Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસનું નામ જાહેર : જો ચૂંટાઈ આવશે તો દેશના બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા ઉપર ભારતીય મૂળના મહિલા તરીકેનો વિક્રમ સર્જાશે

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને તેમના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ તરીકે  ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસનું નામ જાહેર કર્યું છે. જો તેઓ ચૂંટાઈ આવશે તો દેશના બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા ઉપર ભારતીય મૂળના મહિલા તરીકેનો વિક્રમ સર્જાશે

સુશ્રી કમલા હેરિસની  ઉંમર  55 વર્ષ છે.તેઓ  હાલ સેનેટના સભ્ય છે. તેમજ કેલફોર્નિયાના એટર્ની જનરલ રહી ચુક્યા છે. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વખત જ કોઈ મહિલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા છે.1984 માં ડેમોક્રેટ ગેરાલ્ડિન ફેરારો અને 2008માં રિપબ્લિકન સારા પાલિનને ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવાયા હતા. પરંતુ બન્નેમાંથી એકની પણ જીત નહોતી થઈ.

કમલા  હેરિસની ઓળખ ભારતીય- અમેરિકન તરીકે છે. તેમની માતા શ્યામલા ગોપાલન ભારતના તમિલનાડુ રાજ્યના હતા. તે કેન્સર રિસર્ચર હતા. કમલા હેરિસના નાના પીવી ગોપાલન એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. આઝાદી પછી તે એક સિવિલ સર્વેન્ટ બન્યા હતા. કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના છે. તે ઈકોનોમીના પ્રોફેસર રહી ચુક્યા છે. કમલા ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારોના લિસ્ટમાં પહેલા અશ્વેત સભ્ય છે.

તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દાવેદારી રજુ કરી હતી. જો કે, પ્રાઈમરી ચૂંટણીમાં તેમને બાઈડન અને બર્ની સેન્ડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડેમોક્રેટિક ઉમેદવારની એક ડિબેટમાં તેમણે બાઈડન પર વંશવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
જો બાઈડન અને કમલાના સંબંધોમાં એક રોચક વાત છે. જોના દીકરા બિયૂ અને કમલા સારા મિત્ર છે. બિયૂ ડેલાવેયરના એટર્ની જનરલ રહી ચુક્યા છે. સાથે જ કમલા ઘણા અવસર પર જોની ટિકા કરી ચુક્યા છે. ગત વર્ષે જો એ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. CNNના પ્રમાણે- બિયૂના કારણે જ જો અને કમલાના સંબંધ સારા થયા છે.

તેમના માતા ભારતીય અને પિતા આફ્રીકન હોવાના કારણે તેમની બન્ને કોમ્યુનિટીમાં સારી પકડ છે. જ્યોર્જ ફ્લોયડના મોત પછી અશ્વેતોમાં સરકાર વિરુદ્ધ ગુસ્સો છે. એવામાં ડેમોક્રેટિક પાર્ટી તેમને પોતાની તરફ ખેંચવા માંગે છે.પ્રાઈમરી ચૂંટણી દરમિયાન કમલાએ એક આર્ટિકલ લખ્યો હતો, જેમાં તેમણે પોતે અશ્વેત હોવા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જ ભારતીય સંસ્કૃતિની પ્રશંસા પણ કરી હતી.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કમલા હેરિસના ચૂંટાવા અંગે કહ્યું કે, આ દેશ માટે સારો દિવસ છે. તે પુરી રીતે તૈયાર છે. તેમણે તેમની કારકિર્દી દેશના બંધારણની રક્ષામાં વિતાવી દીધી છે.

 આ સાથે જ સ્પીકર નેન્સી પેલોસી અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ કમલા હેરિસને બાઈડને મજબૂત પાર્ટનર ગણાવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પણ તેમને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો બાઈડન અમેરિકાના લોકોને એક કરશે.

(5:45 pm IST)