Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમેરિકાના અર્કાન્‍સસમાં લેઉવા પાટીદાર સમાજ ઓફ USA નું ૧૪મું વાર્ષિક અધિવેશન યોજાયું: ૨૭ તથા ૨૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન મળેલા બેદિવસિય અધિવેશનમાં સમાજનો ઐતિહાસિક, સાંસ્‍કૃતિક, તથા સમૃધ્‍ધ વારસો જાળવી રાખવાના આયોજનો કરાયા

અર્કાન્‍સસઃ તાજેતરમાં યુ.એસ.માં ૨૭ તથા ૨૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન લેઉવા પાટીદાર સમાજ ઓફ USAનું ૧૪મું વાર્ષિક અધિવેશન યોજાઇ ગયું.

સ્‍ટેટ હાઉસ કન્‍વેન્‍શન સેન્‍ટર, લિટલ રોક અર્કાન્‍સસ, મુકામે મળેલા આ બેદિવસિય અધિવેશનમાં સુરત, નવસારી,વલસાડ, તાપી, સહિત પસ્‍ચિમ ગુજરાતના લેઉવા પટેલ સમાજના વતનીઓએ હાજરી આપી હતી.

૧૯૮૯ની સાલથી સ્‍થપાયેલા આ સમાજના ૧૪મા વાર્ષિક અધિવેશનમાં અમેરિકાના જુદા જુદા સ્‍ટેટમાં વસતા સેંકડો મેમ્‍બર્સએ હાજરી આપી હતી. આ અધિવેશનની વિશેષતા એ હતી કે તે વોલન્‍ટીઅર્સ દ્વારા સ્‍વયંસંચાલિત હતું.

અધિવેશનમાં બાળકો, યુવા સમુહ, સિનીઅરો, મહિલાઓ સહિત તમામ ઉમરના લોકો માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.જે અંતર્ગત વર્તમાન પરિસ્‍થિતિ વચ્‍ચે સમાજની સાંસ્‍કૃતિક ઓળખ જાળવી રાખવાની સાથે જુદા જુદા સામાજીક પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચાઓ થઇહતી. અધિવેશનનો મુખ્‍ય હેતુ લેઉવા પાટીદાર સમાજનો ઐતિહાસિક તથા સમૃધ્‍ધ વારસો જાળવી રાખી સાથોસાથ ભવિષ્‍યને સમૃધ્‍ધ બનાવવાનો હતો. જે માટે યુવા સમુહ ઉપર વધુ ભાર મુકાયો હતો.

આ વર્ષના અધિવેશનના મુખ્‍ય વકતા શ્રી જય વસાવડા હતા જેઓ લેખક તથા કોલમિસ્‍ટ તરીકે ગુજરાતમાં સુપ્રસિધ્‍ધ છે. ઉપરાંત અધિવેશન દરમિયાન યોજવામાં આવેલા ગાલા નાઇટમાં બોલીવુડ ટીવી અભિનેત્રી સુરભિ ચંદનાએ ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

લેઉવા પટેલ સમાજના એકઝીકયુટીવ બોર્ડમાં શ્રી દિપક પટેલ તેમના હોદાની રૂએ ૨૦૧૮-૧૯ની સાલ માટે સેવાઓ આપવાનું ચાલુ રાખશે. તથા શ્રી મહેન્‍દ્ર પટેલ ૨૦૧૮-૧૯ની સાલ માટે સમાજના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવ્‍યા હતા. તથા શ્રી જીમ્‍મી પટેલ, શ્રી રોશન પટેલ, અને શ્રી નાન્‍સી પટેલ અનુક્રમે વાઇસ પ્રેસિડન્‍ટ, ટ્રેઝરર, તથા સેક્રેટરી તરીકે ચૂંટાઇ આવ્‍યા હતા. ઉપરોક્‍ત તમામ હોદેદારોની સર્વાનુમતે વરણી થઇ હતી.

અધિવેશનને સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવામાં છેલ્લા ઘણાં મહિનાઓથી સતત કાર્યરત રહેલા સમાજના લિટલ રોક અર્કાસન્‍સ વિસ્‍તારના વોલન્‍ટીઅર્સની જહેમતને પ્રેસિડન્‍ટ શ્રી દિપક પટેલ તથા કન્‍વેન્‍શન ચેર અને વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી મહેન્‍દ્ર પટેલએ બિરદાવી હતી. તેવું સુશ્રી નલિની રાજાની યાદીમાં જણાવાયું છે.

(9:32 pm IST)