Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સભ્‍યોએ ક્રિસમસ પાર્ટી તથા બોલીવુડના સંગીતના સુરે બીંગો ગેઇમનું કરેલું શાનદાર આયોજન : શિકાગોના બીઝનેસમેન શલભ કુમારની ૭૦મી વર્ષગાંઠની કરવામાં આવેલી ઉજવણી : આઠમી કોંગ્રેસનલ ડીસ્‍ટ્રીકટના રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગને આપેલી હાજરી અને પોતાને મત આપવા કરેલો અનુરોધ

 (સુરેશ શાહ દ્વારા) શિકાગો : ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સભ્‍યોએ કેરોલ સ્‍ટ્રીમ ટાઉનમાં આવેલ રાના રેગન કોમ્‍યુનીટી સેન્‍ટરમાં ડીસેમ્‍બર માસની ૨૫મી તારીખે બોલીવુડ ફીલ્‍મના સંગીતના સુરે બીંગો ગેઇમનું સુંદર આયોજન કર્યુ હતું. આ પ્રસંગે બોલીવુડની એકટ્રેસ અને ૨૦૧૨ના વર્ષની મીસ ઇન્‍ડીયાનો તાજ જેના શીરે મુકવામાં આવેલ તે મનસ્‍વીએ મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે શિકાગોના જાણીતા બીઝનેસમેન શલભ કુમાર જીયા ટી.વી. એશીયા મીડવેસ્‍ટ રીજીયતના પ્રતિનિધિ અને ઇલીનોઇ રાજયના આઠમી ડીસ્‍ટ્રીકટના કોંગ્રેસના રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગને પણ હાજરી આપી હતી.

સંસ્‍થાના પ્રમુખ હરિભાઇ પટેલે પોતાના સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી ક્રિસમસ પર્વની ઉજવણી પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આપણે આ રાના રેગન કોમ્‍યુનીટી સેન્‍ટરમાં એકત્રીત આપણી વિવિધ પ્રકારની સીનીયરોને સ્‍પર્શતી તમામ પ્રકારની પ્રવૃતિઓ કરીએ છીએ અને તેમાં તમો જે સહકાર આપો છો તે બદલ આપનો આભાર માનું છું. આવતા માર્ચ માસ દરમ્‍યાન આઠમી કોંગ્રેસનલ ડીસ્‍ટ્રીકટમાં રીપબ્‍લીકન પાર્ટી તરફથી ટી.વી. એશીયાના મીડીયા પ્રતિનિધિ વંદના જીગન ચુંટણી લડી રહયા છે. તો તેમને તમારો મત આપશો એવી અપેક્ષા રાખું છું.

આ પ્રસંગે કોંગ્રેસ વુમન તરીકે ચુંટણી લડી રહેલા વંદના જીંગને પ્રાસંગીક પ્રવચન કરી પોતાને મત આપવા વિનંતી કરી હતી. આ વેળા શિકાગોના બીઝનેસમેન શલભ કુમારે પણ હાજરી આપી હતી અને તેમનો ૭૦મો જન્‍મદિન હોવાથી તેની પણ ઉજવણી કરવામાં આવી હતી.

ક્રિસમસ પાર્ટીની ઉજવણી પ્રસંગે બહેનો બોલીવુડ ફીલ્‍મના સંગીતના સુરે ગરબે ઘુમ્‍યા હતા અને શિકાગોના સંગીતના કલાકરો સની જાદવ તથા દક્ષા પટેલે સુંદર બોલીવુડના ગીતો રજુ કરીને સૌના મન હરી લીધા હતા.

મુખ્‍ય મહેમાન મનસ્‍વીએ પણ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું અને ક્રિસમસ પર્વની ઉજવણી પ્રસંગે સૌને મુબારકબાદી આપી હતી.

સુંદર ભોજનને ન્‍યાય આપીને સૌ સીનીયર ભાઇ બહેનો વિખુટા પડયા હતા. 

(9:40 pm IST)