Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમેરિકાની પોલીસ રંગભેદ રાખતી હોવાની કબૂલાત : એટર્ની જનરલ વિલિયમનો એકરાર : મે મહિનામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની હત્યામાં પોલીસનું વલણ બિનજવાબદાર રહ્યું હતું

વોશિંગટન : અમેરિકાની પોલીસ રંગભેદ રાખે છે તેવો એકરાર ખુદ એટર્ની જનરલ વિલિયમે કર્યો છે.વિલિયમે કહ્યું કે, મારે એ કહેવું જ પડશે કે અમારી પોલીસ ગોરા-કાળામાં ભેદભાવ કરે છે, જે સારી વાત નથી. 25 મેના રોજ જ્યોર્જની પોલીસે એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન એક પોલીસ ઓફિસરે 8 મિનિટ સુધી ઘૂંટણથી જ્યોર્જનું ગળુ દબાવીને રાખ્યું હતું અને તેનું મોત થયુ હતું. અમેરિકામાં આ વિશે હિંસક પ્રદર્શન પણ થયા હતા.
વિલિયમે એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુમાં જ્યોર્જ મામલે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું- જે થયું તે ઘણું ખોટું થયું છે. અમેરિકામાં એવું માનવામાં આવે છે કે, અહીં પોલીસ ગોરા-કાળા વચ્ચે ભેદભાવ રાખે છે. તેમના કેસમાં અલગ અલગ રીતે વર્તન કરવામાં આવે છે. આવું બિલકુલ ન થવું જોઈએ. આફ્રિકા-અમેરિકન્સ પુરુષોના મનમાં તો આ ભેદભાદની વાત ખૂબ ઉંડાણ પૂર્વક ઉતરી ગઈ છે.
રંગભેદ અથવા વંશવાદ વિશે વિલિયમના નિવેદનથી એવું લાગે છે કે, આ મુદ્દે તેઓ ટ્રમ્પ પ્રશાસન સાથે નથી. થોડા દિવસ પહેલાં વ્હાઈટ હાઉસના ઈકોનોમિ એડ્વાઈઝર લૈરી કુડલોએ જણાવ્યું હતું કે, પ્રશાસન અથવા પોલીસમાં વંશવાદ જેવી કોઈ વસ્તુ નથી. હવે વિલિયમ તેમના જ સહયોગીઓના દાવાને નકારી રહ્યા છે.
વિલિયમે કહ્યું, મને કહેવામાં કોઈ વાંધો નથી કે, વંશવાદ સંબંધી આરોપો પર આપણે ઝડપથી ખામીઓ દૂર કરવી પડશે. તે વિશે કાર્યવાહી કરવી પડશે. જ્યોર્જની ઘટના સામે આવ્યા પહેલાં હું પણ આવું માનતો હતો કે આવી કોઈ વાત નથી. પરંતુ જે સત્ય છે તેને પણ તમે નકારી ના શકો. કાયદાકીય એજન્સીની એવી જવાબદારી છે કે, તેઓ આફ્રિકા-અમેરિકન્સ લોકોના મનમાં વિશ્વાસ ઉભો કરે કે, દરેક અમેરિકન્સ સાથે એક જેવું જ વર્તન કરવામાં આવશે.

(1:08 pm IST)