Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

યુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે

એટલાન્ટા :અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીમાં આ વર્ષે પહેલી વખત શ્રી યમુના મહારાણીના સાંનિધ્યમાં પુષ્ટિ સંપ્રદાય મુજબ નવવિલાસ-નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. તા.10 થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. એટલાન્ટા સહિત આસપાસના શહેરોમાં વસવાટ કરતા ભારતીય-ગુજરાતી સમુદાયમાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બનેલી આ ગોકુલધામ હવેલીમાં સમયાંતરે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે. જેના ભાગરૂપે આ વર્ષે પહેલી વખત નવ દિવસના ગરબા સાથે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે.

ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ જણાવ્યું હતું કે, હવેલી દ્વારા પુષ્ટિ પરંપરા અને ગુજરાતની ગરબા સંસ્કૃતિને અનુરૂપ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ માટે હવેલીના પ્રાંગણમાં જ ખેલૈયાઓ માટે આઉટડોર ટેન્ટમાં કાર્પેટ બિછાવી ગરબા યોજાશે. એટલાન્ટામાં આઉટડોર ટેન્ટમાં આ પ્રકારના ગરબા પહેલી વખત યોજાનાર હોઇ ગરબા ખેલૈયાઓમાં જબરદસ્ત ઉત્સુકતા વ્યાપી છે.

નવવિલાસ-નવરાત્રિ મહોત્સવમાં મુંબઇના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે. આ નવરાત્રિ મહોત્સવ માટે ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત ખેલૈયાઓ અને ગરબા નિહાળવા આવનાર મુલાકાતીઓ માટે ચટાકેદાર ખાણીપીણીના સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે.

નવરાત્રિ મહોત્સવ અને ત્યારબાદ દિવાળી પર્વને ધ્યાનમાં રાખી ગોકુલધામ હવેલીને રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો છે. પહેલી વખત આયોજિત આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા ગોકુલધામ હવેલી કમિટીના આગેવાનો હેતલ શાહ, કિન્તુ શાહ, પરિમલ પટેલ, નિક્સન પટેલ, અલ્પેશ શાહ સહિત ટીમના તમામ સભ્યો ખભેખભા મિલાવી રાતદિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટની યાદી જણાવે છે.

(12:32 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST