Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભારતના મધ્યપ્રદેશમાં આવેલી SGML આઇ હોસ્પિટલના લાભાર્થે યુ.એસ.ના ન્યુજર્સીમાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ હોસ્પિટલમાં અદ્યતન સાધનો વસાવવા ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપવા બદલ શ્રી હિતેષ તથા શ્રી કિમ ભટ્ટનું સન્માન કરાયું: ઓમકારાએ રજુ કરેલ સુનહરી યાદે સાથેના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બોલીવુડના લોકપ્રિય ગીતો તથા લાઇવ મ્યુઝીકથી ઉપસ્થિતો આફરિન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ભારતના મધ્યપ્રદેશમાં ઉજજૈન નજીક આવેલી શિવ જ્ઞાન મોતી લાલ (SGML) આઇ હોસ્પિટલના લાભાર્થે યુ.એસ.ના ન્યુજર્સીમાં ૧૦ નવેં.૨૦૧૯ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો.

હોસ્પિટલના ફાઉન્ડર શ્રી શાસ્ત્રી આનંદ જીવનદાસજીના આશિર્વાદ સાથે રોયલ આલ્બર્ટ પેલેસ,૧૦૫૦, કિંગ જયોર્જીસ પોસ્ટ રોડ, ન્યુજર્સી મુકામે યોજાયેલા આ ફંડ રાઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોની આંખોની સારવાર માટે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મેડીકલ રિસર્ચ ફાઉન્ડેશન ઉજજૈન, તથા નોન પ્રોફિટ ત્રિનેત્ર મેડીકલ ઇન્સ્ટીટયુટ ઓફ યુ.એસ.એ. ચેરીટીઝના ઉપક્રમે ઓમકારા બોલીવુડ મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. સુનહરી યાદે સાથેના આ પ્રોગ્રામમાં છેલ્લા ૬ દસકાના બોલીવુડ લોકપ્રિય ગીતો તથા લાઇવ મ્યુઝીકની રમઝટથી દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

પ્રોગ્રામની શરૂઆતમાં SGML હોસ્પિટલની કામગીરી તથા ભાવિ લક્ષ્યાંક વિષયક માહિતી આપવાની સાથે માસ્ટર ઓફ સેરિમની તથા આર.જે.શ્રી સંજીવ પંડયાએ સહુનુ સ્વાગત કર્યુ હતું. તથા સહુને આ ઉદાત કાર્યમાં ઉદાર હાથે ડોનેશન આપવા અનુરોધ કર્યો હતો.

SGML હોસ્પિટલ પ્રોજેકટ માટેના સ્થાનિક સમર્થકો ડો.તુષાર પટેલ તથા શ્રી સ્પર્શીલ પટેલએ આ પ્રોજેકટનું મહત્વ સમજાવી મધ્ય પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ લોકોની આંખોની સારવાર માટે ડોનેશન આપવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત શ્રી દુષ્યંત પટેલ, શ્રી સદગૂન અમિન કે જેઓ ત્રિનેત્ર મેડીકલ ઇન્સ્ટીટયુટ ઓફ યુ.એસ.એ.ના ટ્રસ્ટી છે તેમણે હોસ્પિટલના બાંધકામ તથા ભાવિ આયોજનની રૂપરેખા આપી હતી. તથા જણાવ્યું હતું કે નવેં.૨૦૨૦માં નવી હોસ્પિટલનું ઉદઘાટન થઇ જાય તેવું વર્તમાન આયોજન છે.

આ તકે ત્રિનેત્ર મેડીકલ ઇન્સ્ટીટયુટને લેટેસ્ટ ટેકનોલોજી સાથેનું લેપટોપ તથા SGML હોસ્પિટલને અદ્યતન સાધનો વસાવવા માટે ર લાખ ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપવા બદલ ભટ્ટ ફાઉન્ડેશનના શ્રી હિતેષ તથા શ્રી કિમ ભટ્ટને સ્ટેજ ઉપર બોલાવી સન્માનિત કરાયા હતા. જેઓને સહુ ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

મનોરંજનના માધ્યમથી સંસ્કૃતિનું નિદર્શન કરવા ૨૦૧૩ની સાલથી કાર્યરત ઓમકારા ઓર્ગેનાઇઝેશન દ્વારા રજુ કરાયેલ સુનહરી યાદેના બીજા ભાગમાં સ્થાનિક કલાકારો શ્રી રાકેશ રાજ, શ્રી તન્મયી મોહાયાત્રા, તથા ડો.તુષાર પટેલ, તેમજ સુશ્રી અંકિતા બ્રામે ઉપરાંત મુંબઇના સંગીતકારોએ ૩ કલાક સુધી લાઇવ પ્રોગ્રામ રજુ કરી પ્રેક્ષકોની વાહવાહી મેળવી હતી. ફંડ રેઇઝીંગ પ્રોગ્રામને સમર્થન આપવામાં ભારતના શ્રી વિજય ગર્ગ તથા તેમની ટીમ, TV Asia, mana TV, ઇન્ડિયન પેનોરમાં, પરીખ વર્લ્ડ વાઇડ મિડીયા, અકિલા ડેઇલી, દિવ્ય ભાષ્કર, ગુજરાત દર્પણ તિરંગા, રેડિયો દિલ, દેસી કનેકટ NRI Teibune, ગુજરાત સમાચાર, સેન્ટીનેલ, SB પેચ તથા ઇન્ડિયા સહિતનાઓનો સમાવેશ થતો હતો. શ્રી જયેશ ભટ્ટએ ફોટોગ્રાફી સેવાઓ આપી હતી. શ્રી પરેશ પટેલ તથા શ્રી ચિરાગ પટેલએ વીડિયો સર્વિસ આપી હતી. શ્રી મુકેશ કાશીવાલાએ પ્રસારણ માટેના સાધનોની સેવા આપી હતી. આલ્બર્ટ પેલેસએ સ્વાદિષ્ટ ડીનર પુરૂ પાડ્યુ હતું.

આ ઉમદા પ્રોજેકટમાં ડોનેશન આપવા માટે ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ શ્રી સ્પર્શીલ પટેલ ૭૩૨-૭૩૫-૨૨૫૮ તથા સુશ્રી ઉષા પટેલનો કોન્ટેક નં.૭૩૨-૪૮૫-૬૩૯૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તમામ પ્રકારનું ડોનેશન ટેકસ મુકત છે. તેવું ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:07 pm IST)