનની અસર હવે વ્હાઇટ હાઉસના રસોડા ઉપર પણ પડી છે.જે મુજબ પ્રેસિડન્ટ  ટ્રંપએ અમેરિકી કોલેજ ફુટબોલ ચેમ્પિયનશિપની વિજેતા ટીમને વાઈટ હાઉસમાં લંચ માટે બોલાવી હતી પરંતુ તે સમયે વાઈટ હાઉસના કિચનનો સ્ટાફ રજા પર ઉતરી ગયો હોવાથી મહેમાનો માટે ફાસ્ટફૂડ મંગાવવામાં આવ્યું. વાઈટ હાઉસમાં મહેમાન બની આવેલા લોકોએ આ કારણે પિઝા અને બર્ગર ખાઈ કામ ચલાવવું પડ્યું. જો કે રાષ્ટ્રપતિ ટ્રંપએ આ તમામ વસ્તુઓ પોતાના ખર્ચે મંગાવી અને મહેમાનોને જમાડ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રંપએ એલાન કર્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ બન્યા તો તે મેક્સિકો સીમા પર દીવાલ ચણાવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રંપએ આ કામ કરવાની શરૂઆત પણ કરાવી અને આ કામ માટે સંસદ પાસેથી બજેટ ઉપરાંત 5.7 અરબ ડોલરની માંગ કરી. પરંતુ આ રકમ ફાળવવા માટે સહમતિ બની નહીં અને તેના વિરોધમાં અમેરિકામાં શટડાઉનની સ્થિતી સર્જાઈ છે. આ શટડાઉનના કારણે 8 લાખ સંઘીય કર્મચારી પ્રભાવિત થયા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બિલ ક્લિંટનના સમયમાં સૌથી લાંબુ શટડાઉન અમેરિકામાં ચાલ્યું હતું જેનો સમય 21 દિવસનો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:51 pm IST)