Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

યુ.એસ.ના હયુસ્‍ટનમાં બાઇસિકલ ઉપર જઇ રહેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલાને બમ્‍પરે અડફેટમાં લઇ લીધાઃ રાઇસ યુનિવર્સિટી પાસેના જોખમી વળાંક નજીક ટ્રક ડ્રાઇવરની બેદરકારીએ ૩૦ વર્ષીય સુદિપ્‍તા રોયનો ભોગ લીધોઃ કોર્ટ કેસ દાખલ

હયુસ્‍ટનઃ યુ.એસ.માં હયુસ્‍ટન ટેકસાસ સ્‍થિત રાઇસ યુનિવર્સિટી નજીક આવેલ અટપટો એવો જોખમી વળાંક ઓળંગતી વખતે બાઇસિકલ પર જઇ રહેલી ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૦ વર્ષીય સુદીપ્‍તા રોયને બમ્‍પરે અડફેટમાં લઇ લેતા તેમનું તાત્‍કાલિક કરૂણ મોત નિપજ્‍યુ છે.

૩૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ બનેલી ઘટના મુજબ હયુસ્‍ટનની એકયુરાકેર નર્સીગ હોમમાં અધિકૃત નર્સીગ આસીસ્‍ટન્‍ટ તરીકે જોડાયેલા સુદીપ્‍તા રોય કે જેમના પતિ ઉજ્જલ ભટ્ટાચાજી રાઇસ યુનિવર્સિટીમાં પોસ્‍ટ ડોકટરલ ફેલો છે. તેમને કેમ્‍પસમાં મળી પરત ફરી રહ્યા હતા ત્‍યારે યુનિવર્સિટી નજીકના અટપટા તથા જોખમી ગણાંતા ક્રોસીંગને ઓળંગતી વખતે ઉપકોક્‍ત દુર્ઘટના સર્જાઇ હતી.તેઓ યોગ્‍ય તથા કાયદેસર નિયમ મુજબ બાઇસિકલ ચલાવી રહ્યા હોવા છતાં ટ્રક ડ્રાઇવરે તેમને ઓવરટેક કરી બેદરકારી પૂર્વક ડ્રાઇવીંગ કરી પાછલા વ્‍હીલમાં ચગદી નાખતા સુદીપ્‍તાના પતિએ સાત મે ૨૦૧૮ના રોજ કોર્ટ કેસ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આ જોખમી ક્રોસીંગએ ગયા વર્ષે પણ એક પ્રોફેસરનો ભોગ લીધો હતો. તે જ જગ્‍યાએ ફરીથી આવી ઘટના સર્જાતા યુનિવર્સિટીના સાયકલિસ્‍ટસ તેમજ ઓર્ગેનાઇઝેશન બાઇક હયુસ્‍ટનએ રાહદારીઓ, સાયકલ તથા બાઇક સવારોની સલામતિ જાળવવા આ ક્રોસીંગ રસ્‍તામાં ફેરફાર કરવા દેખાવો કર્યા હતા.

મૃતકની અંતિમયાત્રામાં મદદરૂપ થવા તેમના સંબંધીઓએ નક્કી કરેલા પાંચ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક સામે પંદર હજાર ડોલર ભેગા થઇ ગયા હતા. મૃતદેહને અંતિમવિધિ માટે ભારત લઇ જવાયો છે.  

(8:57 pm IST)