Gujarati News

Gujarati News

News of Friday, 8th May 2020

" રાષ્ટ્રીય પ્રાર્થના દિન " : અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં કરાયેલી ઉજવણી : વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ વચ્ચે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પુજારીએ ભાગ લીધો : શાંતિપાઠનાં જાપ સાથે સહુના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી : પ્રેસિડન્ટ ભાવવિભોર : આભાર માન્યો

વોશિંગટન : અમેરિકામાં દર વર્ષે મે માસના પ્રથમ ગુરુવારે રાષ્ટ્રીય પ્રાર્થના દિન ઉજવાય છે.જે અંતર્ગત ગઈકાલે ઉજવાયેલા આ દિન પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ હાજરી આપી હતી.
આ તકે  સૌપ્રથમવાર એવું બન્યું કે BAPS સ્વામિનારાયણ મંદિર-રોબિન્સવિલ, ન્યૂજર્સીના પૂજારીએ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રાર્થનામાં ભાગ લીધો હોય. તેમણે વૈશ્વિક કોરોના પ્રકોપમાંથી સૌને રાહત મળે, સૌનું કલ્યાણ થાય તે માટે  વૈદિક મંત્રોચ્ચાર કરી, શાંતિ-પ્રાર્થના કરી હતી.
વ્હાઇટ હાઉસમાં શાંતિ-પ્રાર્થના અંગેની વધુ વિગતો આપતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણથી ન્યૂજર્સી-રોબિન્સવિલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર કે જે ભારત બહારનાં સૌથી વિશાળ BAPS સ્વામિનારાયણ મંદિરોમાંનું એક છે, તેના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટે ‘રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ’ના અવસરે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં અન્ય ધર્મના ધાર્મિક નેતાઓ સાથે જોડાયા હતા. તેઓએ કોરોના મહામારીથી પ્રભાવિત સૌના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને યજુર્વેદમાં ઉલ્લેખિત વૈદિક શાંતિમંત્ર સાથે પ્રાર્થના કરી હતી.

(6:01 pm IST)