Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શ્રીઉમીયાધામ શિકાગો મીડવેસ્ટ રીજીયનના ઉપક્રમે મા ઉમીયાજીના દ્વિતિય પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પાટોત્સવની રંગેચંગે થયેલી ઉજવણીઃ આ સંસ્થાના સંચાલકોએ ઉમીયા માતાજીના ભાવિ સ્થાન માટે ૨૯ એકર જેટલી જમીન ખરીદી એવી કરેલી જાહેરાતને સૌ હરિભકતોએ વધાવી લીધી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શ્રી ઉમીયાધામ શિકાગો મીડવેસ્ટ રીજીયનના ઉપક્રમે જૂન માસની ૩જી તારીખને રવીવારે કેરોલ સ્ટ્રીમ ટાઉનમાં આવેલ રાનારેગન કોમ્યુનીટી સેન્ટરમાં મા ઉમીયાજીના ધ્વિતીય પાટોત્સવ તેમજ તેમની પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી અને આ પ્રસંગે સમગ્ર શિકાગો તથા તેની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા માતાજીના ૭૦૦ જેટલા હરિભકતોએ હાજરી આપી હતી.

 આ પ્રસંગે બપોરે એક વાગે માતાજીની પાલખી પૂંજા તેમજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા અને તેમણે માતાજીના સામુહિક ભજનો તથા રાસ અને ગરબાઓ રજુ કર્યા હતા.

પાટોત્સવની ઉજવણી તથા મૂતિ પ્રતિષ્ઠાના પવિત્ર પ્રસંગો દરમ્યાન હવનનું આયોજન ખુલ્લા મેદાનમાં તૈયાર કરવામાં આવેલ તંબુમાં કરવામાં આવ્યુ હતુ અને તેમાં હરિભકતો ઝાડોથી છત્રછાયામાં બેઠા હતા અને જાણે વંૃદાવનમાં આ હવન થતો હોય તેવું સૌ હરિભકતો અનુભુતિ મેળવતા હોય તેમ લાગતુ હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમીયા માતાજીની પાલખીને વાજતેગાજતે પાછા રાનારેગન સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં આગળ પણ હરિભકતોએ મધુરકંઠે ભજનો ગાયા હતા.

મા ઉમીયાજીની મહા આરતીની ઉછામણીના પ્રસંગે આ સંસ્થાના ચેરમેન છોટાલાલ પટેલે પોતાના પ્રવચનમાં માતાજી પ્રત્યે હરિભકતો જે લાગણીઓ પ્રગટ કરી રહ્યા છે તે બદલ સૌને અભિનંદન આપ્યા હતા અને સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ વેળા તેમણે માતાજીના ભાવિસ્થાન માટે તેમજ ઇતર પ્રવૃતિઓ માટે ૨૯ એકર જમીન શામ્બર્ગ ટાઉનમાં આવેલ રોડ ૫૮ તેમજ ૫૯ના ક્રોસીંગ નજીક ૫૯ રોડની પશ્ચિમ બાજુએ આપણે ખરીદ કરેલ છે એવી કરેલ જાહેરાતને તમામ હરિભકતોએ ઉભા થઇને આવકારી હતી. મહાઆરતીની સાથે સાથે ૫૦ જેટલા હરિભકતોના પરિવારના સભ્યોએ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ હરિભકતોએ લાભ લીધો હતો.

ઉમીયા માતાજીના આ ધ્વિતીય પાટોત્સવ તેમજ પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવમાં ભારતીય સમાજના મોટા આગેવાનો તેમજ શિકાગોમાં જે ભીન્ન ભીન્ન પ્રકારની સંસ્થાઓ કાર્યવંત છે જેમાં માનવ સેવા મંદિર, ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો,યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો, સીનીયર સીટીઝન પરિવાર ઓફ એલ્જીત, ઇન્ડીયન સીનીયર્સ ઓફ શિકાગો, કડવા પાટીદાર સમાજ ઉઝા તથા જલારામ મંદિરના સ્વયંસેવકોનો સમાવેશ થાય છે તેઓ હરહંમેશ આ સંસ્થા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. 

(7:19 pm IST)