Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2017

રાષ્ટ્ર-રાજ્ય માટે મોદી વિઝન શ્રેષ્ઠઃ ડો. વિઠ્ઠલભાઈ ધડુક

મૂળ નાકરા ગામના અમેરિકા સ્થાયી થયેલા વિશ્વખ્યાત પાટીદાર ન્યુરો સર્જન 'અકિલા'ની મુલાકાતેઃ પાટીદારો લાંબાગાળાના વ્યાપક હિતને નજરમાં રાખીને મત આપેઃ મોદીજી દરેક સમાજને સાથે રાખીને ચાલ્યા છે, યુવા પાટીદારો ભવિષ્યને નજરમાં રાખીને મત પ્રયોગ કરેઃ ડો. ધડુક

 

'અકિલા'ના એકઝીકયુટિવ એડિટર શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે ડો. વિઠ્ઠલભાઈ ધડુક નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ :. અમેરિકા સ્થીત વિખ્યાત ન્યુરો સર્જન ડો. વિઠ્ઠલભાઈ ધડુક આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ગુજરાતની ધારાસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરતા કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો કોઈ વિકલ્પ નથી. મોદીજીએ ટૂંકાગાળામાં દેશમાં હિંમતભેર પગલા ભર્યા છે અને વિશ્વમાં ભારતને અલગ ઓળખ આપી છે.

ડો. ધડુક કહે છે કે, રાજ્યથી માંડીને રાષ્ટ્ર સુધીના લાંબાગાળાના હિત માટે મોદી વિઝન શ્રેષ્ઠ છે. ગુજરાતની ધારાસભાની ચૂંટણી પ્રસંગે હું અપીલ કરૂ છું કે, આ વિઝનને તાકાતથી સમર્થન કરો. ખાસ કરીને પાટીદાર સમાજે લાંબાગાળાના વ્યાપક હિતને નજરમાં રાખીને મતદાન કરવાની જરૂર છે. પાટીદાર યુવાનોએ પણ આંધળુકિયા કરવાને બદલે ભવિષ્યનો વિચાર કરીને મતનો ઉપયોગ કરવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે, ગુજરાતે મોદીજીનું શાસન અનુભવ્યું છે. દરેક સમાજને સાથે રાખીને તેઓ ચાલ્યા છે.

મોદીજીએ દેશની સત્તા સંભાળ્યા બાદ સફાઈ અભિયાનથી માંડીને બુલેટ ટ્રેન સુધીના પ્રોજેકટ શરૂ કરી દીધા છે. સામાન્ય માણસની સુખાકારીનો વિચાર આ નેતૃત્વ કરે છે. ઘર-ઘર ટોયલેટ અભિયાન ચલાવવું એ સામાન્ય બાબત નથી. મોદીજીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત, તંદુરસ્ત ભારત અને વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

ડો. ધડુક સ્વામિનારાયણ ગુરૂકુળ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ગુરૂકુળ દ્વારા તાજેતરમાં હોલિસ્ટિક હોસ્પીટલનો પ્રારંભ થયો. તેના ઉદઘાટન સમારોહ માટે ભારત આવ્યા છે. હોસ્પિટલનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે થયું હતું.

ડો. ધડુક કહે છે કે, મોદીજીએ વિશ્વભરમાં ભારતની શ્રેષ્ઠ ઈમેજ સર્જી છે. માત્ર ભારતીયો જ નહિં, મૂળ અમેરિકન લોકો પણ નરેન્દ્રભાઈથી પ્રભાવિત થયા છે. મોદી સરકારે ભારતીય સંસ્કૃતિથી માંડીને અર્થજગતને નવી દિશા આપી છે. જો કે, ડો. ધડુક કહે છે કે, દેશના હિતમાં આકરા પગલા ભરવામાં મોદીજીએ પાછીપાની નથી કરી. ડોકટર દર્દીને ઈન્જેકશન લગાવે ત્યારે થોડું દર્દ થાય પણ એ દર્દ દર્દીના હિતમાં હોય છે. મોદીજી દેશના હિતમાં કઠોર પગલા લે તો પણ તેને સમર્થન કરવું જરૂરી છે.

પાટીદાર સમાજ અને ગુજરાતી મતદારોએ આ મુદ્દે પણ ચિંતન કરવું જોઈએ. ચૂંટણીમાં પાટીદાર સમાજ ખૂબ ચર્ચામાં છે. આ અંગે ડો. ધડુક કહે છે કે, સમાજની ખોડલધામ-ઉમિયાધામ સહિતની મુખ્ય સંસ્થાઓએ આ અંગે સ્પષ્ટતા કરી જ દીધી છે.

નરેન્દ્રભાઈ જેટલું હાર્ડવર્ક કોઈ કરી શકે તેમ નથી. ડો. ધડુક કહે છે કે, સરદાર જેવો જુસ્સો ધરાવતા મોદીજીને દશ વર્ષ કોઈ હટાવી શકે તેમ નથી. લોકોએ આ નેતૃત્વને પૂર્ણ સમર્થન જાહેર કરવું જરૂરી છે.

અમેરિકા જતા યુવા વર્ગને સંદેશ

હાર્ડવર્કનો વિકલ્પ નથી

રાજકોટ તા. ૭ : અમેરિકા જવા ઇચ્છતા ભારતના યુવાવર્ગ માટે ડો. ધડુક કહે છે કે, હાર્ડવર્ક કરવા માનસિક રૂપે તૈયાર થઇને આવો સંઘર્ષ કરવામાં પાછા ન પડો ટુંકાગાળાની ટુંકામાર્ગની સફળતાનું ન વિચારો અને દેશને-વતનને કયારેય ન ભુલવાની શરતે આવો.

અમેરિકામાં આવેલા બદલાવ અંગે ડો. ધડુક કહે છે. કે, બદલાવની નકામાત્મક અને હકારાત્મક બંને અસરો હોય છ.ે ઘણી અસરો ભારતીઓને ફાયદાકારક છે અને મેકિંગ અમેરિકા પ્રોજેકટ મુળ અમેરીકન અને ભારતીય વચ્ચે અંતર ઉભું કરી શકે છ.ે

ડો. ધડુકે પારાવાર સફળતા મેળવ્યા છતા હાર્ડવર્ક છોડયું નથી. તેઓ એક  એક મિનિટનું આયોજન કરીને દોડતા રહે છ.ે હોસ્પિટલ તથા મેડિકલ કોલેજમાં ટીંચિંગ ખુદની ફાર્મા કંપની ઉપરાંત સમાજસેવા...ડો. ધડુક હું પડકારો સ્વીકારૂ છું અને તેને પ્રેમ કરૃં છું મારૂ કૌશલ્ય-મારૂ કામ જ મારી ઓળખ છે, તેનાથી કયારેય દુર ભાગતો નથી.

ડો. ધડુકે ધો. ૧૦ સુધીનો અભ્યાસ નાકરામાં કરેલો

રાજકોટઃ અમેરિકા સ્થિત ન્યૂરો સર્જન ડો. વિઠ્ઠલભાઇ ધડુક સ્વામિનારાયણ ગુરૂકુળ સહિત અનેક સંસ્થાઓ સાથે સક્રિયતાથી જોડાયેલા છે. તેઓ સમાજ સેવામાં પણ અગ્રેસર રહે છે.

તેઓ મૂળ સૌરાષ્ટ્રના નાકરા ગામના છે. ડો. ધડુકના મોટાભાઇ સરપંચ અને આગેવાન હતા. ડો. ધડુકે નાકરા ગામમાં જ ધો. ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ ગોંડલ અને રાજકોટમાં શિક્ષણ લીધું હતું.  MBBS  જામનગરમાં અને MD અમદાવાદમાં થયા છે. ૧૯૮૩માં તેઓ અમેરિકા ગયા, ન્યુરોલોજીનો અભ્યાસ કર્યો અને ત્યાં સ્થાયી થયા.

ડો. ધડુક અમેરિકામાં લોકપ્રિય છે, પરંતુ વતનપ્રેમ તેઓમાં અખૂટ છે. વતનનું ઋણ અદા કરવા તન-મન-ધનથી સક્રિય રહે છે. ગુજરાતમાં તેઓ શિક્ષણ-આરોગ્યક્ષેત્રે નિર્ણાયક સેવા કરે છે. માત્ર પાટીદાર સમાજમાં જ નહિં, વિવિધ સમાજમાં તેઓ લોકપ્રિય છે.

(11:41 am IST)