Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ

અબુધાબીમાં લેન્ડ માર્ક સમાન હિન્દુ મંદિરનું ભુમિપૂજન : નિર્માણ અને સંચાલનની જવાબદારી બીએપીએસના શીરે : ૨૦૨૦ સુધીમાં કાર્ય પૂર્ણ કરવાનો નિરધાર

રાજકોટ તા. ૧૦ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આજે અબુધાબીમાં ભૂમિપૂજન સાથે લોન્ચ થઈ રહેલા હિન્દુ મંદિરના વિધિવત્ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

આ મંદિરનાં નિર્માણનું સૂત્ર સંભાળી રહેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસે અબુધાબીથી જણાવ્યું કે યુનાઈટેડ આરબ અમીરાત(યુ.એ.ઈ.)ની મુખ્ય રાજધાની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા અબુધાબી ખાતે આપવામાં આવેલ જમીન પર હિન્દુ મંદિરના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે, એ ઘટના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોની વૈશ્વિક સંવાદિતાનો એક મજબૂત અને સંગીન સંદેશ બની રહી છે.

ખાસ કરીને એકવીસમી શતાબ્દીમાં વિશ્વ જયારે સ્વાર્થી કારણોને લીધે ટુકડા ટુકડામાં ખંડિત થઈ રહ્યું છે, ત્યારે આવું ઉદાત્ત પગલું અનેકતામાં એકતાની આશાને ઉજ્જવળ બનાવે છે. યુ.એ.ઈ.ના સ્થાપકોના એકતા અને સહિષ્ણુતાના આદર્શોને સંગીન બનાવે છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શ્રી શેખ મહોમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા બંને દેશોના લોકોની સંવાદિતા માટેની કટિબદ્ઘતા બદલ સૌના આભારી છીએ તેમ સાધુ બ્રહ્મવિહારીએ જણાવેલ છે.

છેલ્લા ૨૦ વર્ષથી મધ્યપૂર્વના આરબ દેશોમાં નિયમિત મુલાકાત લઈને બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિનું સંચાલન કરતા સાધુ બ્રહ્મવિહારીદાસે અબુધાબી ખાતે થઈ રહેલા હિન્દુ મંદિરની વધુ વિગતો આપતાં જણાવ્યું કે યુ.એ.ઈ.ના આ હિન્દુ મંદિરની ડિઝાઈન, તેનું નિર્માણ અને તેના સંચાલન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને પસંદ કરવામાં આવી છે, તે બદલ સંસ્થા યુ.એ.ઈ.ના શાસકો તથા ભારત સરકારના વિનમ્રતા સાથે સન્માન અનુભવે છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલાં બી.એ.પી.એસ.નાં ભવ્ય અક્ષરધામ તેમજ ૧૨૦૦ કરતાં વધુ મંદિરો પૈકી કેટલાંય મંદિરોને આર્ટ અને આર્કિટેકચર, સૌંદર્ય અને કૌશલ્ય, સામાજિક કાર્યો અને પર્યાવરણીય બાબતોને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે.

મધ્યપૂર્વના આરબ દેશોમાં રચાઈ રહેલું પથ્થરમાંથી નિર્મિત આ સર્વપ્રથમ મંદિર અનેક દૃષ્ટિકોણથી એક અદ્વિતીય અને અનોખું મંદિર બની રહેશે, જે મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અને તેમના અનુગામી પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી રચાઈ રહ્યું છે.

દુબઈ-અબુધાબી હાઈવે પર અબુ મુરૈકાહ ખાતે રચાઈ રહેલું પરંપરાગત શૈલીનું આ હિન્દુ મંદિર, એક મંદિર તરીકેના તમામ પાસાંઓને આવરી લેશે એટલું જ નહીં, તે એક પૂર્ણ અર્થમાં સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક પરિસર બનશે.

પથ્થરમાંથી નિર્મિત થનારા આ મંદિરનું ઘડતરકામ ભારતીય કારીગરો દ્વારા ભારતમાં થશે અને અબુધાબી ખાતે તેનું નિર્માણ થશે. વિઝીટર સેન્ટર, પ્રાર્થના ખંડો, પ્રદર્શનો, મૂલ્યો શિખવતાં ખંડો, બાળકો અને યુવાનો માટે સ્પોર્ટ્સ સુવિધાઓ, થિમેટિક બગીચાઓ, જળસંશાધનો, ફૂટકોર્ટ બુકસ્ટોલ વગેરે જેવી સુવિધાઓ સાથેના આ મંદિરનું નિર્માણકાર્ય સન ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી આશા સેવાઈ રહી છે.

બધી જ માન્યતા અને ભૂમિકાવાળા તમામ લોકો માટે ખુલ્લું આ મંદિર ધર્મ અને જાતિના ભેદથી પર હશે, જે યુ.એ.ઈ.ના પ્રેમ, સહિષ્ણુતા, સંવાદિતા તથા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના એક ઉદાત્ત્। હેતુઓને સાર્થક કરશે.

યુ.એ.ઈ.ની સ્કાયલાઈનમાં આ મંદિર એક લેન્ડમાર્ક તરીકે ઉપસશે. જે સૌંદર્ય, શાંતિ, આધ્યાત્મિકતા અને સંવાદિતાની જયોતિ બની રહેશે. તેમજ શ્રદ્ઘા અને મૈત્રીનું એક વૈશ્વિક પ્રતીક બની રહેશે. તેમ સાધુ બ્રહ્મવિહારીએ જણાવેલ છે. (૧૬.૧)

(4:44 pm IST)