Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા

ન્‍યુયોર્ક : છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંત સમયથી યુ.એસ. માં સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવિસ્‍ટ શ્રી રવિ રગબિલની ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ‘‘ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ એન્‍ફોર્સમેન્‍ટ'' દ્વારા ન્‍યુયોર્ક મુકામે ધરપકડ થઇ છે. તથા તેમને દેશનિકાલ કરવાનો હુકમ અપાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શ્રી રવિની ધરપકડ તથા તેમના દેશનિકાલના હુકમથી ઇમીગ્રેશન કોમ્‍યુનીટીને બહુ મોટો ફટકો પડશે. તેવું સાઉથ એશિયન અમેરિકન્‍સ લીડીંગ ટુગેધરના ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનિકેશન્‍શ ડીરેકટર શ્રી વિવેક ત્રિવેદીએ જણાવ્‍યું હતું. શ્રી રવિને હજુ ગયા વર્ષે જ ‘ચેન્‍જ મેકર્સ' એવોર્ડ આપી SAALT દ્વારા બહુમાન કરાયુ હતું. તેમની ધરપકડનો વિરોધ દર્શાવતા ન્‍યુયોર્ક મુકામે જયાં તેમને રાખવામાં આવ્‍યા છે તે જેકોબ જેવિટસ ફેડરલ બિલ્‍ડીંગ ખાતે ICE સામે દેખાવો કરવા સેંકડો લોકો ભેગા થઇ ગયા હતા. તેમના મતમુજબ ICE નો આ નિર્ણય ઇમીગ્રન્‍ટસના હકકો ઉપર તરાપ સમાન છે.

દેખાવો કરવા આવેલા લોકોને પોલીસે ધકકા મારી બહાર કાઢયા હતા. તેવું શ્રી વિવેક ત્રિવેદીએ જણાવ્‍યું હતું. તેથી ફરી વખત સાંજે પાંચ વાગ્‍યે દેખાવો કરવા માટે ICE ડીટેન્‍શન સેન્‍ટર,૨૦૧ વેરીક સ્‍ટ્રીટ, ન્‍યુયોર્ક ખાતે કે જયાં શ્રી રવિને રાખવામાં આવ્‍યાં છે ત્‍યાં સહુ ભેગા થયા હતા.

શ્રી રવિ ૧૯૯૪ની સાલથી કાયદેસરના કાયમી નિવાસી છે. તેમને ૨૦૦૧ની સાલના વાયર ફ્રોડ બદલ ૨૦૦૬માં ઇમીગ્રેશન જજએ દેશનિકાલનો હુકમ કર્યો હતો. જેની સામે ૨૦૧૮ની સાલ સુધી શ્રી રવિને સ્‍ટે અપાયો હતો. આ વર્ષો દરમિયાન ICE ને તેમની પ્રવૃતિઓમાં કોઇપણ પ્રકારની હરકતો જણાઇ નહોતી. પરંતુ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના શાસન બાદ તેમના ઉપરની ધોંસ વધારાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. તેમનો દેશનિકાલ કેન્‍સલ કરાવવા કોમ્‍યુનીટી દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.

(11:13 pm IST)