Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

અમેરીકામાં ૪૦૦૦૦ જેટલા ભારતીય પરીવારના કાયદેસરના સંતાનો પર આપત્તિના વાદળો સતત પ્રમાણમાં છવાયાનો ભય સેવાઇ રહયો છેઃર૧ વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જો હાઉસ અને સેનેટના સભ્યો જો જરૂરી પગલા ન ભરે તો તેઓને દેશ નિકાલ કરાશેઃ સતાવાળાઓ સમક્ષ પરીવારના સભ્યોએ કરેલી જોરદાર રજુઆતઃ હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંગત રસ લઇ આ સળગતા પ્રશ્નને હલ કરવા પ્રયાસો હાથ ધરવા જોઇએ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શીકાગો) અમેરીકામાં રીપબ્લીકન પાર્ટીના ચંુટાયેલા રાજકીય નેતાઓએ ગયા વર્ષના જાન્યુઆરી માસથી હાઉસ તથા સેનેટમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરેલ છે અને તેની સાથે સાથે અમેરીકાના પ્રમુખપદનો તાજ ડોનાલ્ડ ટ્રમ્પના શીરે મુકેલ છે ત્યારે અમેરીકન પ્રજાને એવો આશાવાદ હતો કે પ્રમુખે પોતાના ચુંટણી પ્રચાર દરમ્યાન પ્રજાને જે વચનો આપેલ તે પરીપુર્ણ થશે પરંતુ સવા વર્ષના સમયગાળા દરમ્યાન તેમના દ્વારા ધરવામાં આવેલ સમગ્ર પ્રકારની કાર્યવાહીઓથી તમામ પ્રજાઓમાં એક મહાન પ્રકારની પીછેહઠની લાગણીઓ પ્રસારીત થવા પામેલી જોવા મળે છે અને તેમાં મુખ્યત્વે હેલ્થકેર અને ઇમીગ્રેશનના પ્રશ્નનો સમાવેશ થાય છે.

અમેરીકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાનો ભાંગી પડેલ ઇમીગ્રેશન ખાતાના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરવા માટે પગલાં ભરવાની શરૂઆત કરી હતી. પરંતુ હાઉસના સભ્યો દ્વારા તેમને જરૂરી સહકાર પ્રાપ્ત થયો હતો. પરંતુ સેનેટના સભ્યો દ્વારા જોઇએ તેટલા પ્રમાણમાં સહકાર પ્રાપ્ત થવો જોઇએ તેવો સહકાર પ્રાપ્ત ન થતા હેલ્થકેર અને ઇમીગ્રેશનના ક્ષેત્રમાં તેમણે પીછેહઠ કરવી પડતાં અમેરીકામાં ૪૦૦૦૦ જેટલા ભારતીય સંતાનો કાયદેસર રીતે વસવાટ કરે છે અને અભ્યાસ કરે છે. તેમના પર ભારે સંકટના વાદળો છવાયેલા માલુમ પડે છે. અને હવે નજીકના જ સમયમાં તેઓ ર૧ વર્ષની ઉંમર નજીક પહોંચી જનાર હોવાથી તેમનું ભાવી ધુંધળુ બની જાય તો નવાઇની વાત નથી.

અમરીકામાં નાની વયની ઉંમરે પોતાના પરીવારના સભ્યો સાથે ૪-૪ વીઝા પર આવેલા સંતાનો હાલમાં શાળાઓમાં અભ્યાસ કરે છે. પરંતુ હવે તેઓ દિન પ્રતિદિન મોટી ઉંમરે પહોંચી રહયા હોવાથી તેમના ભાવી જીવન અંગે તેઓ સતત પ્રમાણ ચિંતીત હોવાનું લાગી રહયું છે અને ર૧ વર્ષની ઉંમર નજીક પહોંચતા પહેલા તેઓએ અનેક પ્રકારની આપતિઓનો સામનો કરવાનો રહેશે.

આ સમગ્ર પ્રશ્ન અંગે તેમના વાલીઓએ તથા નાની વયના સંતાનોએ રાજકીય આગેવાનો જેમાં બંન્ને પાર્ટીના હાઉસ તથા સેનેટના સદસ્યોલ સમક્ષ તેની ઉગ્ર રજુઆત કરી હોવા છતાં તે અંગે જે ચાંપતા પગલા ભરાવા જોઇએ તે સતાધારી પક્ષ દ્વારા ભરવામાં ન આવતા સમગ્ર જગ્યાએ અસંતોષની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે.

હાઇસ્કુલનો અભ્યાસ પુર્ણ કરતા પહેલા આવા કાયદેસરના સંતાનો સમક્ષ ફકત બે પ્રકારના વિકલ્પો પડેલા છે જેમાં પ્રથમ

વિકલ્પમાં તેઓનું હાલમાં એચ-૪ ઇમીગ્રેશનનું જે સ્ટેટસ છે તેને કોલેજમાં જતા પહેલા ઇન્ટર નેશનલ સ્ટુડન્ટ વીઝા એફ-૧માં રૂપાંતર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવી પડશે અને ધારો કે આ પ્રક્રિયામાં સફળતા પણ મળે તો તેવા વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ માટે સવિશેષ પ્રમાણમાં ફી ભરવાની રહેશે અને તેની સાથે સાથે અમેરિકન વિદ્યાર્થીને સરળતાથી કોલેજમાંથી જે પ્રકારની નાણાકીય સહાય અપવા વધુ અભ્યાસ અર્થે જે લોન મળે છે તેવા પ્રકારની સગવડતા આવા પ્રકારના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતી નથી અને તેમના પરિવારના સભ્યોને આર્થિક રીતે અનેક પ્રકારની નાણા ભીડમાંથી પસાર થવું છે અગર તેનો સામનો કરવો પડે છે જે હાલના સમયમાં અશકય બની રહે છે.

આવા પ્રકારના વિદ્યાર્થીઓ કે જેઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે અંગે રહેવા ન માંગતા હોય તો તેમણે આ દેશ છોડીને ભારત ભેગા રવાના થવું હિતાવહ છે અને યોગ્ય સમયે તેઓ પાછા અત્રે આવી શકે છે.

ઇન્ટર નેશનલ સ્ટુડન્ટ વીઝા મેળવ્યા બાદ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જો તેને કોઇ વ્યકિત નોકરીએ રાખે અને તેમના માટે સ્પોન્સર કરે તો તેને એચ-૧બી સ્ટેટસ પ્રાપ્ત થાય છે અને જો તેમ કરવામાં તે નિષ્ફળ જાય તો પછી તેણે પણ ભારત તરફ પ્રયાસ કરવું હિતાવહ થઇ રહેતો નવાઇની વાત નથી.

સેનેટ અને હાઉસમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ આવા સળગતા પ્રશ્નને કોઇ પણ પ્રકારનો રાજકીય વળાંક આપીને માનવતાની દૃષ્ટિએ આ પ્રશ્નને હલ કરવાની પ્રક્રિયા હાથ ઘરેએ સૌના હિતની બીના છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વહીવટી તંત્રના અધિકારીઓને આ અંગે કડક પ્રમાણમાં સૂચનો આપીને તે અંગેનો મુસદ્દો તૈયાર જણાવવુ જોઈએ અને તેની સાથે સાથે હાઉસ તથા સેનેટમાં સભ્યોને પણ આ અંગે જાણ કરી ઘટતા પગલાનો અનુરોધ કરવો જોઈએ.

અમેરિકાની સરહદો પર દેશની સલામતી માટે દિવાલ બાંધવા માટે તેમનો હઠાગ્રહ છે પરંતુ તેના માટે જરૂરી નાણા કોંગ્રેસ મંજુર કરતી નથી તો આ દિવસનો હઠાગ્રહ હાલ પુરતો બાજુ પર રાખી સમગ્ર દેશના સળગતા પ્રશ્નોને હલ કરવા જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવે તો તેઓ સફળતાના શિખરે પહોંચી જાય તો નવાઈની વાત નથી.

આ વર્ષના નવેમ્બર માસમાં મધ્યવર્તી ચૂંટણી યોજાનાર છે તે પહેલા પોતાની પાર્ટીના બન્ને ગૃહોના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરી પ્રજાકીય કાર્યો કરે તો તમામ પ્રકારની પરિસ્થિતિનો અંત આવી શકે અને રીપ્લીકન પાર્ટીના જે મુળ સિદ્ધાંતો છે તે પણ જળવાયેલા રહેશે અને પ્રજાનો વિશ્વાસ મેળવવામાં પણ તેઓ સફળતાને પ્રાપ્ત કરશે.

ચૂંટણીના છ માસના સમયગાળા દરમ્યાન અનેક પ્રકારના પરિણામો સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય તેમ છે તો શું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ માર્ગને અપનાવી પ્રજાભિમુખ કાર્યો હાથ ધરશે અને લોકચાહના પ્રાપ્ત કરશે?

(8:30 pm IST)