Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

" મને પ્યારું લાગે શ્રીજી તારું નામ... તન- મન-ધન શ્રીજીનાં ચરણોમાં :અમેરિકામાં પસ્સૈક કાઉનટી સિનીયર સિટીઝનના ઉપક્રમે વ્રજ મંદિરનો પ્રવાસ યોજાયો : શ્રી મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવ નિમીત્તે 5 મે 2019 ના રોજ આયોજિત પ્રવાસમાં 105 સભ્યો જોડાયા

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી :  પસ્સૈક અને કલીફટન, ન્યુ જર્સી એરીઆના ભાવુક સીનીયરો માટે " ઇન્ડિયન અમેરિકન સિનીયર  સિટીઝન એસોસિએશન, પસ્સૈક કાઉનટી ન્યુ જર્સી ઈન્ક.” ની મેનેજમેન્ટ કમિટીએ

વ્રજ પેન્સીલવેનિયા મંદિર યાત્રા શ્રી મહાપ્રભુજી ની ૫૪૨મી જન્મતિથિ ઉજવવા ૫ મી May ૨૦૧૯ એ આયોજીત કરી હતી. બે બસ ભરીને આશરે ૧૦૫ સભ્યોએ આ પ્રસંગ નો લાભ લીધો હતો.

આ સંસ્થા આવતા વર્ષે ૨૫ વર્ષ પુરા કરશે. અત્યારે શ્રી અમરતલાલ ગાંધી(પ્રેસિડેન્ટ), શ્રી હસમુખભાઈ પટેલ( વાઈસ પ્રેસિડેન્ટ), શ્રી મુકેશ પંડ્યા( સેક્રેટરી ), શ્રી યાકુબભાઈ પટેલ (ભુત પુર્વ પ્રેસિડેન્ટ) તથા ૭ અન્ય મેનેજમેન્ટ કમિટી મેમ્બર ની વ્યવસ્થા નીચે લગભગ ૫૨૫ મેમ્બરશિપ સંખ્યા પહોંચી છે. વસંત ઋતુ આવતાની સાથે સીનીયરો માટે નવા વર્ષનો કાર્યક્રમ યોજવા એપ્રિલ ૩જીએ કમિટી મીટીંગ બોલાવી હતી અને સૌને સર્ક્યુલર મોકલી આપ્યો છે જેમાં નોંધપાત્ર ૮મી જુનનો સાંસ્કૃતિક પ્રોગ્રામ- સંગીત સંધ્યા ભોજન સાથે- રાખવામાં આવ્યો છે. અમદાવાદની સુપ્રષિધ ગાયિકા લલીત્યા મુન્શાવ એમના ગ્રુપ સાથે સંગીતના સુરો સીનીયરો માટે રેલાવશે.

વૈશાખ સુદ એકમ ના દિવસે ઝરમર વરસાદમાં સવારે સાડા આઠ વાગે પસ્સૈક લાઈબ્રેરી થી બસો ઉપડી હતી.... શ્રીનાથજી અને મહાપ્રભુજીનાં જય જયકાર સાથે.... એક બસ પ્રેસિડેન્ટ શ્રી અમરતલાલ ગાંધી અને કમિટી મેમ્બર શ્રીમતી રમીલાબેન પટેલ અને બીજી બસ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી હસમુખભાઈ પટેલ તથા કમિટી  મેમ્બરર્સ શ્રી યોગેશભાઈ નાણાવટી,શ્રી નીતિનભાઈ શુક્લા અને શ્રીમતી જસવંતીબેન રાણા નાં સંચાલન નીચે રવાના થઇ. બસ ઉપડતાં પહેલાં શ્રી યાકુબભાઈ પટેલે સૌને આવકાર આપી, આવતા કાર્યક્રમોની વિગતો જણાવી જેમકે ૧૯મી May કેસીનો પ્રવાસ વિગેરે અને આવનાર પસેઈક સીટી કાઉન્સીલ ઈલેકશનમાં ભાગ લેવા કહ્યું અને ખાસ એમના સુપુત્ર શ્રી સલીમ પટેલને વોટ આપવા વિનંતી કરી.

 સતત વરસાદ હોવા છતાં લગભગ ૧૧ વાગે શ્રીંગાર દર્શન સમયે બધાં પહોંચી ગયા હતાં.  આ ત્રીસ વર્ષ જુનું , ૩૦૦ એકર જમીન પર આવેલું, ભવ્ય મંદિરમાં કંઈને કંઈ નુતન જોવા મળે છે. નવું બિલ્ડીંગ 'સુવિધા સદન' નું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. મંદિરમાં દર્શન કરી સૌ શ્રીનાથજી ની મૂર્તિ સામે બેસી ભારતથી આવનાર મહારાજશ્રી અને એમના સ્વજનોનાં ભાવભીના પ્રવચનો સાંભળ્યા. ખાસ તો ભારતમાં આવતા શ્રાવણ માસમાં એમના તરફથી યોજાનાર વ્રજ પરિક્રમામાં જોડાવવાનું નિમંત્રણ સાંભળી સહુ ખુશ થયા.

  ત્યાંતો રાજભોગ દર્શનનો સમય થઇ ગયો. પ્રભુ દર્શનનાં દ્વાર ખુલે એ પહેલા મંદિરનાં  કીર્તનકારોએ હવેલી સંગીત રેળાવી સૌ વૈષ્ણવજનો માં ભક્તિભાવ ઉભો કર્યો. મંદિરનાં દ્વાર ખુલ્યા અને મુખ્યાજી સાથે મહારાજશ્રીએ શ્રીનાથજીની સેવા કરી ભવ્ય આરતી ઉતારી. સૌ મુખ્ય મનોરથીઓનું સન્માન થયું. ત્યારબાદ આજના ઉત્સવની શોભા યાત્રામાં સહુ જોડાયા. મંદિરની સન્મુખ ગિરિરાજજીની સ્થાપના છે જ્યાં ઘણા મેમ્બરોએ પરિક્રમ્મા કરી.

 બહાર ઝરમર વરસાદ ચાલુ હતો. લગભગ ૮-૧૦ બસો દુરદુરથી આવી હતી. આશરે બે થી ત્રણ હજાર ભક્તો ઉપસ્થિત હશે અને સૌ માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા બાલ સુબોધ હોલમાં કરી હતી જ્યાં સૌ સિનીયરોએ બીજા ભક્તો સાથે પ્રસાદી મેળવી હતી. અમુક સિનીયરોએ પ્રસાદી વિતરણમાં સેવા પણ આપી હતી.

જોતજોતામાં સમય ક્યાં નીકળી ગયો અને પાછા જવાની તૈયારી શરૂ થઇ ગઈ. બધાને ગોતી-ગોતીને ભેગા કરી બસમાં બેસાડી ઘર તરફ રવાના થયા. આખે રસ્તે વરસાદે સાથ છોડ્યો ન હતો. પણ સંસ્થાના સભ્યો અને તેમના સ્નેહીજનોમાં આ પુણ્ય મહોત્સવનો લ્હાવો લેવાનો સંતોષ જણાતો હતો. સૌ પોતાના મનમાં ભક્તિભાવ સાથે " મને પ્યારું લાગે શ્રીજી તારું નામ...તન- મન-ધન શ્રીજીનાં ચરણોમાં...” જેવાં વિચારો સાથે સહુ ઘર ભેગા થયાં.તેવું શ્રી ગોવિંદ શાહની યાદી જણાવે છે.

(1:06 pm IST)