Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઓસ્ટ્રેલિયાના નાગરિકોને હાલના સંજોગોમાં ચીન ન જવા પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસની અપીલ : મન ફાવે તેવા કાયદા હેઠળ વિદેશી નાગરિકોની ધરપકડ કરી રહ્યું હોવાની ચેતવણી

કેનબેરા : ઓસ્ટ્રેલિયાના નાગરિકોને હાલના સંજોગોમાં ચીન ન જવા પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરીસે અપીલ કરી છે.તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે ચીન મન ફાવે તેવા કાયદા હેઠળ વિદેશી નાગરિકોની ધરપકડ કરી રહ્યું છે. આ અંગે  ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ તરફથી જાહેર કરાયેલી એક ટ્રાવેલ એડવાયઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ચીન વિદેશી નાગરિકોને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણી કસ્ટડીમાં લઇ રહ્યુ છે. એવામાં ઓસ્ટ્રેલિયન નાગરિકોએ ત્યાં જવુ ખતરાથી ખાલી નથી.  
જોકે વિભાગ દ્વારા સ્પષ્ટ નથી કરવામાં આવ્યુ કે આ એડવાયઝરી પાછળનું મુખ્ય કારણ શું છે. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, ઓસ્ટ્રેલિયા એવા 66 દેશોમાં સામેલ છે જેમાં કોરોના વાયરસના સ્ત્રોતની સ્વતંત્ર તપાસ કરવાના મુદ્દે પોતાની હાજરી પુરાવી હતી, જેને લઇને ચીન હવે તેના નાગરિકો સામે કાર્યવાહી કરી રહ્યુ છે.
વિતેલા દિવસોમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને એમ પણ જાહેરાત કરી હતી કે તેમની સરકાર ચીનથી ખતરાના મુદ્દે હોંગકોંગના લોકોને સુરક્ષા આપી શકે છે. ચીન દ્વારા વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને હોંગકોંગમાં લાગુ કર્યા પછી ત્યાંના સ્થાનિકો પર પ્રતિબંધો વધી ગયા છે.

(6:20 pm IST)