Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વિદેશોમાં વસતા 1 કરોડ ઉપરાંત NRI મતદારો આગામી લોકસભાની ચૂંટણીઓમાં નિર્ણાયક ભાગ ભજવશે : આ મતો અંકે કરવા ભાજપ દ્વારા વિવિધ માધ્યમો વડે શરૂ થઇ ગયેલી તડામાર તૈયારીઓ

ન્યુ દિલ્હી : NRI મતદાર પોતાના મત વિસ્તારમાં પ્રોક્સી વોટિંગ કરી શકશે.એટલે કે પોતાના અધિકૃત પ્રતિનિધિ દ્વારા પસંદગીના ઉમેદવારને મત આપી શકશે.આ માટેનું બિલ લોકસભામાં પસાર થઇ ગયું છે. હવે આ વિદેશોમાં વસતા ભારતીય મતદારોના મતો અંકે કરવા ભાજપ એ વિવિધ માધ્યમો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશની કુલ 543 લોકસભા બેઠકો પર આશરે 1.1 કરોડ NRI મતો રહેલા છે. જેના હિસાબે તમામ લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 21,000 મત રહેલાં છે. જો તે મત કોઈ પણ પક્ષમાં પડશે તો તેની અસર સીધી ચૂંટણીના પરિણામો પર થશે. જેની સાથે જ NRIના ભારતમાં રહેતા પરિવાર પર પણ તેની અસર જોવા મળી શકે છે. તેની ગણતરી કંઈક આ પ્રમાણે હશે, જો માની લઈ કે એક પરિવારમાં 3 સભ્ય હોય અને એક NRI હોય તો સરેરાશ 60 હજારથી વધુ મત હશે જેના પર સીધે સીધો NRIનો પ્રભાવ હશે. જેનાથી જીતના અંતર પણ અસર થશે અને તે ર્નિણાયક સાબિત થશે.

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી એ 54થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે. તેઓ જ્યારે પણ વિદેશના પ્રવાસે જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીયો અને NRIને સંબોધિત કરતાં રહે છે. અને જ્યાં પણ દેશોમાં મોટી સંખ્યામાં NRI હોય છે ત્યાં વડાપ્રધાન દ્વારા મેગા શો કરવામાં આવતાં રહેતા હોય છે. એટલું જ નહીં વિદેશમાં રહેતાં ભારતીયો અને NRI વચ્ચે મોદી ઘણાં જ લોકપ્રિય છે. જે જોતાં ભાજપ માટે આગામી લોકસભાની ચૂંટણીમાં NRI વોટબેન્ક જીત માટે હુકમનું પત્તું સાબિત થઈ શકે છે.

(7:08 pm IST)