Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના કહેર વચ્ચે અમેરિકામાં ફ્લોરિડાનો સુપ્રસિદ્ધ ડિઝની પાર્ક ખુલ્લો મુકાયો : હોલીવુડ સ્ટુડિયો પણ બુધવારથી ખુલી જશે : ટ્વીટર ઉપર લોકોની કરી ટીકા

ફ્લોરિડા : દર વર્ષે જે સ્થળે 2 કરોડ ઉપરાંત મુલાકાતીઓ આવે છે તે અમેરિકાના ફ્લોરિડામાં આવેલો વિશ્વ વિખ્યાત ડિઝની પાર્ક શનિવારથી ખુલ્લો મૂકી દેવાયો છે.કોરોના કહેર વચ્ચે પણ આ પાર્ક ખુલ્લો મૂકી દેવા બદલ  સોશિઅલ મીડિયામાં ટીકાઓ થઇ રહી છે.
રાજ્યમાં ભયાનક વાઈરસ સંક્રમણ વચ્ચે હજારો લોકો શનિવારે ખુલ્લા મુકાયેલા ડિઝની વર્લ્ડમાં પહોંચ્યા હતા. ઓરલેન્ડોની નજીક આવેલા વિશાળ રિસોર્ટના ચારમાંથી બે મુખ્ય પાર્ક- મેજિક કિંગડમ અને એનિમલ કિંગડમ જ ખુલ્લા મુકાયા છે. અહીં તાપમાનની તપાસ પછી પ્રવેશ અપાયો હતો. સુરક્ષા માટે પાર્કમાં કેટલાક વિભાગ બંધ રખાયા છે. ડિઝનીના હોલિવૂડ સ્ટૂડિયો બુધવારથી ખુલશે.
ફ્લોરિડામાં શનિવારે 10,360 નવા દર્દી મળ્યા છે. કોરોનાનો ચેપ ફેલાયા પછી આ ત્રીજી મોટી સંખ્યા છે. ડિઝનીએ અત્યંત ખતરનાક સમયમાં પાર્ક ખોલવાનું જોખમ ઉઠાવ્યું છે. મોટાભાગના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. ડિઝનીના દરેક કર્મચારીએ મસ્ક અને ફેસ શીલ્ડ પહેર્યા હતા. ડિઝનીએ જણાવ્યું નથી કે કેટલા લોકો આવ્યા હતા. લોકોને રાઈડ માટે પાંચ મિનિટથી વધુ રાહ જોવી પડી ન હતી.
આ દુનિયામાં ડિઝનીનો સૌથી વધુ વ્યસ્ત રહેતો પાર્ક છે. અહીં ગયા વર્ષે બે કરોડ 10 લાખ લોકો આવ્યા હતા. દર્શકોની સંખ્યા મર્યાદિત રાખવા માટે ઓનલાઈન ટિકિટ વેચાઈ  હતી. ડિઝનીએ 24 જુનના રોજ ટિકિટ માટે સાઈટ ખોલી હતી. જુલાઈ મહિનાની કેટલાક દિસની ટિકિટો વેચાઈ ગઈ છે. કંપનીએ ચાર હજાર હેન્ડ સેનિટાઈઝિંગ સ્ટેશન બનાવ્યા છે. રેસ્ટોરન્ટમાં મોબાઈલ ફોનથી ઓર્ડરની સુવિધા છે. ડિઝની થીમ પાર્કના ચેરમેન જોશ અમારોએ કહ્યું કે, લોકો ડિઝની પર વિશ્વાસ મુકે છે.
લોકોએ ટ્વિટર પર પાર્ક ખોલવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. લોકોએ બેજવાબદાર, નિરાશાજનક જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. કોરોનના લીધે ડિઝનીને ભારે નુકસાન થયું છે. 2019માં તેણે પોતાના 14 થીમ પાર્કમાં વિક્રમી નફો રળ્યો હતો. અત્યારે પણ અનેક પાર્ક બંધ છે. વિશ્લેષકોનું અનુમાન છે કે, ડિઝનીને જુનમાં સમાપ્ત ત્રિમાસિકમાં રૂ. 7500 કરોડનું નુકસાન થઈ શકે છે. તેણે લગભગ રૂ.98 હજાર કરોડની નવી લોન લીધી છે. લગભગ એક લાખ કર્મચારીઓને 80% વેતન સાથે રજા પર મોકલી દેવાય છે અને અધિકારીઓનો પગાર કાપી નખાયો છે.

(11:04 am IST)