Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સરકારે પત્નીઓને છોડીને ભાગી જનારા 33 NRI પાસપોર્ટ કર્યા કેન્સલ

ભાગી ગયેલા પતિઓ અંગે સતત લુક આઉટ સર્ક્યુલર બહારપડાઈ રહ્યા છે

નવી દિલ્હીઃલગ્ન કર્યા બાદ પોતાની પત્નીને છોડીને ભાગી જનારા 33 અપ્રવાસી ભારતીયો (NRI)ના પાસપોર્ટ સરકારે રદ્દ કરી નાખ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 

  એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,આ કેસોની તપાસ કરી રહેલી ઈન્ટિગ્રેટેડ નોડલ એજન્સી (INA) એનઆરઆઈ સાથે લગ્નના કેસમાં ભાગી ગયેલા પતિઓ અંગે સતત લુક આઉટ સર્ક્યુલર બહાર પાડી રહી છે. અત્યાર સુધી આવા 60 સર્ક્યુલર બહાર પાડી દેવાયા છે અને વિદેશ મંત્રાલયે 33 પાસપોર્ટ જપ્ત કરી લીધા છે. 

 આ એજન્સીના અધ્યક્ષ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ રાકેશ શ્રીવાસ્તવ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, NRI સાથેના લગ્નને એક અઠવાડિયાના અંદર નોંધણી કરાવવી અને નોંધણી ન કરાવવાની જોગવાઈ જેવા વિવિધ મુદ્દે એક પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ રજુ કરવામાં આવશે. 

 અધિકારીએ જણાવ્યું કે, અન્ય મુદ્દાઓમાં પાસપોર્ટના નિયમોમાં સંશોધનનો સમાવેશ કરાયો છે, જેથી ભાગેડુઓના કેસમાં તેને રદ્દ કરવામાં સરળતા રહે. 

 મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું કે, 'મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને રાષ્ટ્રીય મહિલા આયોગ, NRI સાથે લગ્નના કિસ્સામાં મહિલાઓની સલામતી અંગેના તમામ સંભવિત પગલાં લઈ રહ્યું છે.'

(10:01 pm IST)