Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોવિદ -19 : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત વિવાદમાં : કોરોના વાઇરસથી થયેલા આટલા બધા મોત અંગે તમે મને નહીં ચીનને પૂછો : પત્રકાર પરિષદ પડતી મૂકી દઈ રવાના

વોશિંગટન : વિવાદાસ્પદ વિધાનો કરવા અને પત્રકારો ઉપર ગુસ્સો ઠાલવી પત્રકાર પરિષદ અધૂરી મૂકી રવાના થઇ જવા માટે વિખ્યાત થઇ ચૂકેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન એક મહિલા પત્રકારે ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો તો ટ્રમ્પે તેમને આ પ્રશ્ન ચીનને પૂછવા જણાવ્યું હતું. આટલું જ નહીં તેમણે બીજા પ્રશ્નનો જવાબ પણ આપ્યો નહીં અને પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. ટ્રમ્પનું આ પ્રકારનું વર્તન કંઈ નવું નથી. અગાઉ પણ તેમણે વ્હાઈટ હાઉસ હોલમાં પત્રકારોના સવાલોના જવાબ આપવાનું ટાળી પત્રકાર પરિષદ અધવચ્ચે છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં કોરોનાની તાજેતરની માહિતી આપવા માટે દરરોજ રોઝ ગાર્ડનમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાજર રહે છે.  વ્હાઈટ હાઉસના બે કર્મીઓને પણ કોરોના થયો હોવાથી દરરોજ રોઝ ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્ટસિંગ સાથે  પત્રકાર પરિષદ યોજાય  છે. દરમિયાન એક એશિયન અમેરિકન પત્રકાર જિયાંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે યુએસમાં 80,000થી વધુના મોત થઈ ચૂક્યા છે ત્યારે તેઓ કોરોના વાયરસના પરીક્ષણને વૈશ્વિક સ્પર્ધાના રૂપમાં શા માટે જોઈ રહ્યા છે?
જેના જવાબમાં તેઓ છેડાઈ ગયા હતા તથા આ પ્રશ્ન મને નહીં ચીનને પૂછો તેમ કહી  ગુસ્સે થઇ પત્રકાર પરિસદ અધૂરી મૂકી ચાલ્યા ગયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:39 am IST)